રાજકોટમાં ગલગોટા અને ગુલાબના ભાવ આસમાને પહોંચ્યા
ખાસ-ખબર સંવાદદાતા
માઁ શક્તિના મહાપર્વ નવરાત્રી પર્વનું આજે અંતિમ નવમું નોરતું છે અને આવતીકાલે અસત્ય પર સત્યના વિજય એવા દશેરા પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. વિજયા દશમી પર ઠેર-ઠેર રાવણના પૂતળાનું દહન કરવા સાથે વાહન પૂજા, શસ્ત્ર પૂજા સહિત રોજગાર ધંધાના સ્થાનો પર પૂજા કરવામાં આવતી હોય છે. એવામાં દશેરા પૂર્વે રાજકોટના ફૂલ માર્કેટ સહિત વિવિધ વિસ્તારોના ફૂલ બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે. જયારે ફૂલ બજારમાં ગલગોટા અને ગુલાબના ફૂલોના ભાવ આસમાને જોવા મળ્યો હતો. દશેરા પર્વ પર પૂજામાં વપરાતા ગલગોટા અને ગુલાબના ફૂલો લેવા ભકતો શહેરના પારેવડી ચોક, જયુબેલિ ચોક, સાઢિયા પૂલ, ફૂલ બજાર, રામનાથ પરા સહિતના ફૂલ બજારોમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જોકે નવરાત્રી પર્વના આરંભ સાથે જ બજારમાં ફૂલોની માંગ વધતા દશેરા પર્વ પૂર્વે ફૂલ બજારમાં ગલગોલા ફૂલોનો ભાવ 40 થી 100 પર પહોંચ્યો છે. જયારે ગુલાબના ફૂલોનો ભાવ 300 રૂપિયા પહોંચ્યો છે. વેપારીઓનું માનવું છે કે, હજુ આવતી કાલે દશેરા પર્વે નિમિતે ફૂલોના ભાવમાં વધારો નોંધાઈ શકે છે.