પત્રકારત્વના પુરાવાઓની નબળાઈ બની કારણ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.3
- Advertisement -
પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં વિઝ્યુઅલ લેતા પત્રકાર પર હુમલાની કોશિશના કેસમાં આરોપી પ્રફુલ દત્તાણીનો નિર્દોષ છૂટકારો થયો છે. આ કેસમાં ફરીયાદી પત્રકાર ઋષી યોગેશ થાનકીએ આરોપી પર હુમલાની કોશિશ અને ધમકી આપવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદ મુજબ, ઋષી યોગેશ થાનકી ન્યૂઝ ચેનલમાં સમાચારો માટે કમલાબાગ પોલીસ મથકમાં વિઝ્યુઅલ લેતા હતા,
તે દરમિયાન આરોપી પ્રફુલ દત્તાણી, જે પોલીસ કસ્ટડીમાં હતા, પોલીસની તપાસની કામગીરી દરમિયાન બહાર લઈ જતી વખતે ઋષી યોગેશ થાનકી પર હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી કે, “મારું કોઇ ન્યુઝ પેપરમાં કે ચેનલમાં સમાચાર આપશો તો હું જામીન પર છુટીને પતાવી દઇશ”.આ કેસની કોર્ટમાં ચાલતી ટ્રાયલમાં, ફરીયાદપક્ષે રજૂ કરેલા પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો પર આધારિત દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે નિર્ધારણ કર્યું કે ફરીયાદપક્ષે ઋષી યોગેશ થાનકીના પત્રકારત્વના પુરાવાઓ પુરાવાની નબળાઈને કારણે પુરવાર કરી શક્યા નથી. ફરીયાદપક્ષ દ્વારા રજૂ કરાયેલા સાહેદોએ કબૂલ્યું કે ઋષી યોગેશ થાનકીના પત્રકાર તરીકેના માન્ય પુરાવા, જેમ કે ઓળખપત્ર અને ન્યૂઝ કંપનીનો એપોઇન્ટમેન્ટ લેટર, કોર્ટમાં રજૂ કરી શક્યા ન હતા.ત્યારબાદ આરોપી તરફે તેઓના વકીલ મારફતે દલીલમા જણાવવામં આવેલ કે, ફરીયાદી કયા પ્રકારનો વ્યવસાય કરે છે, તેઓ રજીસ્ટર કંપનીમાં પત્રકાર છે પરંતુ તેઓ જે ચેનલમાં પત્રકાર છે તેનું ઓળખપત્ર ધરાવતા નથી, તેમજ તેઓનો પત્રકાર તરીકેનો કોઇ આધાર પુરાવો રજુ રાખેલ નથી. તેમજ ન્યુઝ રીપોર્ટીંગ કરતી વખતે તેની મંજૂરી ન્યૂઝ ચેનલમાંથી લેવી પડે છે તેવી કોઇ મંજૂરી કે પરવાનગી આ કામે રજુ રાખેલ નથી. તેમજ તેઓને કઇ ન્યૂઝ કંપનીએ ન્યુઝનું રીપોર્ટીંગ કરવાનું જણાવેલ તેવી કોઇ લેખિતમાં જાણ કરેલ નથી.
તેમજ તેઓ આરોપીનો વિડીયો ઉતારે છે તે ન્યૂઝ ચેનલની કઇ જોગવાઇ હેઠળ ઉતારે છે તેની પણ તેઓને ખબર નથી. આરોપી પોલીસ કસ્ટડીમાં હતો તો પોલીસની પણ કોઇ પરમીશન લીધેલ નથી.
- Advertisement -
આમ, ફરીયાદી તેઓની ફરીયાદને સમર્થનના જે મહત્વના ક્ધટેનો છે તે જ પુરવાર કરી શકેલ નથી, ત્યારબાદ ફરીયાદપક્ષે સાહેદ હિતેષ કાંતિલાલ ઠકરારને તપાસેલા છે તેઓ પણ જણાવે છે કે ન્યુઝ રીપોર્ટર બનવા માટે અભ્યાસ કરવો પડે તેવો કોઇ અભ્યાસ તેઓએ કરેલ નથી અને તેઓ જે ન્યુઝ કંપનીના રીપોર્ટર છે તેનો કોઇ એપોઇન્ટમેન્ટ લેટર નથી કે તેનો કોઇ ઓળખપત્ર તેઓ પાસે રહેલ નથી. ઉપરાંત, ફરીયાદી દ્વારા કોઈપણ પ્રકારની અધિકૃત પરવાનગી મેળવ્યા વગર વિઝ્યુઅલ લીધા હતા. આ દલીલોને આધારે અને ગોઠવાયેલા પુરાવાઓના અભાવને કારણે, કોર્ટ દ્વારા આરોપી પ્રફુલ દત્તાણીને આઇ.પી.સી. કલમ – 506(2) હેઠળના ગુન્હામાંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ આપવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ જે.પી.ગોહેલ, એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, એમ.ડી.જુંગી, જિગ્નેશ ચાવડા વગેરે રોકાયેલા હતા.