સીસીટીવીનાં આધારે મહિલાને પકડી પોલીસે રૂપિયા 13,500નો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જોષીપરામાં એડવોકેટના નવા બનતા મકાનમાંથી ઈલેક્ટ્રીક વાયરીંગની ચોરી કરનાર જેતપુરની મહિલાની પોલીસે ધરપકડ કરી રૂપિયા 13,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. શહેરના જોષીપરામાં આવેલ ગોપાલનગરમાં રહેતા 48 વર્ષીય એડવોકેટ કેતનભાઇ નૌતમલાલ દવેનાં મકાનનું બાંધકામ કૃષ્ણનગરમાં ચાલી રહ્યું છે. ગઈ તા. 5 ડિસેમ્બરના રોજ મોડી રાત્રિના દિવાલોમાં ફિટ કરેલ રૂ. 40,000ની કિંમતનું 1800 મીટર ઈલેક્ટ્રીક કોપર વાયરીંગની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આથી કેતનભાઇએ આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રિનાં એક અજાણી મહિલાએ ચાલુ બાંધકામવાળા મકાનમાં પ્રવેશી કોપર વાયરીંગની ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. ઘટના અંગે કેતન દવેએ ફરિયાદ કરી હતી. રેન્જ આઈજી નિલેશ જાજડિયા, ઇન્ચાર્જ એસપી બી. યુ. જાડેજાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન બી ડિવિઝનનાં પીઆઈ એ. બી. ગોહિલ, લેડી પીએસઆઇ એસ. કે. સાંગાણી સહિતની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી જેતપુરમાં
- Advertisement -
સરદાર ચોક કેનાલ કાંઠે રહેતી 55 વર્ષીય મીના ચંદુ સોલંકીને ઝડપી લીધી હતી અને વાયર ઓગાળી નીકળેલ 13,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. દિવસે ભંગાર વીણતી અને રાત્રે ચોરી કરતી મહિલાએ અન્ય ઘરો માંથી પણ ચોરી કર્યાનું સામે આવ્યું હતું જેમાં જોષીપરાના હાર્દિકભાઈ પોશિયા, હિરેનભાઈ માવાણી, જયમીનભાઈ શુક્લા, ભાવિનભાઈ ભીમાણી તથા મધુરમ રાધિકા પાર્કમાં નવા બનતા મકાનમાંથી ઈલેક્ટ્રીક વાયરીંગ અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ઘરફોડ ચોરીની મહિલાએ કબૂલાત કરી હતી. આ જેતપુરની મહિલા અલગ અલગ સોસાયટીઓમાં દિવસે ભંગાર વીણતી હતી અને તે દરમિયાન નવા બનતા મકાન હોય અને ઇલેક્ટ્રીક વાયરીંગનું કામ ચાલુ હોય એવા મકાન નિશાન પર રાત્રિના ઇલેક્ટ્રીક વાયર કટરથી કાપી ચોરી પડતી હતી અને વાયર ઓગાળી તેમાંથી નીકળતું કોપર ભંગાર સાથે વેચી નાખતી હતી. જેતપુર શહેર પોલીસ મથકમાં મહિલા સામે મારામારીનો ગુનો નોંધાયો હતો.