પડધરી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન મીની ટ્રક પકડી તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની સીરપ મળી 50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
નશાકારક આયુર્વેદિક સીરપનો ધંધો બેરોકટોક ધમધમવા લાગ્યો છે. પોલીસે પણ ગેરકાયદેસર સીરપનો ધંધો કરતા શખ્સો સામે લાલ આંખ કરી છે. અને ટુંકા સમયમાં જ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી લાખો રૂપિયાનો સીરપનો જથ્થો પકડી કાર્યવાહી કરી છે. પડધરી પોલીસે ગઇ રાત્રે ન્યારા ચેક પોસ્ટ પાસેથી નશાકારક આયુર્વેદિક સીરપ ભરેલ મીની ટ્રક પકડી કુલ 8000 બોટલ સાથે રૂા. 50 લાખનો મુદામાલ કબ્જે કરી મોટી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તેમજ રાજકોટ એસ.પી. જયપાલસિંહ રાઠોડે પ્રોહીબીશન અને જુગાર કબલોમાં દરોડા પાડવાની સુચનાથી પડધરી પોલીસે મથકના પીએસઆઇ જે.જી.ઝાલા ટીમ સાથે ન્યારા ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે ત્યાંથી પસાર થતી મીની ટ્રક નં. જીજે 38 ટી 8852ને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ગેરકાયદેસર નશાકારક આયુર્વેદિક સીરપની 8000 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે શંકાસ્પદ ગેરકાયદેસર સીરપ 8000 બોટલ રૂા. 20.05 લાખ અને મીની ટ્રક મળી કુલ રૂા. 50.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરી શંકાસ્પદ સીરપ ફોરેન્સીક તપાસ અર્થે મોકલવામાં આવ્યો હતો.
હાલ પોલીસે જાણવા જોગ ગુનો દાખલ કરી ફોરેન્સીક રીપોર્ટ આવ્યા બાદ સાચુ તથ્ય બહાર આવશે. વધુમાં ડીવાયએસપી કે.બી.ઝાલાએ જણાવ્યું હતું કે શંકાસ્પદ સીરપનો જથ્થો હાલ કબ્જે લઇ તેના નમુના ફોરેન્સીક તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જેમના રીપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ન્યારા ચેક પોસ્ટ પાસેથી શંકાસ્પદ આયુર્વેદિક સીરપનો જથ્થો પકડી મોટી કાર્યવાહીમાં પીએસઆઇ જે.જી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ રણજીત ડેરૈયા, વશરામભાઇ કાળોતરા, કોન્સ્ટેબલ જસમત માનરોલીયા, દશરથસિંહ જાડેજા અને યુવરાજસિંહ ગોહીલ સહિતનો સ્ટાફ સામેલ હતો.