અર્થામૃત
મમતામાં આસક્ત માણસને જ્ઞાનની વાત, અત્યંત લોભી માણસને વૈરાગ્યની વાત, ક્રોધિને શાંતિની વાત અને કામી માણસને શ્રીહરિની કથાની વાત કરવી; એ ખારી જમીનમાં બીજ વાવવા જેવું છે.
એક રાજા હતો. આ રાજાનો સ્વભાવ તામસી હતો એટલે નાની નાની વાતમાં પણ ગુસ્સે થઈ જતો. રાજાના આ સ્વભાવને કારણે બધાં એનાથી દૂર રહેતા હતાં. ખાસ કરીને જમતી વખતે એને ખૂબ ગુસ્સો આવતો. આથી એને જમાડવાનું કામ કરવા માટે કોઈ તૈયાર ન હતું. એક માણસ આ કામ કરવા તૈયાર થયો. રાજા જ્યારે જમવા માટે બેસે, ત્યારે એને પીરસવાનું કામ આ માણસનું હતું.
રાજાને જમાડતી વખતે આ માણસ પૂરતી તકેદારી રાખતો જેથી રાજાના ક્રોધનો ભોગ ન બનવું પડે. એકવાર બપોરના સમયે એ રાજાને જમાડી રહ્યો હતો. દાળની વાટકી ભરીને રાજાને આપવા માટે હાથ લંબાવ્યો ત્યાં તેને છીંક આવી અને હાથ પરનો કાબૂ ન રહેતા દાળના કેટલાક છાંટા રાજાનાં કપડાં પર પડ્યા. રાજા તો એકદમ ગુસ્સે થઈ ગયો. બાજુમાં રહેલા સૈનિકોને તુરંત જ આદેશ આપ્યો કે આજે સાંજે આ માણસને ફાંસીના માંચડા પર લટકાવી દેવામાં આવે. સૈનિકોને પણ આશ્ર્ચર્ય થયું કે, આવી નાની ભૂલ માટે કંઈ આવી મોટી સજા થોડી હોય. પણ રાજાની સામે દલીલ કરવાની હિંમત ન હતી, આથી કોઈ કંઈ બોલ્યું નહીં.
સૈનિકો પેલા માણસને પકડવા જાય એ પહેલા તો એ માણસે દાળની આખી વાટકી રાજા પર ઢોળી દીધી. રાજાનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચ્યો. રાજાએ સેવા કરતા પેલા માણસને કહ્યું, તારી આવી હિંમત કે તું મારા કપડાં પર આવી રીતે દાળ ઢોળે ?
પેલા માણસે કહ્યું, મહારાજ, મને માફ કરજો. દાળનો આખો વાટકો આપના પર ઢોળીને આપનું અપમાન કરવાનો મારો કોઈ જ ઇરાદો નથી. મેં તો માત્ર આપની કીર્તિને કલંક ન લાગે એટલે આવું કર્યું છે. જો લોકો જાણે કે માત્ર દાળના બે-ચાર છાંટા ઊડવાથી જ આપે મને ફાંસીની સજા આપી છે, તો લોકો આપના પર હસે. આપના પૂર્વજોની આબરૂને ઝાંખપ લાગે. હવે લોકો જાણશે કે મેં સામેથી દાળની વાટકી આપનાં કપડાં પર ફેંકી તો લોકો કહેશે કે રાજાનું આવું અપમાન કરનારને ફાંસી થવી જ જોઈએ. એટલે આપની પ્રતિષ્ઠાને વિપરિત અસર નહીં થાય.
રાજા તો ઊભો થઈને આ માણસને ભેટી જ પડ્યો. બધો જ ગુસ્સો પ્રેમમાં પલટાઈ ગયો.
- Advertisement -
બોધામૃત
સફળ વ્યક્તિ એ છે જે સમય પારખીને વાત કરે. તેલ જુઓ… તેલની ધાર જુઓ…