કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબિયત ફરી એકવાર બગડવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને દિલ્હીની (All India Institute of Medical Sciences)માં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ કોરોના વાયરસને હરાવીને પરત ફર્યા હતા અને હોમ આઈસોલેશનમાં હતા. શાહને લગભગ રાત્રે 2 વાગ્યે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહને AIIMSમાં દાખલ કરાયા Covid 19 રિપોર્ટ નેગેટિવ આવ્યો

મળતી વિગતો પ્રમાણે કોરોના વાયરસને હરાવ્યા બાદ શાહ હોમ આઈસોલેશનમાં હતા આ દરમિયાન તેમને થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા છે. 14 ઓગસ્ટના રોજ ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી.

તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની AIIMS દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. આ સાથે હોસ્પિટલના મેડિકલ અને પ્રોટોકોલ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યું છે કે, તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો છે જે નેગેટિવ આવ્યો છે. તેમની હાલત સ્થિર છે અને તેઓ હોસ્પિટલથી પોતાનું કામ કરી રહ્યા છે.