26મીથી તાલુકા સ્તરે પણ અમલ શરૂ: રાજકોટ જિલ્લા પંચાયતની અઢારેય બ્રાન્ચમાં ‘પેપરલેસ’ પ્રક્રિયાનો પ્રારંભ
અધિકારી ફિલ્ડમાં હશે તો તેઓ પોતાના લોગઈન આઈડી મારફતે મોબાઈલ-લેપટોપ મારફતે ફાઈલને મંજૂરી-નામંજૂરી આપી શકશે: સમયની બચત થશે, ફાઈલોના થપ્પા લાગતાં અટકશે: કોઈ ફાઈલ સાથે છેડછાડ કે ખોવાશે નહીં- ઉઉઘ દેવ ચૌધરી
- Advertisement -
‘ફાઈલ નથી મળતી’ની વાત હવે ભૂતકાળ બનશે
ટેક્નોલોજી દિવસેને દિવસે હરણફાળ ભરી રહી છે અને હવે લગભગ મોટાભાગનું કામ આંગળીના ટેરવે મતલબ કે ઑનલાઈન થવા લાગ્યું છે જેથી લોકોના સમયની ઘણી બધી બચત થઈ રહી છે. બીજી બાજુ સરકારી તંત્ર પણ હવે ટેક્નોલોજી સાથે કદમથી કદમ મીલાવીને લોકોને મદદરૂપ થવા માટે નવતર અભિગમ અપનાવી રહી છે. દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતનું સઘળું કામ હવેથી ‘પેપરલેસ’ મતલબ કે ઑનલાઈન થઈ ચૂક્યું છે મતલબ કે હવે જિલ્લા પંચાયતને લગતું તમામ કાર્ય ઑનલાઈન જ થવા લાગશે. આમ કરનારી રાજકોટની જિલ્લા પંચાયત ગુજરાતની પ્રથમ કચેરી છે. આ સાથે જ આગામી 26 ડિસેમ્બરથી સરકારના ગુડ ગવર્નન્સ દિવસથી તાલુકા પંચાયતની કચેરીઓ પણ ‘પેપરલેસ’ થઈ જશે.
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતુ કે, હવેથી જિલ્લા પંચાયતમાં કોઈ પ્રકારની ફિઝિકલ મતલબ કે હાર્ડકોપી ફાઈલ ચાલશે નહીં અને તમામ વહીવટ પેપરલેસ મતલબ કે ઓનલાઈન બની જશે. રાજકોટ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી અઢારેય બ્રાન્ચમાં આ પ્રક્રિયા અમલી બનાવી દેવામાં આવી છે. આ માટે તમામ કર્મચારીઓ-અધિકારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
- Advertisement -
એકંદરે જિલ્લા પંચાયતનો સંપૂર્ણ વહીવટ ‘પેપરલેસ’ થઈ જવાને કારણે સૌથી મોટો ફાયદો એ થશે કે કોઈ અરજદાર દ્વારા પહેલાં આરોગ્ય, આર એન્ડ બી સહિતના વિભાગોને લગતી ફાઈલ સબમીટ કરાવવામાં આવતી તો ઘણીવાર એવું બનતું કે ફાઈલો ગુમ થઈ જવી, ફાઈલો ન મળવી સહિતની સમસ્યા ઉપસ્થિત થતી હતી. જો કે હવે આ વાત ભૂતકાળ બની જશે કેમ કે ફાઈલ સબમીટ થયા બાદ તેનો રેકોર્ડ કોમ્પ્યુટરમાં સચવાયેલો રહેશે.
આ નિર્ણયનો બીજો ફાયદો એ મળશે કે જિલ્લા પંચાયતના અધિકારી ફિલ્ડમાં હશે તો પણ ફાઈલને વેરિફાય અથવા તાો મંજૂરી આપી શકશે. આ માટે તમામ અધિકારીઓને લોગઈન આઈડી આપવામાં આવ્યું છે જેન થકી તેઓ ફિલ્ડમાં હોવા છતાં પણ લેપટોપ અને મોબાઈલ થકી ફાઈલને મંજૂર-નામંજૂર કરી શકશે. આવી જ રીતે કોઈ ફાઈલ સાથે છેડછાડ નહીં થાય કે તેના ગુમ થઈ જવાની સમસ્યામાંથી છૂટકારો મળશે.