રાજકોટ શહેરમાં જામનગર રોડ નજીકના વર્ષો જૂના સાંઢિયા પુલની કાયાપલટ થશે
700 મીટર લાંબો 4 લેન ઓવરબ્રિજ બનશે : 20,000 વાહનને મળશે રાહત
- Advertisement -
રાજકોટનો વર્ષો જૂનો પ્રશ્ર્ન હલ થશે, પુલની પ્રારંભિક ડિઝાઈન રેલવેને સોંપતી મહાનગરપાલિકા
ટેન્ડર થઈ ગયા બાદ આ બ્રિજ 18 મહિનામાં બની જશે તેવો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં વર્ષો જૂના સાંઢિયા પુલને સ્થાને નવો બનાવવાનો વિચાર છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે પણ આખરે આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ ખાસ ગ્રાન્ટ ન આવે તો પણ બ્રિજ બનાવવા નિર્ધાર કરી લેતા હવે સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી બ્રિજ બનાવવા નિર્ણય લેવાયો છે. બ્રિજની માલિકી રેલવેની હોવાથી પ્રારંભિક ડિઝાઈન રેલવેને મોકલાઈ હતી અને રેલવેએ કેટલીક પૂરક માહિતી મગાવતા તે પણ આપવામાં આવી છે. આ બ્રિજ બનતા ત્યાંથી પસાર થતા 20,000થી વધુ વાહનચાલકને ફાયદો થશે.
રાજકોટનો સાંઢિયા પુલ વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો અને તેની આવરદા પૂરી થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે કારણ કે બ્રિજ બનાવવામાં રેલવે વિભાગ કોઇ રસ દાખવતું નથી ફક્ત સમયાંતરે સરવે કરીને ભારે વાહનોને પસાર ન કરવા જણાવવામાં આવે છે. જોકે રાજકોટ મહાનગરપાલિકા માટે આ વિસ્તાર ઝડપથી વિકસતો હોવાથી તેમજ સાંઢિયા પુલની બંને બાજુના રોડ 4 લેન બની ગયા હોવાથી વાહનો માટે આ પુલ ભારે ત્રાસદાયક બન્યો છે. આ કારણે મનપાએ છેલ્લા 5 વર્ષથી બ્રિજ બનાવવા માટે અનેક સ્તરે રજૂઆત કરી હતી પણ યોગ્ય જવાબ ન મળતા આખરે કામ પોતે ઉપાડ્યું છે.
આ ઉપરાંત તાજેતરમાં જ મોરબી બ્રિજની દુર્ઘટના બનતા આ મામલો વધુ ગંભીર બન્યો છે. મનપાએ બ્રિજની પ્રારંભિક ડિઝાઈન અને વિગતો તૈયાર કરી રેલવેને મંજૂરી અર્થે મોકલી દીધી છે અને ત્યાંથી મંજૂરી મળતા જ ટેન્ડર માટે કાર્યવાહી કરવામાં આવશે.
ટેન્ડર થઈ ગયા બાદ આ બ્રિજ 18 મહિનામાં બની જશે તેવો દાવો કરાયો છે. હયાત બ્રિજ કરતા આ બ્રિજ વધુ મોટો બનશે તેમજ તેની પહોળાઈ 100 ફૂટ કરતા વધુ હોવાથી 4 લેન થશે તેમજ લંબાઈ 750 મીટર કરતા વધુ રહેશે જોકે બ્રિજના બંને છેડે પહોળાઈ ઓછી રહેશે કારણ કે ત્યાં સર્વિસ રોડ બનાવવામાં આવશે. આ તમામ પાછળ 54 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ કરવામાં આવ્યો છે અને ચાલુ વર્ષના બજેટમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.