કલેક્ટરના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને મંજૂરી હૂકમ, પ્રમાણપત્ર તેમજ નિ:શુલ્ક બસ પાસનું વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 252 દિવ્યાંગ બાળકોના દિવ્યાંગ પ્રમાણપત્ર/યુ.ડી.આઈ.ડી. કાર્ડ અંગેની કામગીરી પૂર્ણ થતાં પ્રાંત અધિકારીની કચેરી, વેરાવળ ખાતે ‘દિવ્યાંગ બાળ કેમ્પ’ યોજાયો હતો.
- Advertisement -
આ કેમ્પમાં કલેક્ટર તેમજ અધિકારીશ્રીઓના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને મંજૂરી હૂકમ, પ્રમાણપત્ર તેમજ નિ:શુલ્ક બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોના આમૂલ જીવન પરિવર્તન માટે સરકાર સતત કાર્યશીલ છે. સરકારી યોજનાના લાભ મેળવવા માટે દિવ્યાંગ લાભાર્થીઓને અને તેમના વાલીઓને સરળતા રહે તે માટે 16 જુલાઈથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં વહીવટી તંત્ર દ્વારા સમાજ સુરક્ષા અને સરકારી હોસ્પિટલના સંકલનમાં રહી લાભાર્થીની ઓળખ કરી અને પાત્રતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને મફત મુસાફરી બસપાસ યોજના, સંતસુરદાસ યોજનાના લાભો સહિત દિવ્યાંગ પ્રમાણપત્ર આપવામાં આવ્યાં છે. જેથી આ પ્રમાણપત્રના આધારે દિવ્યાંગોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહેશે. તેમ તેમણે ઉમેર્યું હતું. આ કેમ્પમાં કુલ 16 લાભાર્થીઓને બૌદ્ધિક અસમર્થતા (મનોદિવ્યાંગ) પેન્શન યોજના, સંતસુરદાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, મફત મુસાફરી બસપાસ યોજના જેવી વિવિધ યોજનાઓના લાભો સહિત દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં પોર્ટલ થકી વધુ દિવ્યાંગોને લાભ મળે એવું સુનિયોજીત આયોજન કરવામાં આવ્યું છે.