કેસુડાનો સાબુ બનાવ્યો, એક સાબુ પાછળ 30 રૂપિયાનો ખર્ચ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજ્ય સરકારયુવાઓને પગભર બનાવવા કટ્ટીબધ્ધ છે. જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ચાલતા એસએસઆઇપી (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન) પોલીસી અંતર્ગત મેવાસાબાવાનાં ગામની વિદ્યાર્થીની તૃપ્તિ કોરાટે કેસુડાનો સાબુ બનાવ્યો છે. જેમાં સરકાર દ્વારા તેમને રૂા.35 હજારની મદદ મળતા તેમણે રો-મટીરીયલ અને મશીનરીની ખરીદી કરી સાબુ બનાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આ સાબુનું જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક કમિશનર નારાયણ માધુ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી સહિતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેસુડાએ હર્બલ સોપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. કેસુડાનો સાબુ બનાવનાર વિદ્યાર્થીની તૃપ્તિ જયંતિભાઇ કોરાટે જણાવ્યું હતું કે, બહાઉદ્દીન કોલેજમાં ગત વર્ષે અભ્યાસ કરતી હતી. ત્યારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી હેઠળ ચાલતા પ્રોજેક્ટ અંગે પ્રોફેસર ધર્મેશ પી.વાવૈયા સહિતના પ્રોફેસરો દ્વારા માર્ગદર્શન સાથે સાબુ બનાવવાની પ્રેરણા આપી હતી. તેમના માર્ગદર્શન મુજબ એસએસઆઇપી પ્રોજેક્ટ હેઠળ કેસુડાના સાબુ બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં સરકાર દ્વારા રૂા.35 હજારની સહાય મળતા મે સુરતની એક કંપની પાસેથી સાબુનું રો-મટીરીયલ અને મશીનરીની ખરીદી કરી કેસુડાનો સાબુ બનાવવાનું શરૂ કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાબુના રો-મટીરીયલમાં કેસુડાના ફુલ, નારિયેલ તેલ, વીટામીન-ઇ અને સુગંધીત ઓઇલનો ઉપયોગ કર્યો છે. તેમાં કોઇપણ પ્રકારના કેમીકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ સાબુ બનાવવા માટે રો-મટીરીયલ મશીન, પેકીંગ મશીન, શીલ મશીન, વજન કાંટા સહિતની ખરીદી કરી છે. આ સાબુ તૈયાર થતા રૂા.30 નો ખર્ચ થાય છે. જ્યારે હું તેમને બજારમાં રૂા.35 માં વેચું છું. સરકારની રૂા.35 હજારની સહાય સાથે મે રૂા.50 હજારનો ખર્ચ કરી કેસુડાના સાબુનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને બહાઉદ્દીન કોલેજ ખાતે મહાનુભાવોના હસ્તે તેમનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. હવે સાબુનું રજિસ્ટ્રેશન અને ટેગ માર્ક લગાવવાનો બાકી છે. ત્યારબાદ હું કોઇ કંપની સાથે માર્કેટીંગ કરી તેને બજારમાં અથવા મારી રીતે ઘરે જ તેમનું વેચાણ કરીશ.
- Advertisement -
કેસુડાના સાબુથી થતાં ફાયદા
કેસુડાથી બનેલા અને કોઇપણ પ્રકારના કેમીકલનો ઉપયોગ ન થનાર કેસુડાના સાબુથી ઉનાળાના તડકામાં ઠંડક મળશે તેમજ ચામડીના થતા રોગમાંથી પણ મુક્તી મળશે.