રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મોરબી રોડ પર રહેતાં બેંક કર્મીને ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાંની લાલચ આપી 50.89 લાખની ઠગાઇનો બનાવ બનતા ફરિયાદ નોંધાવાઈ છે મોબાઈલમાં આવેલ લિંક ઓપન કરતાં પ્રથમ નાની રકમનું વળતર ગઠિયાઓએ આપ્યા બાદ લાખો રૂપિયા પડાવી લેતાં સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટના મોરબી રોડ પર રાજલક્ષ્મી એવેન્યુમાં રહેતાં અને કાલાવાડ રોડ પર આવેલ કોટક સેક્યુરીટીમાં નોકરી કરતાં જયમીન ચમનભાઈ પરસાણા ઉ.30એ મો.નં.918734904122 ના ધારક અને અલગ અલગ બેંક ખાતા ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બીએનએસ એક્ટ 316(2), 318(4), 54, 61 અને આઈટી એક્ટ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના વોટ્સએપમાં કોઈ અજાણ્યા વોટ્સએપ નં. +918734904122 થી મેસેજ આવેલ અને તે સામેવાળા વ્યક્તી દ્વારા કહેવામાં આવેલ કે, હું ગુગલમાંથી વાત કરૂ છું અને તમે સાઈડ ઈન્કમ કરવા માગતા હોય તો તમને એક ટેલીગ્રામની લીન્ક મોકલુ છું, જેમા ટાસ્ક પ્રમાણે તમને પૈસા મળશે જેથી ફરિયાદીએ ટેલીગ્રામ લીંક ઓપન કરી જેમા એક રીવ્યુ આપવા બાબતનો ટાસ્ક આપેલ જે પુરો કરતા સૌપ્રથમ તેમને રૂ.201 મળેલ બાદમા બીજા હોટેલના ફાઈવ સ્ટાર રીવ્યુ દેવા બાબતે એક રીવ્યુ દીઠ રૂ.50 મળશે તેમ જણાવેલ જેથી તેમના પર વિશ્વાસ પ્રત્યેક ટાસ્ક પુરા કરતા બે વાર રૂ.150 મળેલ હતાં. બાદ મોટા ટાસ્ક માટે રૂ.1000 ટ્રાંસફર કરવાનું જણાવેલ જેથી તેમના દ્વારા આપેલ યુપીઆઈ આઈડીમાં તેમના કેહવા પ્રમાણે ટ્રાન્સફર કરી આપેલ જેથી તેમના દ્વારા એક લીંક મોકલવામાં આવી હતી.
- Advertisement -
જે લિંક ક્રીપ્ટો કરંસીમાં રોકાણ બાબતની હતી જેમાં તેમના કેહવા પ્રમાણેનું રૂ.1000 નું રોકાણ કરવાથી તેમને રૂ.1520 મળેલ બાદ અન્ય ટાસ્ક માટે બીજી ટેલીગ્રામ લીંક મોકલેલ જેથી તેમની સાથે ટેલીગ્રામના માધ્યમથી વાતચીત કરતા હતાં વધુ એક સાઈટ ઓપન થયેલ જે ક્રીપ્ટો કરંસી બાબતની હતી જેમાં તેમના નામનું લોગ-ઈન કરાવડાવી તેમાં બીટકોઈનમાં રોકાણ કરવાનું કહેલ જે રોકાણ પેટે રૂ.3600 તેમના જણાવ્યા મુજબના યુપીઆઈ આઈડીમાં જમા કરાવેલ હતાં. જેમાં તેઓને રૂ.5850 પરત મળેલ બાદ સામેવાળા દ્વારા અલગ ટાસ્ક આપવામા આવેલ જેમાં રૂ.5 હજાર ટ્રાન્સફર કરેલ જેમા પણ નજીવું રીટર્ન મળેલ જેથી સામેવાળા વ્યક્તી પર વિશ્ર્વાસ આવી જતા તેમના કહેવા પ્રમાણેના બેંક ખાતા નંબર અને યુપીઆઈ આઈડીમાં કટકે-કટકે કરી કુલ રૂ.50.89 લાખ ટ્રાન્સફર કરેલ હતાં જે બાદ તે રૂપિયાનું ફરિયાદીને કોઈ પણ પ્રકારનું રીટર્ન મળેલ નહીં તથા તેમાં નાંખેલા પૈસા પણ પરત આપેલ નહીં અને કહેલ કે, તમે હજી વધારે પૈસા ટ્રાન્સફર કરો તો તમને તમારી આ ગયેલ રકમ પરત મળી જશે જેથી તે સામેવાળા વ્યકતી પર શંકા જતા તથા તેમની સાથે થયેલ ઓનલાઈન ફ્રોડ મામલે સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગરમાં ઓનલાઇન અરજી કરેલ હતી. જેમના આધારે સાયબર ક્રાઈમની ટીમે ગુનો નોંધી પીઆઈ આર.જી.પઢીયારની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી.