ઘટનાની જાણ થતાં પોલીસ તરત આવી પહોંચી, સ્થાનિકોની મદદથી પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના જીવનદીપ બુઝાઈ ગયા છે. આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
લીંબડી-રાજકોટ હાઈવેના આયા ગામના બોર્ડ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અકસ્માતને પગલે સ્થાનિકોનાં ટોળેટોળાં વળ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તરત આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.
બે દિવસ અગાઉ ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસે એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પડતાં કારમાં સવાર સસરા-જમાઈનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાર પર વિશાળ ડમ્પર પડતાં કારનું પડીકું વળી ગયું હતું. ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
આ હાઇવે પર થોડા દિવસ અગાઉ પોલીસવાનને અકસ્માત નડતા એક મહિલા પોલીસ કર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા હતા. લીંબડીના બલદાણા ગામના પાટીયા પાસે પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા