– PMJAY-MA યોજના હેઠળ હૃદય, કીડની, મગજ, ડાયાલિસીસ, કેન્સર વગેરે જેવી ગંભીર બીમારીમાં યોજનાનો લાભ મળવાથી દર્દીઓના આયુષ્યમાં વધારો
વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી ‘‘આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના’’ અન્વયે રાજકોટ જિલ્લામાં 12,85,054 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. જે પૈકી 2,86,947 લાભાર્થીઓને સરકાર માન્ય ખાનગી હોસ્પિટલોને અને સરકારી હોસ્પિટલમાં રૂ.796.60 કરોડની સારવાર આપવામાં આવી છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડે જણાવ્યુ હતું.
- Advertisement -
આ યોજના અંતર્ગત કુટુંબ દીઠ રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખની રકમ તા.11.7.23થી કરવામાં આવી છે. જેમાં ભારત સરકારના રૂ.5 લાખ અને ગુજરાત સરકારના રૂ. 5 લાખનો સમાવેશ થાય છે. આમ સરકાર દ્વારા ગરીબ – જરૂરિયાતમંદ દર્દીઓને બિમારી સબબ આવતું આર્થિક સંકટ નિવારી શકાયું છે.
રાજકોટ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ PMJAY આયુષ્માન કાર્ડની શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે. આ યોજનાનો વધુને વધુ લાભ લઇ શકે તે માટ ગામે ગામ આરોગ્ય ટીમ બનાવી કેમ્પના આયોજન થઇ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દભાઇ મોદીના જન્મદિને તા.17 સપ્ટેમ્બર, 2023ના રવિવારે ‘‘આયુષ્માન ભવઃ’’ કાર્યક્રમ અન્વયે એક જ દિવસમાં સમગ્ર ગુજરાતમાં આ દિવસે કુલ 20,016 આયુષ્માન કાર્ડ બનેલા છે. જેમાં રાજકોટ જિલ્લામાં આશરે 8,000 આયુષ્માન કાર્ડ કાઢીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવનાર જિલ્લો બન્યો છે. જે રાજકોટ જિલ્લા માટે ગૌરવની વાત છે.
- Advertisement -
આ યોજના અંતર્ગત રાજયની કુલ 2729 હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે. રાજ્યમાં ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં કુલ 7.35 લાખ લાભાર્થી દાવાઓ માટે કુલ રૂ. 31.2132 કરોડનો લાભ પ્રજાજનોને અપાયો છે. “PMJAY-MA” યોજના હેઠળ હૃદય, કીડની, મગજ, ડાયાલિસીસ, કેન્સર વગેરે જેવી ગંભીર બીમારીમાં યોજનાનો લાભ મળવાથી દર્દીઓના આયુષ્યમાં વધારો થયો છે.
ગુજરાતને વર્ષ 2021-22 દરમ્યાન સૌથી વધુ આયુષ્માન કાર્ડ કાઢી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ NHA, નવી દિલ્હી ખાતે તા.29.9.22ના રોજ “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર એવૉર્ડ’’ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે પી.એમ.જે.એ.વાય. અને ‘‘મા-મુખયમંત્રી અમૃતમ’’ યોજનાને જોડીને પી.એમ.જે.એ.વાય. યોજના હેઠળ ગુજરાતના આશરે 85 લાખ પરિવારોને 10 લાખના આરોગ્ય કવચથી સુરક્ષિત કર્યા છે.
ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ આરોગ્યલક્ષી કામગીરી બદલ વિવિધ નેશનલ લેવલના એવોર્ડ એનાયત થયા છે, જેમાં- પ્લેટિનમ સ્કોચ એવોર્ડ”, “સી.એસ.આઇ – નીહીલન્ટ ઇ – પ્રશાસન” પુરસ્કાર, “બેસ્ટ એફોર્ડેબલ હેલ્થકેર ઇનિશિયેટિવ” પુરસ્કાર, ઇ-ગવર્નન્સ માટે ભારત સરકારનાં “જેમ્સ ઓફ ડિઝિટલ ઇન્ડિયા એવોર્ડ, “સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ” એવોર્ડ, સ્કોચ ગવર્નન્સ ઓર્ડર-19નો “કેશલેસ અને પેપરલેસ એક્સેસ” એવોર્ડ, ELETS “રીમોટ હેલ્થકેર સર્વિસ” એવોર્ડ, સીક્સ સિગ્મા સ્ટાર હેલ્થકેર લિ. દ્વારા “બેસ્ટ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ ઓફ ધ યર” એવોર્ડ નો સમાવેર થાય છે.