ખાસ-ખબર સંવાદદાતા
દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે જોન પોલ વેરિલસને હરાવીને રેકોર્ડ 17મી વખત ફ્રેન્ચ ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા પાક્કી કરી છે. જોકોવિચે આ સાથે જ તેના બરાબર 22 ગ્રાન્ડ સ્લેમ જીતનારા રાફેલ નડાલના 16 વખત ફ્રેન્ચ ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાનો રેકોર્ડ તોડ્યો છે. ઈજાને કારણે નડાલ આ વખતે ટૂર્નામેન્ટ રમી રહ્યો નથી પરંતુ ફ્રેન્ચ ઓપનના પોતાના 16 ક્વાર્ટર ફાઈનલ અભિયાનમાંથી 14ને તે ટ્રોફીમાં બદલવામાં સફળ રહ્યો છે.
રોલાં ગૈરાના 2016 અને 2021ના વિજેતા જોકોવિચને અંતિમ આઠમાં પહોંચવા માટે કોઈ પ્રકારની મહેનત કરવી પડી નથી. તેણે લગભગ બે કલાક સુધી ચાલેલા એકતરફી મુકાબલામાં વિશ્વ રેન્કીંગમાં 94મા સ્થાને રહેલા વેરિલસને 6-3, 6-2, 6-2થી પરાજય આપ્યો છે. આ દરમિયાન સર્બિયાના 36 વર્ષીય ખેલાડીએ 35 વિનર લગાવ્યા જ્યારે તેના વિરુદ્ધ માત્ર 15 વિનર લાગ્યા હતા.
- Advertisement -
જોકોવિચ ગ્રાન્ડસ્લેમમાં 55મી વખત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો છે અનેઆ મામલે તે માત્ર મહાન ખેલાડી રોજર ફેડરર (58 ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઈનલ)થી પાછળ છે.ત્રીજા ક્રમાંકિત જોકોવિચ સામે 11મા ક્રમાંકિત કારેન ખાચાનોવની ટક્કર થશે. બન્ને ખેલાડીઓ વચ્ચે નવ મુકાબલામાં ખાચાનોવે એક જીત મેળવી છે. ખાચાનોવે અંતિમ-16ની એક અન્ય મેચમાં લોરેન્જો સોનેગો 1-6, 6-4, 7-6, 6-1થી પરાજય આપ્યો છે.