કિન્નર આચાર્યની તડાફડી
હૉમ-સ્ટેનું ચલણ દુનિયાભરમાં વધતું જાય છે અને તેનું મુખ્ય કારણ છે: સ્થાનિક સંસ્કૃતિ માણવાનો અવસર. હોટેલની મજા અલગ છે- હૉમ-સ્ટેનો આનંદ સાવ નોખો. દિવાળીનું વેકેશન આવી રહ્યું છે, ઘણાં લોકોને ફરવા જવાનું બનશે. જો હિમાચલ કે શિમલા જવાનું થાય તો એક સુંદર હોમ-સ્ટે સજેસ્ટ કરું: કનક કૉટેજ, ગામ: શેનલ. શિમલાથી વીસેક કિલોમીટર દૂર.
અમે ગયા સમર વેકેશનમાં આ હૉમ સ્ટેમાં પાંચેક દિવસ રોકાઈ આવ્યા. શિમલાથી વીસેક કિલોમીટર છેટે શેમલ નામનું એક ઝીણકું ગામડું છે. માંડ ત્રીસેક ખોરડાં હશે ગામમાં. અહીં આવેલું છે કનક કૉટેજ. બે બેડરૂમ, હોલ, ડાઈનિંગ સ્પેસ અને ફરતે મસ્ત ફળિયું. વહેલી સવારે અહીં ખુરશી ઢાળીને ગરમાગરમ ચા-કોફીની ચુસ્કી કે સિંગલ મોલ્ટનાં સિપ લઈએ તો મોજ આવી જાય.
શેનલ ગામની ચોતરફ પહાડો છે. વચ્ચે ખોબલાં જેવડું ગામ. જાણે ઈશ્ર્વરની પોતાની હથેળી મધ્યે જાણે ગામડું વસાવ્યું હોય. અહીં પરમ શાંતિ છે. વાહનો ગામમાં આવી જ શકતાં નથી. રસ્તો ગામ સુધી આવીને ખતમ થઈ જાય છે. હોમ સ્ટે સુધી જવું હોય તો સોએક મીટર પગપાળા જવું પડે. પરંતુ આ કૉટેજમાં પહોંચતાં જ બધો થાક ઉતરી જાય. એકદમ સુંદર- સુવિધાસભર ડ્રોઈંગ રૂમ, ફુલ્લી ઈક્વિપ્ડ કિચન, મજાની ડાઈનિંગ સ્પેસ અને સરસ મજાનાં બે બૅડરૂમ. કોટેજનાં ફળિયામાં ફૂલોનાં વેલા અને રોપાં. કોઈ દૂષણ નહીં, કોઈ જ પ્રકારનું પ્રદૂષણ નહીં.
કનક કૉટેજ એક ઍક્સ્પીરિયન્સ છે. તેનાં હોસ્ટ- યજમાન એવો વર્મા પરિવાર માયાળું અને મળતાવડો છે. કૉટેજની સારસંભાળ કરતા માલકીન કિરણ વર્મા સરસ રસોઈ બનાવે છે. બ્રેકફાસ્ટમાં વિવિધ પ્રકારનાં પરોઠા, પૂરી-ભાજી વગેરે અને ડિનરમાં ફૂલ ડિશ. તેમનાં સંતાનો સહિતનો પરિવાર પડખે જ રહે છે.
શેનલને બેઝ કેમ્પ બનાવી તમે શિમલા, નાલદેહરા, કુફરી, તારા મંદિર જેવાં અનેક સ્થળોએ જઈ શકો. જો ગામનાં ઘોંઘાટ વચ્ચે ન રહેવું હોય અને હોમ સ્ટેનો કૉન્સેપ્ટ ગમતો હોય તો આ રજાઓમાં કનક કૉટેજ પહોંચી જજો.
કનક કૉટેજ કિરણ વર્મા 8278827917