ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ તા. 12ના રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં. 4 તથા 5ના રિઝર્વેશન પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંદાજિત રૂા. 2,03,15,40,000ની કિંમતની 37,861.00 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
શહેરના પેડક રોડ પર ઓડિટોરિયમની પાછળ 8 ઝુંપડા જેની કિંમત 40,12,65,000 છે ત્યારબાદ મોરબી રોડ જકાત નાકા પાસે 15 ઝુંપડાઓ તથા 1 કાચી ઓરડી અને મોરબી રોડ જકાત નાકા પાસે 4 ઝુંપડાઓ તથા 2 રેતી કપચીના સટો, મોરબી રોડ પર શાંતિ બંગલોઝની સામે 2 ચાની હોટલ અને 1 સર્વિસ સ્ટેશન, મોરબી રોડ પર શાંતિ બંગલોઝની બાજુમાં 10 કાચા ઝુંપડા, 3 ઇટની કાચી ઓરડી, મોરબી રોડ શાંતિ બંગલોઝની બાજુમાં આવેલી 1 રેસ્ટોરન્ટની કાચી ઓરડી, 3 પતરાના કાચા શેડ, 20 ઝુંપડાઓ એમ કુલ 37,861.00 ચો.મી.ની રૂા. 2,03,15,40,000ની જગ્યા પર કરાયેલું દબાણ હટાવવામાં આવ્યું હતું. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઈસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઈમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર
રહ્યો હતો.