સદીઓ પુરાણા આપણાં ભારતિય અધ્યાત્મની, સનાતન પરંપરાની જ્યોત આજ સુધી દૈદિપ્યમાન ઝળહળી રહી છે એમાં જેનું મહત્વનું યોગદાન છે એ જગદગુરુ આદિ શંકરાચાર્યને ભારતીય તત્વ જ્ઞાનના પિતા ગણવામાં આવે છે
આદિ શંકરાચાર્યની વાત કરીએ તો, આદિ શંકરાચાર્ય અને અભિનવ શંકરાચાર્ય.. આ બન્ને એક જ છે કે કેમ, અને એમના કાળ વિશે વિદ્વાનોમાં અનેક મત છે. એક મત ઈસવસન પૂર્વે હજારો વર્ષ પહેલાં શંકરાચાર્યનાં સમયને માને છે. બીજો મત, તેમનો સમય ઈસવસનની આઠમી સદી ગણાવે છે. મોટાભાગે જે મતનો સ્વીકાર થાય છે એ મુજબ આદિ શંકરાચાર્યનો જન્મ: ઇસવીસનની 778માં કેરાળામાં અને મૃત્યુ: ઇ.સ. 820માં થયું હતું. છે.જ્યારે તેઓ ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ ગુરુના આશ્રમમાં શંકરાચાર્યજીને ખૂબ જ નાની ઉંમરે વેદ અને ઉપનિષદનું જ્ઞાન સિદ્ધ થયું હતું.. ત્યારબાદ તેઓએ ભારતયાત્રા શરૂ કરી અને ધર્મ, સંસ્કૃતિનું પુન: સ્થાપન કર્યું. આદિ શંકરાચાર્ય અદ્વૈત વેદાંતના સ્થાપક, સંસ્કૃત વિદ્વાન, ઉપનિષદ વ્યાખ્યાતા અને હિન્દુ ધર્મ ઉપદેશક ગણાય છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર તેમને ભગવાન શંકરનો અવતાર માનવામાં આવે છે. ભારતમાં વૈદિક ધર્મના પુન:ઉત્થાનના ઈતિહાસમાં આદ્યશંકરાચાર્યનું નામ સર્વોચ્ચ સ્થાને છે એમ કહી શકાય. એમના વ્યક્તિત્વની વાત કરીએ તો,, કવિ, સાહિત્યકાર, ભક્ત, ગુરુ, દાર્શનિક, સદાચારી, ધર્મ-સુધારક, સમાજ-સુધારક, વિવિધ સંપ્રદાયોના સંયોજકકર્તા… એવા અનેક આયામ છે.
- Advertisement -
જ્યારે આદિ શંકરાચાર્યનો જન્મ થયો એ સમયે ભારત સામાજિક-ધાર્મિક અધ:પતનના માર્ગે ઊભું હતું, બૌદ્ધ અને જૈન ધર્મમાં દુષણો પેસી ગયા હતાં, હિંદુ ધર્મમાં ભ્રષ્ટાચાર વ્યાપક બની ગયો હતો
તેમણે પોતાના અજેય તર્ક વડે શૈવ, શાક્ત અને વૈષ્ણવોના દ્વૈતનો અંત કરીને પંચદેવોપાસનાનો માર્ગ બતાવ્યો.
જ્યારે આદિ શંકરાચાર્યનો જન્મ થયો એ સમયે ભારત સામાજિક-ધાર્મિક અધ:પતનના માર્ગે ઊભું હતું. બૌદ્ધ અને જૈન ધર્મમાં દુષણો પેસી ગયા હતાં. હિંદુ ધર્મમાં ભ્રષ્ટાચાર વ્યાપક બની ગયો હતો. વૈદિક ધર્મના સત્યોને છૂપાવીને વેદના સિદ્ધાંતો અને વિભાવનાઓના નામે, હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયો અને કહેવાતાં ધર્મગુરુઓ અંધશ્રદ્ધા અને જડતા ફેલાવી રહ્યા હતાં અને ભારતવર્ષ વિકટ બૌદ્ધિક, આધ્યાત્મિક અને સામાજિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું હતું. હિંદુ ધર્મ અથવા વૈદિક ધર્મ માત્ર વિસ્તૃત ધાર્મિક વિધિઓનું પ્રદર્શન બની ગયું હતું. હિંદુ ધર્મમાં હજારો દેવતાઓને સમર્પિત ઘણા અસહિષ્ણુ સંપ્રદાયો વિકસી આવ્યા હતા. ધર્મના નામે અનેક દુષણો, અસંતોષ અને ભ્રષ્ટાચાર હતા. સનાતન ધારા વિશેની ભ્રામક ભ્રમણા અને અધોગતિની સ્થિતિમાં, સનાતન પરંપરાના તારણહાર બની શંકરાચાર્યે જીવનનું તત્વજ્ઞાન, અદ્વૈત વેદાંતના શુદ્ધિકરણ અને એકીકરણને આગળ લાવી સનાતન પરંપરાના વિકૃત થઈ રહેલા ખોળિયામાં નવું સત્વ ઉમેરી તેને નવજીવન આપ્યું. સનાતન ધર્મમાં નવપ્રાણ ફૂંકીને આદિ શંકરાચાર્યએ જે મહાન યોગદાન આપ્યું છે, તે ભારતીય ચેતનાની મહાધારાને પ્રવાહપૂર્ણ બનાવી રાખે છે. માત્ર બત્રીસ વર્ષનીઅલ્પાયુમાં શંકરાચાર્યએ તેમના જીવનમાં જે પુરુષાર્થ કર્યો તે સમગ્ર સંસ્કૃતિનો વાહક બની ગયો. લોકોને વેદની વિભાવનાની સાચી સમજ આપવી, શાસ્ત્રાર્થ દ્વારા અણીશુદ્ધ તથ્યોને સિદ્ધ કરવા તેમજ વેદો તથા અન્ય વૈદિક સાહિત્ય પર અનેક ભાષ્યોની રચના કરી તેમણે એ તથ્યને લોકો સુધી પહોચાડ્યું.
આ ઉપરાંત મઠોની સ્થાપના, દશનામ સંન્યાસપ્રથાને સુવ્યવસ્થિત બનાવી, સગુણ-નિર્ગણના ભેદને નાબૂદ કરવાના પ્રયાસો, હરિહર નિષ્ઠાની સ્થાપના, આ કાર્યો તેમને ’જગદ્ગુરુ’ના પદ સુધી પહોંચાડે છે. ધર્મ, સંસ્કૃતિ અને દેશની સુરક્ષા માટે, ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતા માટે આદિ શંકરાચાર્યે વિશેષ વ્યવસ્થારુપે ભારતવર્ષમાં ચાર ભાગમાં અધ્યાત્મના કેન્દ્ર સમાં ચાર મઠ(પીઠ)ની સ્થાપના કરી હતી.
- Advertisement -
મઠ એટલે એવાં ધાર્મિક સંસ્થાન કે જ્યાં ગુરુ પોતાના શિષ્યોને શિક્ષણ, ઉપદેશ વગેરે આપે છે તેમના દ્વારા આપવામાં આવેલ શિક્ષણ મુખ્યત્વે આધ્યાત્મિક હોય છે, આ ઉપરાંત સામાજિક-નૌતિક મૂલ્યો, સમાજ સેવા અને સાહિત્ય વગેરે પણ મઠનાં કાર્યક્ષેત્ર છે. જે પ્રકારે બ્રહ્માના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થાય છે. પૂર્વના મુખથી ઋગ્વેદ, દક્ષિણથી યર્જુર્વેદ, પશ્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદની ઉત્ત્પત્તિ થઇ છે. આ આધારે આ ચારેય પીઠ એક-એક વેદ સાથે જોડાયેલી છે. ઋગ્વેદથી ગોવર્ધન પુરી મઠ એટલે જગન્નાથ પુરી, યજુર્વેદથી શ્રંગેરી જે રામેશ્વરના નામથી ઓળખાય છે. સામવેદથી શારદા મઠ, જે દ્વારકામાં છે અને અથર્વવેદથી જ્યોતિર્મઠ જોડાયેલ છે. જે બદ્રીનાથમાં છે.દરેક મઠના મઠાધિપતિ શંકરાચાર્ય કહેવાય છે. જે સ્વાભાવિક રીતે જ આદિ શંકરાચાર્યએ દર્શાવેલા અધ્યાત્મના માર્ગે ચાલીને લોકોને આપણી સમૃદ્ધ પરંપરા વિશે જ્ઞાન આપે છે. સનાતન ધારાની ગુરુ -શિષ્ય અને સન્યાસ પરંપરામાં શંકરાચાર્યનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. શંકરાચાર્યને હિંદુઓને આધ્યાત્મિક તેમજ જીવન વિષયક માર્ગદર્શન આપવાનો વિશેષાધિકાર રહ્યો છે. ચાર મઠના શંકરાચાર્ય અને તમામ વૈષ્ણવાચાર્ય મહાભાગો સનાતન મૂલ્યોને પુન:સ્થાપિત કરવામાં સક્રિય છે.આદિ શંકરાચાર્યે શરુ કરેલી આ મઠ પરંપરા આજ સુધી અસ્ખલિતપણે વહી રહી છે અને સમયે સમયે અલગ- અલગ મઠાધિપતિઓએ (શંકરાચાર્ય) ચારેય પીઠને શોભાવતા રહ્યાં છે.
આદિ શંકરાચાર્ય સ્થાપેલી ઉપરોક્ત પરંપરાનાં વાહક એવાં સ્વામી સ્વરૂપાનંદ 1981થી જ્યોતિર્મઠ તેમજ શારદા પીઠનાં સંયુકત મઠાધિપતિ/શંકરાચાર્ય પદે બિરાજમાન હતાં જેઓ, તાજેતરમાં જ બ્રહ્મલિન થયાં છે. એમના વિશે થોડુંક….
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનો જન્મ મધ્યપ્રદેશના સિવની જિલ્લાના દિઘોરી ગામમાં 2 સપ્ટેમ્બર 1924ના રોજ સનાતન હિન્દુ પરંપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો. બાળપણમાં તેમનું નામ પોથીરામ હતું, જે તેમના માતા-પિતાએ વિદ્વાનના આગ્રહથી રાખ્યું હતું. સાત વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું. નવ વર્ષની ઉંમરે ઘર છોડીને ધર્મની ખોજમાં યાત્રાએ નીકળી પડેલા સ્વામીજી ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થળ અને સંતોની મુલાકાત લેતા કાશી પહોંચ્યા, ત્યાં સ્વામી કરપાત્રી મહારાજના સંપર્કમાં આવ્યા અને તેમની પાસેથી શાસ્ત્ર અને વેદ વેદાંગનું શિક્ષણ મેળવ્યું હતું.
આ દરમિયાન ભારતને અંગ્રેજી આધિપત્યમાંથી મુક્ત કરાવવા સ્વાતંત્ર સંગ્રામ ચાલી રહ્યો હતો. 1942ના ભારત છોડો આંદોલનમાં ઓગણીસ વર્ષના આ સ્વામીજીએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત સ્વામીજીને 1942માં વારાણસીમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના સત્યાગ્રહી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એક યોજના બનાવી જેમાં, વાયર કાપવાના આરોપમાં નવ મહિનાની જેલની સજા પણ કરવામાં આવી હતી. વળી, મધ્યપ્રદેશમાં પણ તેમને છ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. ત્યારથી તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્યાત થયા.તેઓ કરપાત્રી મહારાજની ’રામ રાજ્ય પરિષદ’ના પ્રમુખ પણ રહ્યા. 1950માં, સ્વામીજીએ બ્રહ્મલિન શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસે દંડી સંન્યાસની દીક્ષા લીધી, ત્યારબાદ તેઓ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા અને 1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. ત્યારથી મૃત્યુપર્યંત તેમણે ઉપરોક્ત બન્ને મઠની ગાદીને શોભાવી.
સ્વામી સ્વરૂપાનંદનાં કાર્યફલક વિશે વાત કરીએ તો,ધાર્મિક-અધ્યાત્મિક પ્રવૃતિઓ ઉપરાંત તેમનું કાર્યફલક અતિ વિશાળ રહ્યું છે. શંકરાચાર્ય તરીકે, તેમણે આજ સુધી જે જે સામાજિક- દેશહિતના કાર્ય કર્યા છે એવુ કોઈ સંસ્થા કે વ્યક્તિએ સ્વતંત્રપણે કર્યું નથી.
સ્વામી સ્વારૂપનંદ તેમના સ્પષ્ટવક્તાપણા તેમજ વિવાદાસ્પદ વિધાનોને કારણે હંમેશા ઓળખાતા રહ્યા છે…. શંકરાચાર્ય તરીકે, તેમણે આજ સુધી જે જે સામાજિક- દેશહિતના કાર્ય કર્યા છે એવુ કોઈ સંસ્થા કે વ્યક્તિએ સ્વતંત્રપણે કર્યું નથી
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ઉપરાંત તેમના માર્ગદર્શનમાં તેમના અનેક શિષ્યો દેશભરમાં વિવિધ પ્રકારના સેવાકીય અભિયાન શરુ કર્યા, જેના કારણે કરોડો ગરીબ લોકો, સંતો, વિદ્યાર્થીઓ વગેરે ભોજન, વસ્ત્ર, શિક્ષણ, દવા, આવાસનો લાભ લઈ રહ્યા છે
ગૌરક્ષા આંદોલનમાં ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રીજીના નેતૃત્વના કરવા બાબતે સ્વામી સ્વરૂપાનંદ ત્રણ વખત જેલમાં ગયા અને એક વખત રામ મંદિર માટે પણ તેઓએ જેલવાસ ભોગવ્યો છે
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ઉપરાંત તેમના માર્ગદર્શનમાં તેમના અનેક શિષ્યો દેશભરમાં વિવિધ પ્રકારના સેવાકીય અભિયાન શરુ કર્યા, જેના કારણે કરોડો ગરીબ લોકો, સંતો, વિદ્યાર્થીઓ વગેરે ભોજન, વસ્ત્ર, શિક્ષણ, દવા, આવાસનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત અનેક ગૌશાળાઓ પણ ચલાવવામાં આવી રહી છે. વળી, ધાર્મિક-આધ્યાત્મિક અભિયાન હેઠળ અનેક પ્રકલ્પ નિર્માણાધીન છે, જેમાં આશ્રમો, મંદિરો, દવાખાનાઓ, વેદ અને સંસ્કૃત શાળાઓ, વગેરેનું નિર્માણ ચાલી રહ્યું છે. જે થોડા વર્ષોમાં પૂર્ણ થશે. સ્વામીજીના મોટાભાગના આશ્રમો વનવિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત છે. આ તમામ આશ્રમોમાં જરૂરિયાતમંદને મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.
હિંદુઓના આસ્થાસ્થાન એવા રામજન્મભૂમિ સ્થળના વિવાદમાં હિંદુ શ્રદ્ધાને ઉચિત ન્યાય મળ્યો એમાં શંકરાચાર્યજીનો ખુબ જ મહત્વપૂર્ણ અને મોટો ફાળો રહ્યો છે. તેઓએ ત્રીસ વર્ષ સુધી રામ મંદિર માટે આંદોલનો કર્યા, ન્યાયિક લડત આપી અને આ અંતર્ગત અનેક કેસ લડીને હિંદુઓને વિજય અપાવ્યો. સ્વાભાવિક છે કે તેમની આ લડત, કશા પણ રાજનૈતિક લાભની અપેક્ષારહિત , અણીશુદ્ધ રીતે આપણી પ્રાચીન ગરિમાને ન્યાય આપવાની હતી. અહીં એક મહત્વની વાત છે કે સ્વામી સ્વરૂપાનંદને કોંગ્રેસ વિચારધારાનાં પ્રખર સમર્થક માનવામાં આવે છે. અલબત્ત, કોંગ્રેસ જેના વિશે ક્યારેય ન્યાય કરવા રાજી ન હતી તેવા, રામમંદિર તેમજ તેના જેવા અસંખ્ય બીજા મુદ્દે કે જેનો પ્રત્યક્ષ સંબંધ હિન્દુત્વ કે સનાતન ધારા સાથે રહયો હોય, બધા માટે કોંગ્રેસની વિચારધારા વિરુદ્ધના મુદ્દે પણ તેઓએ આજીવન લડત આપી છે આ બાબત તેમના વલણને સ્પષ્ટ કરે છે કે તેઓ પ્રાચીન ધરોહર કે આધ્યાત્મિક મૂલ્યો બાબતમાં રાજકારણ ભળવા દેતા નથી. રામ સેતુ, ગંગા શુદ્ધિકરણ તેમજ ગૌ સંરક્ષણ માટેના તેમના જંગી આંદોલન વિશે સૌ જાણે છે. તેઓએ ભારતના નકલી(!) શંકરાચાર્યો સામે આંદોલન કર્યું, કાશીના મંદિરો માટે આંદોલન કર્યા છે
સ્વામી સ્વારૂપનંદ તેમના સ્પષ્ટવક્તાપણ તેમજ વિવાદાસ્પદ વિધાનોને કારણે હંમેશા ઓળખાતા રહ્યા છે.
23 જાન્યુઆરી 2014ના રોજ જ્યારે જબલપુરમાં એક પત્રકારે તેમને પૂછ્યું કે ’નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ, બન્નેમાં શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ?’ તો તેઓ ગુસ્સે થઈ ગયા અને તે પત્રકાર સાથે ખૂબ જ અણછાજતું વર્તન કર્યું હતું. તેઓએ સાઈ બાબા વિશે પણ વિવાદાસ્પદ વિધાનો કર્યા હતાં. જ્યારે સુપ્રીમ કોર્ટે મહિલાઓને મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે “શનિ એક પાપગ્રહ છે. તેમની શાંતિ માટે પ્રયત્નો કરવામાં આવે છે. મહિલાઓએ મંદિરમાં પ્રવેશ લેવાનું ટાળવું જોઈએ કારણ શનિ પૂજા મહિલા માટે દુર્ભાગ્ય લાવશે અને તેમની સામેના ગુનાઓ, બળાત્કાર, અન્યાય, અત્યાચાર અને ગેરરીતિની ઘટનાઓમાં વધારો થશે! તેઓ વર્તમાન સરકારે રામજન્મભૂમિ મુદ્દાનો રાજનૈતિક લાભ માટે જ ઉપયોગ કર્યો તેનાથી ખૂબ જ નારાજ હતા. તેઓના મતે રાજકારણ અને ધર્મકારણ બન્ને અલગ બાબત છે, જેના પર રાજકારણ ન થવું જોઈએ!
અલબત્ત, સ્વામી સ્વરૂપાનંદ, સનાતન એટલે કે વિશ્વના સૌથી સહિષ્ણુ, ઉદાર અને ઉદાત ધારાના, સાર્વત્રિક સંવાદિતાના હિમાયતી રહ્યા છે. તેમણે જનહિતના તેમજ સંસ્કૃતિ હિતના અનેક ભગિરથકાર્ય કર્યા છે. તેમની પવિત્ર ચેતના થકી હજારો હૃદયમાં જ્ઞાનદીપ પ્રજ્વલિત કર્યા છે. આપણા શંકરાચાર્યો અને ધાર્મિક ગુરુઓએ હંમેશા ભેદભાવ નાબૂદ કરવા અને સર્વધર્મ સમભાવની ભાવનાને મજબૂત કરવાનું કામ કર્યું છે. તેથી જ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી માટે લોકોને વિશેષ આદર છે, જે હંમેશા હંમેશા રહેશે..અસ્તુ…..