શિક્ષક તથા અન્ય સ્ટાફની પણ ભરતી કરાશે: સમિતિની શાળાઓના શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા અને શાળાઓની કાયાકલ્પ કરવાનું સમિતિનું આયોજન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેનની “ખાસ-ખબર” વાતચીત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સ્વભાવે સરળ અને કર્મઠ તરીકે ગણાતા નેતા વિક્રમ પૂજારાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક થતા ચોમેરથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે ત્યારે ખાસ ખબર સાથેની મુલાકાતમાં વિક્રમ પૂજારાએ જણાવ્યું હતું કે, બાળકોનો સર્વાંગી વિકાસએ જ અમારી પ્રાથમિકતા રહેશે. ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં ક્યાંય કસર છોડવામાં નહીં આવે.
આ સાથે જ વિક્રમભાઈ પૂજારાએ જણાવ્યું હતું કે, તાત્કાલિક પણે ભરતી પણ કરવામાં આવશે. કેળવણી નિરીક્ષક, શિક્ષક કે અન્ય સ્ટાફને ભરી દેવામાં આવશે.
બાળકોમાં અત્યારથી જ દેશપ્રેમ પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગે તેવા અથાગ પ્રયત્નો કરીશું. ભવિષ્યમાં અલગ અલગ જગ્યા કે જે રાષ્ટ્ર પ્રેમની ભાવના જગાડે છે ત્યાં બાળકોને પ્રવાસે પણ લઈ જશું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ શહેરની 93 શાળાઓ આવે છે. જેમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને શાળાઓની કાયાકલ્પ કરવાનું આયોજન કરીશું. ગઈકાલે 11 કલાકે કરણપરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચાર્જ સંભાળ્યો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે મેયર અને નિર્વાચન અધિકારી ડો. પ્રદિવ ડવની અધ્યક્ષતામાં યોજાઈ હતી.. બેઠકમાં 18માં ચેરમેન તરીકે વિક્રમ પુજારા અને વાઇસ ચેરમેન તરીકે પ્રવિણ નિમાવતની પસંદગી કરવામાં આવી હતી. મ.ન.પા.ની શિક્ષણ સમિતિના ચેરમેન પદે વિક્રમ પુજારા તથા પૂર્વ આચાર્ય પ્રવિણ નિમાવત વાઇસ ચેરમેન પર્સન પદે મળેલી શાળા બોર્ડની બેઠકમાં વરણી થઇ હતી ત્યારે સમિતિના નવનિયુકત સુકાનીઓએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં સરકાર નવી શિક્ષણ નીતિ અમલમાં લાવી રહી છે ત્યારે નવો પડકાર ઝીલીને સમિતિની શાળાઓના શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને શાળાઓની કાયાકલ્પ કરવાનું આયોજન છે.