ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં વાઇન શોપ્સ પર દારૂ ખરીદવા માટે બૂટલેગર્સની ભીડ જામી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં વાઇન શોપ્સ પર દારૂ ખરીદવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે. પ્રવાસન સ્થળ તરીકે જાણીતા દિવમાં પ્રવાસીઓ માટે ખોલવામાં આવેલી વાઇન શોપ્સનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઉના અને કોડીનારના બૂટલેગર્સને મોટા પ્રમાણમાં દારૂ આપવામાં આવી રહ્યો હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે. બીજી તરફ, પ્રવાસીઓને નિયમ મુજબ બે બોટલ દારૂની ખરીદી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
થોડા દિવસો પહેલા વાઇન શોપ પર દારૂ ખરીદવા બાબતે મારામારીની ઘટના પણ બની હતી. આ પરિસ્થિતિને લઈને સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ ગંભીર ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે – દિવ પ્રશાસનની કે પછી વાઇન શોપના માલિકની? વાઇન શોપ્સ પર થતી આ અવ્યવસ્થા અને અફરાતફરીના દૃશ્યો જોઈને પ્રવાસીઓ પણ ચોંકી ઉઠ્યા છે.
દિવમાં રોયલ વાઇન શોપ પર દારૂ માટે રીતસરની પડાપડી: બૂટલેગર્સની ભીડથી પ્રવાસીઓને દારૂ ખરીદવામાં મુશ્કેલી
