વરસાદી મોસમમાં સિંહોની શહેર તરફ દોટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
ચોમાસુ શરૂ થતા અને જંગલ વિસ્તારમાં મચ્છર તેમજ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે ઝેરી જીવજંતુનો ઉપદ્રવ વધતા સિંહ સહિતના વન્ય પ્રાણીઓએ રેવન્યુ વિસ્તારમાં આટાફેરા કરવાનું શરૂ કર્યું છે. દરમિયાન મોડી રાત્રે વરસાદી વાતાવરણમાં જૂનાગઢ શહેરને અડીને આવેલ બિલખા રોડ પર પાવર હાઉસ પાસે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. 8 સિંહ બાળ અને 2 સિંહણ રોડ ક્રોસ કરીને જંગલ વિસ્તાર તરફ જતા જોવા મળતા વાહનમાં પસાર થતા મુસાફરોએ આનંદ માણ્યો હતો અને સિંહ પરિવારની લટારને કેમેરામાં કેદ કરી હતી. આ ઘટનામાં સિંહ પરિવાર કોઈને નુક્સાન પહોંચાડ્યા વગર હળવા વરસાદ વચ્ચે રોડ પસાર કરીને જંગલ તરફ જતો રહ્યો હતો. તાજેતરમાં શહેરમાં વાળંદ સોસાયટીમાં સિંહે મારણ કર્યું હતું. આમ ચોમાસાની મોસમમાં સિંહ સહીત વન્ય પ્રાણીઓ જંગલ છોડી શહેર થતા ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા મારતા હોઈ તેવા અનેક જગ્યા પર જોવા મળી રહ્યા છે.



