10ના મોતની ઘટનામાં નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ
અકસ્માત થયો પણ કોઈને બનાવ અંગે જાણ પણ ન કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.11
નડિયાદના બિલોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ગઈકાલે અર્ટીગા અને ટેન્કર વચ્ચે થયેલ ગોઝારા અકસ્માતમાં એક માસુમ સહિત કુલ દસ લોકો મોતને ભેટયા હતા.
આ બનાવમાં પોલીસે ફરિયાદી બની અર્ટીગા કારના ચાલક કે જેણે એક્સપ્રેસ વે પર ઈમરજન્સી પાર્કીંગ લેનમાં ઓવરટેક કરી અને ટેન્કર ચાલકે પણ ક્ષતિગ્રસ્ત ટેન્કર કોઈપણ પ્રકારના આડશ વગર ઉભુ રાખી, અકસ્માત થયો પણ કોઈને બનાવ અંગે જાણ પણ ન કરી ગંભીર ભુલ કરી હોઈ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
આ મામલે નડિયાદ રુરલ પી.આઈ. ડી.એસ. ઝાલાએ ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરના સવા બે વાગ્યાના સુમારે નડિયાદ બિલોદરા એક્સપ્રેસ હાઈવે પર ઈથેનોલ ભરેલ બંધ પડેલ ટેન્કર પાછળ એક અર્ટીગા કાર ઘુસી જવાના કારણે અકસ્માતમાં એક માસુમ સહિત દસ લોકોના મોત નિપજયા હતા.
પોલીસે ટેન્કરમાં કેબીનમાં તપાસ કરતાં તેમાંથી ડ્રાઈવર ઈન્તિયાઝ અહેમત ઈસ્તિયાક અહેમત (હાલ રહે.રામપાડા, અંબેચી ભરણી, વેસ્ટ મુંબઈ, મહારાષ્ટ્ર) મળી આવ્યો હતો. જેને પુછતા ગાડી બગડી જતા એક્સપ્રેસ વે પર ઉભી રાખી હતી, પણ પાર્કીંગ લાઈટ ચાલુ નહોતી રાખી કે રિફલેકટર કે આડસ ન રાખી હાઈવે ઓથોરીટીને પણ જાણ ન કરી કેબીનમાં બેસી રહ્યો હતો, અને મહત્વની બાબત એ છે કે અકસ્માત થયો છતાં કોઈને કંઈ જાણ કરી ન હતી.