ખાસ-ખબર સંવાદદાતા
તાલાલાના વડાળાગીર ગામે શ્રમિક મહિલાને વન્ય પ્રાણીએ ફાડી ખાધાની ઘટના બનતા અરેરાટી પ્રસરી જવા પામી છે. ઘટનાના પગલે વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી મૃતક મહિલાના મૃતદેહને પી.એમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડાળાગીર ગામે શેરડીના વાડમાં કટીંગની મજૂરી કામ અર્થે આવેલા 35 જેટલા પરપ્રાંતિય મજૂરો પેશભાઈ ઝાલાની વાડીમાં રહેતા હતા. જે પૈકી 55 વર્ષીય સેતુરીબેન મોતીયા ભાઈ વસાવા નામની મહિલા રાત્રીના 2 વાગ્યાના સુમારે લઘુશંકા અર્થે વાડીમાં જતાં દીપડા જેવા વન્ય પ્રાણીએ હુમલો કરી ઉઠાવી ગયો જેનો બાજુની વાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તુરંત બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સાથે તાલાલા પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ એ.બી.સિંઘવ સહિતનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો હતો. હાલ શ્રમિક મહિલાનું વન્ય પ્રાણીના હુમલાથી મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પરંતુ હાલ આ વિસ્તારમાં આવા હિંસક વન્ય પ્રાણીને પકડી પાડવા પાંજરા ગોઠવી વન વિભાગનો સ્ટાફ સતત પેટ્રોલિંગ કરી રહી છે શ્રમિક મહિલાના મોતથી અરેરાટી સાથે આ વિસ્તારમાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાલાલાના વડાળાગીર ગામે શ્રમિક મહિલાને વન્ય પ્રાણીએ ફાડી ખાતા મોત
