સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
Cast a cold eye, on life on death:
Horseman, pass by.
– W. B. Yeats
- Advertisement -
ઉપર જે લાઈન લખી તે યીટ્સની કબર પર કોતરાયેલી છે. સુખ-દુ:ખને સમાનભાવે જોવાની તેમાં વાત છે. જીવન હંમેશા અંતિમોની વચ્ચે રહેલું હોય છે અને જીવનનો આપણા ભાગનો હિસ્સો છે આપણું અસ્તિત્વ. આ અંતિમો એટલે? સુખ અને દુ:ખ, પાપ અને પુણ્ય, સારુ અને ખરાબ, સંસ્કાર અને સ્વચ્છંદતા, વગેરે… જેટલો કોઈ માણસને આ અંતિમો પ્રત્યે લગાવ વધારે તેટલો જ માણસ એ બધી બાબતની બારીકીઓમાં વધારે ગૂંચવાતો જાય છે અને તેનું અસ્તિત્વ તેના લીધે સ્વતંત્ર રહેતું નથી. બીજા વિશ્વયુદ્ધ પછી સમગ્ર યુરોપમાં એક નિરાશાવાદી પેઢી આવી ગઈ હતી. તે લોકોને ખબર પડી ગઈ હતી કે ધર્મ અને દેશ જેવી એક ઉમદા સંકલ્પનાનો ઉપયોગ શઠ નેતાઓ અને લુચ્ચા રાજાઓ પોતાના સ્વાર્થ માટે કરે છે. જીવવાનો કોઈ મકસદ ન હતો અને જીવન ખુદ એક પ્રશ્નાર્થ ચિહન બનીને રહી ગયું હતું. નાનપણમાં જે મૂલ્યો આપણને શીખવવામાં આવ્યા હોય તેનો હ્રાસ આપણે નજરે જોઈએ, પુરાણોમાં દેવતાઓએ કરેલ કરતૂતો, ઇતિહાસમાં કહેવાતા રાજપુરુષોએ કરેલ ષડયંત્રો, આસપાસના માણસો દ્વારા થતા ભ્રષ્ટાચાર, લૂંટફાટ, બળાત્કાર, અત્યાચાર – આ બધું જોઈને એક સામાન્ય માણસના મનમાં હતાશા જન્મે છે અને તે મૂલ્યો, સંસ્કારો કે ધર્મના ચશ્મા કાઢીને વાસ્તવિક બની જાય છે, હવે સત્ય તેના માટે નગ્ન બની જાય છે.
આ આઘાતમાંથી કે પ્રકારનું નિહિલિઝ્મ પણ માનવમાં જન્મી શકે કે જે તેને આ બધા મૂલ્યોનું પોટલું વાળીને ફેંકવા પર અને સ્વચ્છંદતા અને સ્વકેન્દ્રીપણા તરફ વાળે. ’ ધ ડાર્ક નાઈટ’ ફિલ્મમાં આવતો જોકર આ વાદનું આદર્શ ઉદાહરણ છે. પણ, ફિલસૂફોએ આ બાબતમાં એક ઉમેરો કર્યો: આસપાસનું જીવન વ્યર્થ છે તો સૌથી વધુ જરૂરી બની જાય છે કે તમે તેને કોઈ અર્થ આપો અને ત્યાંથી જન્મ થાય છે અસ્તિત્વવાદનો. આવા માહોલમાં જ્યોં પોલ સાર્ત્ર અને આલ્બેર કામૂ જેવા લેખકોને લીધે યુવાનોમાં આ વિચારધારા લગભગ કોઈ ધર્મની જેમ વ્યાપી ગઈ હતી. માણસે જો કોઈને વફાદાર રહેવાનું છે તો તે એકમાત્ર તેના અસ્તિત્વને. દેશ, રાજ્ય, ધર્મ, જાતિ બધી માનવીય સંકલ્પનાઓ છે અને તે માણસ પર થોપી દીધેલી છે. એવામાં કોઈ માણસ સ્વતંત્રપણે વિચારતો થાય તો દેખીતું છે કે તે આવ બંધનો ફગાવી દે. જીવન પોતે અર્થહીન છે, તેને અર્થ માણસે એવો પડે છે નહીંતર જીવન તો એમનેએમ સપાટી પરથી તેને સ્પર્શ્યા વગર પસાર થતું જાય છે. કોઈપણ વિકટ પરિસ્થિતિમાં શાશ્વત માનવીય મૂલ્યોને જાળવીને જીવન જીવવું અને પોતે જે મકસદ જીવન માટે શોધેલો છે તેને માટે પ્રયત્નો કરવા. મહાભારતમાં આવતું એક અદભુત પાત્ર છે કર્ણ કે જે મારા મતે અસ્તિત્વવાદી પાત્ર છે. એ ખબર હોવા છતાં કે પોતે અધર્મનો સાથ દે છે, તેની સામે યુયુત્સાથી ભરપૂર એવા એકથી એક ચડિયાતા યોદ્ધાઓ છે કે જેનું નેતૃત્વ એક વિચક્ષણ મહામાનવ કરે છે, કર્ણ દુર્યોધનનો સાથ દે છે. તેની સાથેની મિત્રતા છેલ્લા શ્વાસ સુધી નિભાવે છે. હાલના સમયની વાત કરીએ તો આપણા દેશમાં બનેલી જ એક ઘટના છે. બિહારમાં એક અભણ મજુરની પત્ની પહાડ પરથી લપસીને પડી જતા ઘાયલ થાય છે, ગામમાં પૂરતી આધુનિક તબીબી સેવાઓ ન હોવાના લીધે તેને શહેર લઈ જવાની જરૂર પડે છે અને ત્યાં જ મેઈન વાંધો પડે છે. શહેર જવાના રસ્તામાં એક વિશાલ પહાડ હોવાના લીધે તે મહિલાનું રસ્તામાં જ મૃત્ય થઇ જાય છે. ત્યારે તેનો ભરથાર પ્રતિજ્ઞા લે છે તે પહાડમાંથી રસ્તો બનાવવાની. 22 વર્ષોની મહેનત બાદ તે વ્યક્તિ એકલપંડે પહાડ કોતરીને રસ્તો બનાવવામાં સફળ થાય છે. અને તે રસ્તાનું નામ તેના નામ પરથી પડે છે – દશરથ માંઝી રોડ. થોડા વર્ષો પછી તેની જીવનકથાના અધિકારો એક ફિલ્મમેકર ખરીદે છે છે અને નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને ફિલ્મ બનાવે છે. અહીં નોંધનીય એ છે કે તે માણસ નામે દશરથ માંઝીના જીવનમાં કોઈ સાર્થકતા ન હતી. તેમો એકમાત્ર સહારો , તેની પત્ની મૃત્યુ પામેલી હોય છે છતાં તે પહાડમાંથી રસ્તો બનાવવાનું કામ શરુ કરે છે. ખાલીપાથી ભરેલ જીવનને એક અર્થ આપે છે. આ માણસ અસ્તિત્વવાદી નાયક થવા માટે સર્વથા યોગ્ય છે.
વિરામ:
મોત આપણા બધાની સામે હસી રહી છે. આપણી હેસિયત એટલી જ કે તેને વળતું સ્મિત આપીએ.
-માર્કસ ઓરેલિયસ
અસ્તિત્વવાદ અચાનક યાદ આવવાનું કારણ એ કે છેલ્લા કેટલાક વર્ષોથી મારી ખુદની હાલત પણ આવા નાયકો જેવી જ છે. હું પણ અત્યારે જીવનમાં હોઈ સાર્થકતા સજોધવાનો પ્રયત્ન કરું છું. અને આ વિચારધારા યાદ આવે એટલે મને એક ફિલ્મ અચૂક યાદ આવે: ’ધ ગ્રે’. પોતાના પહાડી અવાજ અને એક્શન માટે પ્રખ્યાત એવા આઈરીશ એક્ટર લિયામ નીસનની આગઝરતી અદાકારીથી સજ્જ આ મુવી માત્ર એનિમલ અટેક કે સર્વાઇવલ પર આધારિત એક ટાઈમપાસ ફિલ્મ નથી બની રહેતું. આમ માણસની જીજીવિષાની વાત કરી છે. ફિલ્મની સ્ટોરી ટૂંકમાં કહું તો ઓઇલ રિફાઇનરીમાં કામ કરતા એક કર્મચારીઓનું પ્લેન અચાનક ક્રેશ થાય છે અને સાવ બર્ફીલા પ્રદેશમાં તૂટી પડે છે. મોટાભાગના મુસાફરો તે અકસ્માતમાં મૃત્યુ પામે છે પણ થોડાક લોકો કે જે બચી જાય છે તેમની સામે બે જીવલેણ પડકારો છે: એક તો અતિવિષમ વાતાવરણ અને બીજું લોહીતરસ્યા વરૂઓની ટુકડી. લિયમ નિસને ભજવેલ પાત્રનું નામ ઓટવે છે અને તે આ લોકો સાથે તેની સુરક્ષા કરતા શિકારી તરીકે જોડાયેલો હોય છે. તેની પાસે બધા કારણો હોય છે પરિસ્થતિ સામે નમતું જોખવા માટેના – તેની આગળ પાછળ કોઈ નથી, તેની પ્રિય પત્નીનું મોત થઇ ગયેલું હોય છે(ફિલ્મના એક દ્રશ્યમાં તો તે આપઘાત કરવો પ્રયત્ન પણ કરે છે પણ ત્યાંજ વરૂનો અવાજ તેનું ધ્યાન ભટકાવી તેને રોકી દે છે જાણે વરુઓ તેને કહેતા હોય કે સબૂર, તું મરી જઈશ તો અમે કોની સાથે મુકાબલો કરશું?); પણ તે ટકી રહે છે અને તેના સાથીઓ કે જેમની પાસે જીવવાના તમામ કારણો હોય છે તે બધા કુદરતના આ જડ અને ચેતન પડકારો સામે ઝૂકીને મોતની સોડમાં પોઢંતા જાય છે. છેલ્લે ઓટવે બચે છે અને તેની સામે તે વરુની ટોળીનો મુખી કે જે આલ્ફા કહેવાય તે છે. અને આ જીવસટોસટના મુકાબલામાં કોણ જીતે છે? વેલ, તે જે પણ હોય, ઓટવેની પડકારોને ઝીલવાની સજ્જતા અને છેક સુધી લડત આપવાની વૃત્તિ તો ક્યારનીયે જીતી ગયેલી હોય છે. ફિલ્મની શરૂઆતમાં ઓટવે એક કવિતા ગણગણતો હોય છે અને અસ્તિત્વવાદની ફિલસૂફીને પૂર્ણ કરવા ડિરેક્ટર પિક્ચરના ક્લાઈમેક્સમાં કે જયારે ઓટવે આલ્ફા સાથે ભીડે છે ત્યારે તે જ કવિતા તેની પાસે બોલાવડાવે છે.
- Advertisement -
અસ્તિત્વની ઉજળી બાજુ છે તો અંધારી બાજુ પણ છે. ઘણીવાર માણસ પોતે એટલો નીચ કક્ષાનો હોય છે કે મૂલ્યોને જાળવવા તેણે સૌથી પહેલા તો પોતાની જાતને જ ખતમ કરવી પડે. તોય તે પોતાના જીવનને એક મકસદ આપે છે. પછી તે મકસદ સાવ અધમકક્ષાનો કેમ ન હોય. જોકે, આપણે તેના વિશે વાત કરશું આવતા લેખમાં.