તબીબે મહિલાને ગર્ભપાત સલાહ આપી હતી: ભોગ બનનારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા પડધરી પોલીસમાં ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના ન્યારા ગામે અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોહનભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ મુછડીયા નામના ભુવાએ ગર્ભમાં રહેલું ખોડખાપણવાળું બાળક સારૂ જન્મશે કહી વિધિનાં નામે રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં ડોક્ટરોના કહેવા મુજબ ખોડખાપણવાળું બાળક જન્મ્યા બાદ પણ તે જલ્દી સારું થઈ જશે કહી વિધિના નામે ભુવાએ કટકે કટકે રૂપિયા 1.30 લાખ વસૂલ્યા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર બકુલભાઇ હસમુખભાઇ ચાવડાએ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યા બાદ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. આ ભુવો વિધિ કરતો હોવાના વીડિયો પણ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે વિજ્ઞાનજાથાનાં ચેરમેન જયંત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. બકુલભાઇ હસમુખભાઇ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું છૂટક ડ્રાઇવિંગ કામ કરૂ છું. વર્ષ 2013માં મારા લગ્ન ભારતી સાથે થયા હતા. હાલ મારે સંતાનમા 1 વર્ષનો દીકરો યશ છે. જો કે, લગ્નના એક વર્ષ બાદ મારે કોઈ સંતાન નહીં થતા મારા અને પત્નીના રિપોર્ટ કરાવ્યા હતા. જે નોર્મલ આવવા છતાં બાળક નહીં રહેતા અલગ અલગ ડોક્ટર્સની દવાઓ કરી હતી.
જેમાં વર્ષ 2021માં પ્રભુકૃપા હોસ્પિટલ ખાતેથી દવા લીધાનાં થોડા મહિનાઓ બાદ મારી પત્નીને ગર્ભમા બાળક રહ્યું હતું. જો કે, પ્રભુકુપા હોસ્પિટલના ડોક્ટર જગુનુબેને મારી પત્નીની સોનોગ્રાફી કરાવી ગર્ભમાં રહેલી આ બાળક ખોડખાપણવાળું હોવાનું જણાવ્યું હતું અને ગર્ભપાતની સલાહ આપી હતી. મેં તથા મારી પત્નીએ નક્કી કર્યું હતું કે, ઘણા વર્ષે બાળક રહ્યું હોવાથી ગર્ભપાત કરાવવો નથી. ત્યારબાદ અમે પડધરીના સારાગામ ખાતે એક ભુવા મોહનભાઇ ઉર્ફે મહેન્દ્રભાઈ મુછડિયાનો સંપર્ક કર્યો હતો અને તેમણે કહ્યું કે, ડોક્ટરની વાતમાં પડતા નહીં, તમારું બાળક સારૂ છે.
15 દિવસ પછી મારા ફોનમાં આ ભુવાનો ફોન આવ્યો અને મને કહ્યું કે, તમારી પત્ની ઉપર કોઈએ મેલુ કર્યું છે. તમે અહીં આવો હું બધું સરખું કરી આપીશ અને તેમની પાસે જતા વિધિના નામે રૂ.50,000 લીધા હતા, સાથે જ ડોક્ટર બદલવા કહ્યું હતું. બાદમાં હું તથા મારી પત્ની બન્ને ત્યાંથી અમારા ઘરે ગયા બાદ દર અઠવાડિયે આ ભુવાને બતાવવા માટે જતા હતા અને દર વખતે જતા ત્યારે 200-500 રૂપિયા ત્યાં મૂકતા હતા.
ન્યારા ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો: બાળક સારૂં જન્મશેનું કહી વિધિના નામે 1.30 લાખ પડાવ્યા
