ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સોમનાથ બાયપાસ ઉપર ખાનગી હોટલની બાંધકામ સાઈટ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં એક શ્રમિક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એક શ્રમિકને ગંભીર ઈજાઓ સાથે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.સોમનાથ બાયપાસ ઉપર આવેલા રેજન્ટા હોટલના વધારાના રૂમોની બાંધકામ સાઈટ ચાલી રહેલી છે. આજે સવારે બાંધકામ સાઈટ ઉપર પ્લાસ્ટર કરી રહેલા બે મજુરો પાંચમા માળેથી નીચે પટકાયા હતા. મજુરની ઉપર માથે પથ્થરો પડતા અરવિંદ દેવા ગઢીયા નામના 45 વર્ષીય શ્રમિક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઈજા પહોચી હતી. ઇજાગ્રસ્ત મજુરોને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબે અરવિંદ દેવા ગઢીયાને મૃત જાહેર કર્યા હતા.અકસ્માતના પગલે શ્રમિક પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.