પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં આવેલ વાડીમાં આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતકના પુત્રની ફરીયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મોટરસાયકલની નુકસાનીના માત્ર 500 રૂપિયાની લેતી દેતી મામલે આધેડને તેના જ બનેવીએ અન્ય બે શખ્સો સાથે મળીને પથ્થરના ઘા ઝીંકીને પતાવી દીધા હતા. આ અંગે મળતી માહિતી મુજબ હળવદના મેરૂપર ગામની સીમમાં આવેલ વાડીએ રહીને મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના ચાંદપુર જિલ્લાના અલીરાજપુરના વતની દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણ નામના આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી મૃતકના પુત્ર નાનકાભાઈ ચૌહાણએ આરોપીઓ ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયા, ચંદુભાઈ જુબાટીયાભાઈ, છીતુભાઈ જુબાટીયાભાઈ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
આ ફરિયાદ મુજબ, મૃતક દેવલાભાઈ અને તેનો બનેવી બાજુ બાજુની વાડીમાં રહેતા હોય બાઇક અથડાવવા મુદ્દે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતકના પુત્રનું બાઇક આરોપી છીતુભાઈ સાથે ભટકાયુ હતું જેથી આરોપી છીતુભાઈએ બાઇકની નુક્શાનીના 500 રૂપિયા ફરિયાદી પાસે માંગતા ફરિયાદીએ પૈસા નહીં આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરી ફરિયાદીના પિતા દેવલાભાઈને પથ્થરો મારીને હત્યા નિપજાવી હતી જેથી પોલીસે આ ત્રણેય હત્યારાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.