બાળકો માટેના સામયિકો એટલે બાળ સામયિકો
બાળ સામયિકો એટલે બાળકો માટેના સામયિકો, બાળકોને અનુલક્ષીને પ્રગટ થતાં સમયબદ્ધ પત્રો. બાળક જેનો ભાવક છે, વાંચક છે, બાળમાનસને જે વ્યક્ત કરે છે, બાળમનને જે સંતોષે છે, આનંદે છે તેવું બાળભોગ્ય ભાષામાં લખાયેલું સાહિત્ય એટલે બાળ સાહિત્ય. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં બાળ સામયિકોની વાત માંડીએ તો.. પ્રથમ ગુજરાતી પત્રની શરૂઆત સાથે જ બાળ પત્રકારત્વની શરૂઆત થઈ ચૂકી હતી. સૌ પ્રથમ 1822માં મુંબઈ સમાચાર અને ત્યારબાદ 1832માં શરૂ થયેલા જામે જમશેદમાં બાળકો માટે એક નાનો વિભાગ રાખવામાં આવ્યો હતો. સ્ત્રીબોધમાં 1920થી બાળક નામે બાલવિભાગ શરૂ થયો હતો. સ્ત્રીજીવનમાં 1940થી શિશુવિભાગ આવતો હતો. વંદે માતરમમાં એક હતો ચકલો શીર્ષકથી બાળ સાહિત્ય છપાતું હતું. ગુજરાતી અખબારો – સામયિકોની શરૂઆતથી જ તેમાં બાળ સાહિત્યને સ્થાન અપાતું હતું આમ છતાં બાળ પત્રકારત્વ, બાળ સામયિકોની ખરી શરૂઆત 1920માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં મળેલી એક બેઠક બાદ થઈ, જેમાં સૂચન કરવામાં આવેલું હતું કે, ઇંગ્લૅન્ડના માય મૅગેઝીન જેવું સામયિક આપણાં બાળકો માટે હોવું જોઈએ. પરિણામસ્વરૂપે વીસમી સદીની શરૂઆતમાં ગુજરાતમાં ઘણાં બાળ સામયિકો, માસિકો, સાપ્તાહિકો પ્રગટ થવાના શરૂ થયા હતા જેમાં બાળકો માટેની વાંચન સામગ્રી પ્રકાશિત થતી હતી. જોકે તે અગાઉ પણ ઓગણીસમી સદીમાં કેટલાંક નોંધનીય બાળ સામયિકો પ્રસિદ્ધ થતા હતા. 1877માં પારસીઓએ બાળોદય શરૂ કરેલું હતું, 1879માં બાલમિત્ર શરૂ થયેલું હતું. 1882માં જ્ઞાનવર્ધક સભા અમદાવાદથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું. 1912માં વડોદરાથી બાલશિક્ષક પ્રગટ થયેલું હતું. 1921માં ચરોતર એજ્યુકેશન સોસાયટીએ બાલમિત્ર ચાલું કરેલું હતું. 1921માં બાલજીવનનો પ્રારંભ થયો હતો. 1923માં અમદાવાદથી બાળક ત્રિમાસિક રૂપે અને પછી ગોધરાથી દ્વિમાસિક રૂપે આવવાનું શરૂ થયું હતું. 1921માં ગાંડીવ સાહિત્યમંદિર અને 1925થી ગાંડીવ શરૂ થયું, જે ગુજરાતનું સૌપ્રથમ પાક્ષિક હતું. 1927માં બાલવાડી, 1931માં બાલોદ્યાન, 1933માં ફૂલવાડી, 1937માં બાલસખા નામના બાળ સામયિકો શરૂ થયા હતા. 1939થી બાલજગત પાક્ષિક તરીકે શરૂ થયા બાદ થોડા વખતમાં માસિક બનેલું હતું. 1947માં ચક્રમ સાપ્તાહિક શરૂ થયેલું હતું. 1947માં કનૈયો બાલમાસિક શરૂ થયું હતું. 1949માં રમકડું આવેલું હતું. 1959માં ત્રૈમાસિક તરીકે બાલદક્ષિણા થયું હતું. બાલકથાના સામયિકો 1966માં છાત્રાલય, 1968માં પગલી, 1977માં સુમન સંસ્કાર, 1981માં બાલમૂર્તિ બહાર પડવાના શરૂ થયા હતા. 1965માં જૂનાગઢથી શિશુમંગળ, 1972માં લીંબડીથી મારા દોસ્તો, મારી દુનિયા, 1967માં અમદાવાદથી હિતોપદેશ જેવાં અલ્પજીવી સામયિકો પણ પ્રગટ થયા હતા. 1954થી ચાંદામામા દિલ્હી બહાર પડતું હતું તો 1972થી ચંપક ગુજરાતીમાં આવવાનું શરૂ થયું હતું. પાછળથી તેમાં નંદન પણ ઉમેરાયું હતું. ગુજરાતનું પ્રથમ ઑફસેટ મુદ્રણ ધરાવતું પાક્ષિક બુલબુલ 1978માં શરૂ થયું હતું. 1979માં બાલમસ્તી નામનું માસિક બહાર પડવાનું શરૂ થયું હતું. આઝાદી બાદ શરૂ થયેલા મોટાભાગના બાળ સામયિકો ઝગમગ પ્રેરિત હતા. 1952માં બાળકોનું આગવું સાપ્તાહિક ઝગમગ શરૂ થયું હતું જેનો ફેલાવો ચાળીસ-પચાસ હજારે પહોંચી ગયો હતો! ઝગમગની સફળતા જોઈને બીજા પાંચેક જેટલા બાળ સાપ્તાહિક પ્રગટ થવા લાગ્યા હતા. જીવરામ જોષીએ 1958માં ઝગમગ છોડ્યા બાદ તે જ વર્ષમાં રસરંજન શરૂ કર્યું હતું. 1968થી 1970 સુધી પ્રભાત સમાચારપત્રની ભાગીદારીમાં તેમણે રસવિનોદમાં કાર્ય કર્યું અને 1984માં તેમના તંત્રીપદે છુકછુક શરૂ થયું હતું. ધીરજલાલ ગજ્જરે 1977માં સબરસ સાપ્તાહિક શરૂ કર્યું હતું, હરીશ નાયકે નાયક નામનું માસિક પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. શ્રીકાન્ત ત્રિવેદીએ 1980-81માં ટીન-ટીન શરૂ કરેલું હતું. ગિજુભાઈ બધેકા, જુગતરામ દવે, નટવરલાલ માળવી, હરિપ્રસાદ વ્યાસ, રમણલાલ શાહ, મનુભાઈ જોધાણી, મનુભાઈ પંચોળી, વસંત નાયક, ત્રિભુવન વ્યાસ, રમણલાલ સોની, જીવરામ જોષી, ધનંજય શાહ, પ્રાગજી ડોસા, ધીરજલાલ શાહ વગેરે અસંખ્ય નામી-અનામી સર્જકોએ બાળ સાહિત્યની ભેટ બાળ સામયિકોમાં ધરી તો એ બાળ સામયિકોને બાળભોગ્ય બનાવવામાં કલમ ઉપરાંત પીંછીના કલાકારોની ભૂમિકા પણ અહમ રહી. રવિશંકર રાવલ, સોમાલાલ શાહ, રજની વ્યાસ, ચકોર, નટુ મિસ્ત્રી, રમેશ કોઠારી, વી. રામાનુજ, લલિત લાડ, નિર્મલ સરતેજા વગેરે જાણીતા-અજાણ્યા ચિત્રકારો-કાર્ટૂનિસ્ટએ બાળ સાહિત્ય અને બાળ સામયિકોને બહેતરીન બનાવ્યા. હરિપ્રસાદ વ્યાસે બકોર પટેલ નામના બકરાને કેન્દ્રસ્થ પાત્ર બનાવીને બાળકથાઓ રચી હતી. બકરા સિવાય ગાય, વાનર, હાથી, ઊંટ વગેરે પ્રાણીઓને ખાસ નામ આપીને પાત્રો સર્જ્યા હતા. પ્રાણીઓના જીવન પરની પ્રાણીકથાઓ મનુભાઈ જોધાણી, વિજયગુપ્ત મૌર્ય, નાનુભાઈ સુરતી, કનૈયાલાલ રામાનુજ, હરજીવન સોમૈયા, વસંતલાલ પરમાર વગેરેએ લખી હતી.
વિજયગુપ્ત મૌર્યએ સરકસ ડૉક્ટરનાં રોમાંચક સાહસો એક વિશિષ્ટ પ્રાણીકથા લખી હતી. બાળ સાહિત્યના અન્ય બે અમરપાત્રો મિયાં ફુસકી અને તભા ભટ્ટના સર્જક જીવરામ જોષી હતા. તેમણે છકો-મકો, છેલ-છબો, અડૂકિયો-દડૂકિયો જેવી પાત્રપ્રધાન કથાઓ લખી હતી. જીવરામ જોષીના ભાઈ દિનુભાઈ જોષીએ રાણી ચતુરાની વાતો લખી હતી. નવનીત સેવકે રામ, રાજુ અને સુબાગુના પરાક્રમના પાત્ર સર્જ્યા હતા. એમના સમકાલીન હરીશ નાયકના પરાક્રમ પાત્રો રાજીવ-સંજીવ તથા નાનેરા પાત્રો ટિંગુ અને પિંગુ હતા, એમણે ગ્રીક કથાનાયક હરક્યુલિસની વાર્તાઓ લખી હતી. મૂળશંકર ભટ્ટે જુલે વર્નની વિજ્ઞાનમૂલક સાહસકથાઓના અનુવાદો-રૂપાંતરો કર્યા હતા. ધનંજય રમણલાલ શાહે ઘણું બાળ સાહિત્ય લખ્યું, અંગ્રેજી કૉમિક લૉરેલ અને હાર્ડીની કથાઓને આધારે સોટી અને પોઠીના પાત્રોનું સર્જન કર્યું હતું. યશવન્ત મહેતાનું નામ સાહસકથાઓ માટે જાણીતું હતું તેમણે કુમાર, કેતુ અને માયાનું સર્જન કર્યું હતું. રહસ્યકથાઓ માટે તેમના બનાવેલા ઈન્સ્પેક્ટર કુમાર અને જમાદાર હુસેનખાન નામના પાત્રો સૌના પસંદીતા હતા. ચંદ્રશંકર ભટ્ટ, હંસા મહેતા, ઈન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર, કેશવપ્રસાદ દેસાઈ, હરિકૃષ્ણ પાઠક અને મનોહર ત્રિવેદીએ બાળનવલો લખી હતી. આઝાદી બાદ અને ગુજરાતની સ્થાપના પછી ગુજરાતી પત્રકારત્વમાં મુખ્ય દૈનિકો – અખબારો બાળપૂર્તિઓ બહાર પાડતા આવ્યા છે. ગુજરાત સમાચારમાં દર અઠવાડિયે બાળમેળો વિભાગ આવતો હતો, ઝગમગ આવતું હતું. સંદેશ દ્વારા બાલસંદેશ સાપ્તાહિક પ્રગટ થતું હતું. જનસત્તાએ સબરસ નામનું બાળકો માટેનું સાપ્તાહિક શરૂ કરેલું હતું. જયહિંદમાં ફૂલવાડી સાપ્તાહિક પૂર્તિ આવતી હતી. અહીં નિરંજન પાક્ષિકનો ઉલ્લેખ પણ કરવો જ પડે. 1980ના દસકમાં કેટલાંક અખબારોમાં બાળપૂર્તિઓ બહાર પડવાની બંધ થઈ ગઈ હતી અને પછી ફરી શરૂ થઈ હતી. વર્તમાનમાં દર શનિવારે ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કર વગેરે ગુજરાતી પત્રકારત્વના પ્રમુખ પત્રો બાળપૂર્તિઓ બહાર પાડે છે. આજથી એકાદ-અડધી સદી અગાઉ બાળકો માટેના સાહિત્ય બહાર પાડવામાં અખબારો સાથે સામયિકો પણ પાછળ નહતા. કુમાર કાર્યાલયે અજવાળી રાત કથાસંગ્રહ આપ્યો હતો, સમર્પણ માસિક દર વર્ષે એક શિશુઅંકની ભેટ ધરતું હતું. નવચેતનનો બાલવિભાગ પણ જાણીતો બનેલો હતો. 1979નું વર્ષ આંતરરાષ્ટ્રીય શિશુવર્ષ તરીકે ઊજવાયેલું હતું. આ વર્ષે કવિલોક, નવનીત સમર્પણ વગેરેના ખાસ શિશુબાલકાવ્યોના વિશેષાંકો પ્રગટ થયા હતા. આજકાલ મોટાભાગના અખબારો કે સામયિકોમાં બાલવિભાગ જોવા મળે છે એટલે હવે ભાગ્યે જ બાળકો માટેના વિશિષ્ટ અંક કે પૂર્તિઓ બહાર પડે છે તેમજ નવા બાળ સામયિક બહાર પડવાના સાવ બંધ જ થઈ ગયા છે. ગુજરાતી પત્રકારત્વમાં બચ્યાકુચ્યા બાળ સામયિકો સિવાયના કેટલાંક અખબારો, સામયિકોએ સીધા જ બાળકો માટેના વિશિષ્ટ અંક કે પૂર્તિ પ્રકાશિત ન કરતા પોતપોતાના પત્રોમાં બાળવિભાગો શરૂ કર્યા છે, જેથી વીસમી સદીના અંતથી બાળકો માટેના ઘણા સામયિકો બંધ પડી ગયા છે. એકવીસમી સદીમાં ગણ્યાગાંઠ્યા બાળ સામયિકો પુસ્તકાલય સિવાય ક્યાંક જોવા મળતા નથી, બાળ સામયિકોનું સ્થાન અખબારોમાં દર અઠવાડિયે આવતી ચાર-આઠ પાનાંની પૂર્તિઓએ લઈ લીધું છે. એક સમય હતો જ્યારે ગુજરાતી પત્રકારત્વમાં ગાંડીવ, બાલજીવન, બાળક, બાલમિત્ર, બુલબુલ, રમકડું, ઝગમગ, બાલવિનોદ, બાળશ્રુષ્ટિ, ચંપક, ચંદન, અને ચંદામામા જેવા બાળ સામયિકો બાળકોથી લઈ બુઝુર્ગોની પહેલી પસંદ બની રહ્યા હતા. બાળ સામયિકો બાળપણનું એક અભિન્ન અંગ હતા. બાળકોના મનગમતા પુસ્તકોમાં સૌપ્રથમ બાળ સામયિકો હોતા. રામાયણ, મહાભારત, પંચતંત્ર, હિતોપદેશ વગેરેની વાર્તાઓ, ઈસપની વાતો, ગુલિવરની મુસાફરીની કે સિંદબાદની સફરની સ્ટોરી, અરેબિયન નાઇટ્સની કથાઓ, રહસ્યમય લઘુકથાઓ, વૈજ્ઞાનિક શોધખોળની અજબગજબ માહિતીઓ, જાણવા જેવું, પર્યાવરણ વિષયક ચર્ચાઓ, બોધદાયક ઘટનાઓ, મહાન વિભૂતિઓનો પરિચય, જીવનચરિત્રો, કાવ્યો, ઉખાણાઓ, જોડકણાઓ, જોક્સ, કાર્ટૂન, ચિત્રો, રંગપૂરણી, ટપકાં જોડો, સવાલ-જવાબ, તફાવત શોધો, જાદુ, માઈન્ડગેમ્સ વગેરે.. વગેરે.. જે સામયિકોમાં આવતા એ બાળ સામયિકો વિનાનું પસાર થયેલું કે થતું કોઈનું બાળપણ એ બાળપણ કહેવાય? વધારો : 1977ના પ્રેસ ઈંડિયાના અહેવાલ મુજબ ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા 618માંથી 12 સામયિકો બાળકો માટેના હતા. હિન્દીમાં 34 અને બંગાળીમાં 26 સામયિકો બાળકો માટેના હતા!