ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા વોર્ડ નં.7ના પંચનાથ પ્લોટમાં એક આસામી દ્વારા પહેલા તથા બીજા માળે કરવામાં આવતું ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ આજે મનપાની ટીપી શાખાએ તોડી પાડતા પોશ એરીયામાં ચર્ચા થઇ હતી. વોર્ડ નં.7ના પંચનાથ પ્લોટ શેરી નં.6ના ખુણે કૌશિકભાઇ એમ. રાઠોડ નામના આસામી દ્વારા હયાત મકાનમાં પહેલા માળે તથા બીજા માળે વાણિજય હેતુનું ગેરકાયદે બાંધકામ થતું હોવાની ફરિયાદ ટીપી શાખાને મળી હતી.
આથી ટીપીઓ એમ.ડી.સાગઠીયાની સૂચનાથી વોર્ડની ટીપી શાખા દ્વારા તા. 10-10-22ના રોજ કલમ 260(1) હેઠળ નોટીસ આપવામાં આવી હતી. છતાં આ બાંધકામ દુર કરવામાં ન આવતા તા.30-1-23ના રોજ કલમ 260(ર) હેઠળ બાંધકામ તોડી પાડવા ડિમોલીશનનો હુકમ કરવામાં આવ્યો હતો. આજે સવારે ટીપી શાખાએ આ સ્થળે મજુરોની ટીમ લઇ જઇને ઉપરના માળના સ્લેબના બાંધકામને તોડીને નકામો કરી નાખ્યો હતો. આવા મુખ્ય વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને ડિમોલીશન બંને ઘટનાએ ચર્ચા જગાવી છે. આ કામગીરીમાં વિજીલન્સ પોલીસ અને ફાયરનો સ્ટાફ પણ જોડાયો હતો.