જૂનાગઢમાં ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’નો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
- Advertisement -
જૂનાગઢ શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને લોકોમાં ટ્રાફિક શિસ્ત કેળવવાના ઉદ્દેશ્ય સાથે ’રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ આર.ટી.ઓ., પોલીસ વિભાગ અને કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી. એસ. બારડે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, માર્ગ સલામતીના નિયમો માત્ર કાગળ પર નહીં પણ રોજિંદા જીવનમાં આદત તરીકે કેળવવા જોઈએ. તેમણે અકસ્માત સમયે મદદ કરનાર માટેની ’રાહ-વીર યોજના’નો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ઘાયલોને મદદ કરનાર વ્યક્તિને રૂ. 25,000ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આરટીઓ એ.પી. પંચાલે ભારપૂર્વક જણાવ્યું કે, ટ્રાફિક નિયમોનું પાલન દંડથી બચવા માટે નહીં પરંતુ રક્ષણ માટે છે. ડાયરેક્ટર અને ડીન એસ.આર. ગડારીયા તેમજ ડીવાયએસપી એ.એસ. પટણીએ પણ વાહનની જાળવણી અને બેદરકારી ટાળવા પર ભાર મૂક્યો હતો. ટ્રાફિક પી.આઈ. સુશ્રી એચ.કે. હુંબલે ચિંતા વ્યક્ત કરી હતી કે, 18 થી 45 વર્ષના યુવાનોમાં અકસ્માતનું પ્રમાણ વધુ છે, જે પરિવાર અને દેશ માટે મોટું નુકસાન છે. જૂનાગઢ કૃષિ યુનિ.થી સ્વામિનારાયણ મંદિર સુધી યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવો, લેન શિસ્ત અને ગતિ મર્યાદા જેવા વિષયો પર રચનાત્મક કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે. કાર્યક્રમના અંતે એન.એસ.એસ. યુનિટ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.



