8 ખેલાડીઓ ભાગ લેવાથી વંચિત, રાજકોટની દેવયાનીબા ઝાલા પણ ભોગ બની
ભારતીય રમતગમતમાં મોટો વિવાદ ઊભો થયો છે, કારણ કે જર્મનીના રાઈન-રુહરમાં આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ઓછામાં ઓછા આઠ ખેલાડીઓને વહીવટી ભૂલોને કારણે ભાગ લેવાની મનાઈ કરવામાં આવી છે. જેનું કારણ ખોટા નામ નોંધવા જેવી વહીવટી ભૂલો હોવાનું કહેવાય છે. આ ઘટનાએ રમતગમત સમુદાયમાં રોષ ફેલાવ્યો છે. આઠમાંથી છ ખેલાડીઓ ભારતીય બેડમિન્ટન ટીમના ભાગ છે જેણે આ ગેમ્સમાં મિશ્ર ટીમ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઇવેન્ટ માટે 12 ખેલાડીઓની બેડમિન્ટન ટીમ જર્મની મોકલવામાં આવી હતી, પરંતુ 16 જુલાઈએ મેનેજરોની બેઠકમાં અધિકારીઓએ તમામ નામો યોગ્ય રીતે રજૂ ન કર્યા હોવાથી છ ખેલાડીઓને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નહોતી.અન્ય બે ખેલાડીઓ રાજકોટના દોડવીર દેવયાનીબા ઝાલા અને સીમા છે. વહીવટી ભૂલનો ભોગ બનનારમાંથી એક ખેલાડી અલીશા ખાને સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, અમે જવાબ માંગીએ છીએ, અમારી ફરિયાદ અંગે સુનાવણીની માંગ કરીએ છીએ.
- Advertisement -
અમે કોઈ મેચ માત્ર હાર્યા નથી – અમે ભાગ લેવાનો અધિકાર ગુમાવ્યો છે, આ માત્ર ભૂલ નથી. આ અઈંઞ અને અમારી ટીમના અધિકારીઓ દ્વારા કારકિર્દીનો નાશ છે. અમે ન્યાયની માંગ કરીએ છીએ. રાજકોટનાં દોડવીર દેવયાનીબા, સીમાને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. 400 મીટરની દોડની ખેલાડી દેવયાનીબા ઝાલાએ જણાવ્યું કે તેનું નામ સત્તાવાર એન્ટ્રી લિસ્ટમાં હોવા છતાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સના સ્ટાર્ટ લિસ્ટમાંથી ગાયબ હતું. સૌરાષ્ટ્રની 23 વર્ષની આ ખેલાડી દેવયાનીબાએ ઇન્સ્ટાગ્રામ પર દાવો કર્યો કે તેણે ઇવેન્ટમાં ભાગ લેવા માટે 2.5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને તેનું નામ સત્તાવાર લિસ્ટમાં હોવાનો પુરાવો શેર ર્ક્યો. દેવયાનીબા કહે છે કે, હું આ ઇવેન્ટ માટે એક વર્ષથી વધુ સમયથી તૈયારી કરી રહી હતી અને 400 મીટરની ફાઇનલમાં પહોચીને કંઈક ખાસ કરવા માટે સારી ફોર્મમાં હતી. પરંતુ જ્યારે પહેલા દિવસનું સ્ટાર્ટ લિસ્ટ ગઈકાલે સાંજે આવ્યું, ત્યારે 400 મીટર મહિલા લિસ્ટમાંથી મારું નામ ગાયબ હતું, દેવયાનીબાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું. ટીમના અધિકારીએ દેવયાનીબાને ઉડતા જવાબો આપીને હાથ ખંખેરી નાખ્યાં છે કે, નામ નોંધવાની તારીખ અને સમય પૂરો થઈ ગયો છે, અને અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
પરંતુ વૈશ્વિક સ્પર્ધામાં, વર્લ્ડ કમિટી કેવી રીતે પેનથી લખેલી અને ફેરફાર કરેલી એન્ટ્રી સ્વીકારી શકે? પ્રશ્ન એ છે કે તો પછી નામ નોંધાવવાની જવાબદારી જવાબદાર ખાતાની નથી?? એક ખેલાડીના અથાગ પરિશ્રમ, આર્થિક ફાળો તેમજ ખેલાડીના પુરા પરિવારના પ્રયત્નો ખેલાડીને તૈયાર કરવા પાછળ હોય છે, એ સમય, એ નિષ્ઠા, એ ખર્ચ એ બધાને અંતે જો જવાબદાર તંત્ર આવા બેજવાબદાર વલણ દાખવે એ કેટલું યોગ્ય?! દેવયાનીબાએ કહે છે કે, અધિકારીઓ માટે આ બહુ સામાન્ય હોઈ શકે, પરંતુ મારા જેવા ખેલાડી માટે, જેણે વૈશ્વિક સ્પર્ધામાં આ રીતે એન્ટ્રી ગુમાવી છે, તે સામાન્ય વાત નથી, આ જ રીતે, સીમા, જે મહિલાઓની 10,000 મીટરની ફાઇનલમાં ભાગ લેવાની હતી, તેનું નામ પણ લિસ્ટમાં નહોતું. આવા છબરડાના જવાબમાં સૂત્રો જણાવે છે કે, એવું લાગે છે કે ખેલાડીઓની ભાગીદારીની પુન:પુષ્ટિ કરતી વખતે, ઇલેક્ટ્રોનિક ડેટા શીટ દ્વારા, સ્થળ પરના એથ્લેટિક્સ અધિકારીએ ખોટું બોક્સ ક્લિક કર્યું હોય શકે, બે બોક્સ હતા – ભાગ લેવો અને ન લેવો- અહીં અધિકારીએ ખોટું બોક્સ ટિક કર્યું હોઈ શકે…લો બોલો…! સીમા કહે છે કે અમારા ખેલાડીઓના નામ ન હોવા ખૂબ દુ:ખદાયક તેમજ શરમજનક છે.
પાકિસ્તાન અને શ્રીલંકાના ખેલાડીઓ સ્ટાર્ટ લિસ્ટમાં છે. અમારે 10,000 મીટરમાં ત્રણ ખેલાડીઓ – અંજલિ દેવી, નિર્મલા અને હું – ભાગ લેવાનો હતો પરંતુ અમારા નામ સ્ટાર્ટ લિસ્ટમાંથી ગાયબ છે! વાસ્તવમાં, બેડમિન્ટન ટીમની વહીવટી ભૂલો ભુવનેશ્વરના કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (ઊંઈંઈંઝ) ખાતે યોજાયેલા ટ્રાયલથી શરૂ થઈ હતી. મેનેજરોની બેઠક દરમિયાન, અધિકારીઓને ભારતના તમામ 12 ખેલાડીઓની યાદી સાથેનો એક પત્ર આપવામાં આવ્યો હતો. તેમની જવાબદારી હતી કે તેને ધ્યાનપૂર્વક વાંચે, ગેરહાજર અથવા ઈજાગ્રસ્ત ખેલાડીઓની તપાસ કરે અને નામોને તે મુજબ ખાતરી કરે અથવા સુધારે. જોકે, આટલી જવાબદાર પોસ્ટ ઉપર બેઠેલા અધિકારીઓએ અહીં છબરડો વાળ્યો. જે ખેલાડીઓ ટ્રાયલ્સમાં હાજર નહોતા તેમના નામ પણ યાદીમાં હતા. બેઠકમાં તેમણે એ જાહેર કરવાનું હતું કે કયો ખેલાડી સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ રમશે, પરંતુ તેમણે શુ છબરડો વાળ્યો એ તો હવે તપાસમાં બહાર આવશે.બીજું, એ કે પોતાના ખેલાડીની યોગ્ય પ્રવેશપત્ર ભરાઇ ગયું કે નહીં તેનું ફોલોઅપ લેવાની જવાબદારી જે તે યુનિવર્સિટીની પણ બને છે, પણ સંબંધિત યુનિવર્સિટીઓએ આવો કોઈ રસ જ ન દાખવ્યો એ પણ ગજ્જબ કહેવાય! તપાસમાં જે બહાર આવે તે, પણ અત્યારે તો આ આઠ ખેલાડીઓની મહેનત પાણીમાં ગઈ છે. સપના રોળાઈ ગયા છે, તેમના પરિવારનો પરિશ્રમ એળે ગયો છે, દેશના અંકે થનાર કેટલાય સંભવિત મેડલો હવે સપનું થઈ ગયાં છે ત્યારે અધિકારીઓ ’ભૂલ થઈ ગઈ’ માત્ર એટલું કહીને છૂટી જાય એ ચાલે?