વિધાનસભામાં મંત્રી જગદીશ પંચાલની જાહેરાત
ડોર ટુ ડોર છાણા એકત્રિત કરાશે, હવે છાણમાંથી પશુપાલકો કમાણી કરી શકશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલે સહકાર વિભાગ તથા માર્ગ-મકાન વિભાગની ચર્ચા વખતે નવી જાહેરાત કરી હતી કે, રાજ્યમાં તમામ ડેરી સંસ્થાઓ-દૂધ ઉત્પાદક સંઘો દ્વારા આવતા સમયમાં પશુપાલકો પાસેથી છાણ ખરીદી તેમાંથી જૈવિક ખાતરનું તથા બાયોગેસનું ઉત્પાદન કરવાનું શરૂ કરશે, સંઘો-ડેરીઓ દ્વારા ખેડૂતો-પશુપાલકોના ઘરે જઈ ડોર-ટુ-ડોર છાણનું એકત્રીકરણ કરવામાં આવશે અને આ યોજનામાં પ્રત્યેક કિલોગ્રામ છાણનો એક રૂપિયો ચૂકવવામાં આવશે, આમ ખેડૂતો-પશુપાલકોને દૂધનાં તો રૂપિયા મળશે, પરંતુ છાણમાંથી પણ કમાણી થશે. આ ગોબરથી ડેરીઓ દ્વારા વીજળી પણ પેદા કરવામાં આવશે.
રાજ્યમાં 50 વર્ષ જૂના પુલોના 1 હજાર કામો માટે 797 કરોડની જોગવાઈ મંત્રી જગદીશ પંચાલે વિધાનસભામાં સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 50 વર્ષ જૂના બ્રિજના રિપેરિંગના એક હજાર કામો માટે નવા વર્ષના બજેટમાં રૂ.797 કરોડ ફાળવાયા છે અને 2047 સુધીમાં ગુજરાત અને આખો દેશ ફાટકમુક્ત બની જશે, પરિણામે ઇંધણ, સમય અને નાણાની બચત થશે. રાજ્યના માર્ગ-મકાન વિભાગની 36 નવી બાબતો માટે નવા વર્ષના બજેટમાં રૂ.1692.92 કરોડ તથા ચાલુ કામો માટે રૂ.17058.44 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્યના કોર રોડ નેટવર્કને સુદૃઠ કરવા માટે રૂ.700 કરોડ, ખાણ-ખનિજોના વિસ્તારોને જોડતા રસ્તાઓના સુદૃઢીકરણ માટે રૂ.450 કરોડ, બંદરોને જોડતા રસ્તાઓના મજબૂતીકરણ માટે રૂ.300 કરોડ, માર્ગો-પુલોની જાળવણી માટે રૂ.35 કરોડ, અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે બહુમાળી મકાન સહીત રાજ્યભરમાં બહુમાળી મકાનોના બાંધકામ માટે રૂ.60 કરોડની ફાળવણીની નવા બજેટમાં જાહેરાત કરાઈ હોવાનું પણ જણાવાયું હતું.