યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (ટકાઉ વિકાસ લક્ષ્યાંક) પરથી દેશમાં સ્થાનિક વિકાસ લક્ષ્યાંક નક્કી કરાયા છે અને ગામડાઓનો વિકાસ જાણવા માટે પંચાયત વિકાસ સૂચકાંક (પી.ડી.આઈ.) તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 577 મુદ્દાઓ પર પંચાયતના વિકાસનું માપન કરાશે. આ પી.ડી.આઈ. તૈયાર કરવા અંગે રાજકોટમાં આજે સૌરાષ્ટ્રના 7 જિલ્લાના અધિકારીઓ માટે તાલીમ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
- Advertisement -
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાની અધ્યક્ષતામાં આ તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં પંચાયત વિકાસ સૂચકાંક શું છે, તેનું માપન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવ થીમ પર આધારિત 577 મુદ્દાઓ અંગે ગ્રામ્ય સ્તરેથી જ આંકડાઓ અને વિગતોની એન્ટ્રી કરવામાં આવશે. જેમ કે, સ્વચ્છતા-શૌચાલયોની સ્થિતિ, આંગણવાડી, શાળાઓ, આરોગ્ય, ખેતી, પશુપાલનની સ્થિતિ, પશુ આરોગ્ય, માળખાકીય સુવિધાઓ વગેરે અંગે વિવિધ પ્રશ્નો હશે અને તેના વિગતો પોર્ટલ પર જ સબમિટ કરવાની રહેશે.
આ વર્કશોપમાં વિવિધ અધિકારીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તથા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણિયા દ્વારા કરાયું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, જુનાગઢ, દ્વારકા, કચ્છના નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા આંકડા અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.