વિસાવદર ગૌચર જમીન મુદ્દે બે દિવસથી પશુ સાથે માલધારીઓના ધામાનો મામલો
ટીડીઓ કચેરી ખાતે 200 જેટલી ગાયો સાથે ગૌચર ખુલ્લું કરવા આંદોલન ચાલતું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લાના વિસાવદર, કાલસારી અને પ્રેમપરા ગામની હજારો વીઘા ગૌચર જમીન પર ભૂમાફિયા ઓએ દબાણ કરવાના આક્ષેપ સાથે બે દિવસથી માલધારી સમાજના લોકો પોતાના 200 જેટલા ગૌવંશ સાથે વિસાવદર મામલતદાર અને ટીડીઓ કચેરી ખાતે ધામા નાખીને ગૌચર ખુલ્લું કરવા આંદોલન સાથે વિરોધ પ્રદર્શન યોજી રહ્યા હતા ત્યારે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા 20 માલધારી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ માલધારીઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી શરુ કરી છે જયારે કચેરી ખાતે લાલવામાં આવેલ ગૌવંશને ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.
અને તેની સાર સંભાળ મુદ્દે રોજના એક પશુ દીઠ રૂ.300 દંડ ચૂકવવા આદેશ થતા માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. કાલસારી, વિસાવદર અને પ્રેમપરાની ગૌચરની હજારો વિઘા જમીન પર પેશકદમી થઇ ગઇ છે. હાલ અમુક ગૌચરની જમીન પર આંબાના બગીચાઓ ઉભા છે અને અમુક જમીનમાં વાવેતર થાય છે. થોડા સમય પહેલા સરકારી ખર્ચે ગૌચરની માપણી કરવા ડીઆઇએલઆરને હુકમ કરવામાં આવ્યો હતો. જે માપણીની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. છેલ્લા એકાદ વર્ષથી ડીઆઇએલઆર દ્વારા કાલસારીની ગૌચરની જમીનની માપણીની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી માપણી પુરી થઇ નથી. થોડા દિવસ માપણી પુરી થઇ નથી. થોડા દિવસ માપણી કર્યા બાદ પાછી બંધ કરી દેવામાં આવે છે. માપણી પુરી થયા બાદ જ નકકી થઇ શકે કે કેટલી જમીનમાં પેશકદમી છે ?
ત્યાર બાદ ગૌચરની જમીન ખુલ્લી થઇ શકે તેમ છે. માપણી કરવામાં ઢીલી નિતિ હોવાથી છેલ્લા બે દિવસથી માલધારીઓ પોતાના ગૌવંશને લઇ મામલતદાર કચેરીમાં હલ્લાબોલ કરી રહ્યા છે. માલધારીઓને આંદોલન શરૂ થયા બાદ કોઇ અધિકારીએ જવાબ ન આપતા રાત આખીમાલધારીઓએ પોતાના માલઢોર સાથે મામલતદાર કચેરીમાં આંદોલન શરૂ કર્યુ હતુ. આંદોલનના બીજે દિવસે કલેકટરે વિસાવદરના માલતદાર, ટીડીઓ, પીઆઇ, કાલસારીના સરપંચ, મંત્રી સહિતનાઓને રૂબરૂ બોલાવ્યા હતા. જ્યા તમામે માપણીની કામગીરી ચાલુ હોવાનો કલેકટર સમક્ષ દાવોકર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે કાલસારીનો ગૌચરનો સર્વે નં.257ની 2500 વિઘાથી વધુની જમીન હોય આ ઉપરાંત અન્ય મળી 3080 વિઘા જેટલી ગૌચરની જમીનની માપણી કરવાની હોવાથી સમય લાગી રહ્યો છે. હજુ પણ કયારે માપણીની કામગીરી પુરી થાય તે અંગે ડીઆઇએલઆરના અધિકારીઓ પણ સ્પષ્ટતા કરી શકતા નથી. જયા સુધી માપણી પુરી ન થાય ત્યાં સુધી ગૌચરની જમીન ખાલી થાય તેવી કોઇ શકયતા નથી મોટાભાગની જમીન પર પેશકદમીઓ તથા અન્ય પાકનું વાવેતર થયુ છે તંત્રની નિતિના કારણે આ સમસ્યા સર્જાઇ છે.
- Advertisement -
વિસાવદરના 20 માલધારીઓ સામે પોલીસ ફરિયાદ સાથે રૂ.300નો દંડ
વિસાવદર મામલતદાર કચેરી સામે 200 જેટલા ગૌવંશ સાથે આંદોલન કરી રહેલ માલધારીઓ સામે પોલીસ ફરિયાદ થતા ભનાભાઇ મેરામણભાઇ કારેથા, સોમાભાઇ ઉકાભાઇ રાઠોડ, ભુરાભાઇ બાવાભાઇ કારેથા, જીવાભાઇ પોલાભાઇ ધાનોયા, લક્ષ્મણભાઇ બીજલભાઇ ટાલીયા, ભગાભાઇ હમીરભાઇ ગોહીલ, ખોડાભાઇ નાથાભાઇ ગોહીલ, મંગાભાઇ નારણભાઇ ગોહીલ, ઘુઘાભાઇ ભીખાભાઇ મેવાડા, ભુપતભાઇ ઓઘડાભાઇ ગોહીલ, હાજાભાઇ ઘુસાભાઇ વાઢેર, મેરામણભાઇ ભીખાભાઇ મેવાડા, હાજાભાઇ મેરામણભાઇ મુંધવા, જાગભાઇ દેવશીભાઇ મેવાડા, ધાનાભાઇ સીદાભાઇ મુંધવા, પુનાભાઇ કસાભાઇ ભરવાડ, મહેશભાઇ ભીમાભાઇ મેવાડા, નાજાભાઇ ધળુભાઇ ભરવાડ, વનરાજભાઇ સાતુભાઇ ભરવાડ, મુનાભાઇ ભરવાડ આ તમામની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.