રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન નહીં, રિયલ ફ્રોડ ફાઉન્ડેશન
રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની લોભામણી જાહેરાત: લગ્ન વાંચ્છુઓ 25,000 ભરો અને લગ્ન સમયે 1,00,000ની સહાય મેળવો
- Advertisement -
લોભામણી સ્કીમ બજારમાં મૂકી પૈસા પડાવી લેવાના એકથી એક ચઢિયાતા રસ્તા ગઠિયાઓ ગોતી લેતા હોય છે. હાલમાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના હરેશ ડોબરિયાએ લગ્ન સહાય યોજનાના નામે હજારો લોકોના કરોડો રૂપિયા ચાઉં કરી ગયા હોવાની વિગત પ્રકાશમાં આવી છે. રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન એક રજીસ્ટર સંસ્થા છે, જેનો પ્રમુખ હરેશ ડોબરિયા છે. હરેશ ડોબરિયાના રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની ઓફીસ રાજકોટ, જૂનાગઢ, સાણંદ, ભરૂચ, સુરતમાં આવેલી છે. જૂનાગઢમાં રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની મુખ્ય ઓફીસ આવેલી છે. હાલ ઠેરઠેર હરેશ ડોબરિયા વિરુદ્ધ રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન સંસ્થાની લગ્ન સહાય યોજનાના નામે હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ ઉઠી રહી છે.
રાજકોટ, જૂનાગઢ, સાણંદ, ભરૂચથી લઈ છેક સુરત સુધી લગ્ન સહાય યોજનાનાં નામે હજારો લોકો છેતરાયા
આજથી બે-ત્રણ વર્ષ અગાઉ ભેજાબાજ હરેશ ડોબરિયાએ તેની સંસ્થા રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન દ્વારા લગ્ન ઈચ્છુકો માટે એક સહાય યોજના બહાર પડી હતી, જેનું નામ રાખ્યું હતું : લગ્ન સહાય યોજના. આ યોજના હેઠળ દરેક વ્યક્તિને 25 હજાર રૂપિયા ભરી 1 લાખ રૂપિયાની લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા જણાવવામાં આવતું હતું. હરેશ ડોબરિયાની રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનમાંથી લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા સૌ પ્રથમ જેમના લગ્ન બાકી હોય તેવા કુંવારા લોકોએ 25 હજાર રૂપિયા ભરવા પડતા હતા. 25 હજાર રૂપિયા ભરી સભ્ય બન્યા બાદ એ વ્યક્તિએ તેમના જેવા જ એક કુંવારા વ્યક્તિને 25 હજાર રૂપિયા હરેશ ડોબરિયાની રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન સંસ્થામાં ભરાવી ફરજીયાત સભ્ય બનાવવા પડતા હતા. પછી જ્યારે તે કુંવારા સભ્યના લગ્ન થાય ત્યારે તેમને હરેશ ડોબરિયાની સંસ્થા રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન તરફથી 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે એવું જણાવવામાં આવતું હતું. હરેશ ડોબરિયાએ રાજકોટ, જૂનાગઢ, સાણંદ, ભરૂચથી લઈ છેક સુરત સુધી લગ્ન સહાય યોજનાના નામે હજારો લોકો પાસેથી 25-25 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા અને પછી સમય આવ્યે જ્યારે લગ્ન સહાયના 1 લાખ પરત આપવાના થયા હતા ત્યારે તેમણે શરૂઆતમાં સભ્યોને વિવિધ બહાનાઓ કાઢયા હતા. અમુક સભ્યોએ આ અંગે અવાજ ઉઠાવ્યો ત્યારે તેમને ચેક પણ આપ્યા પરંતુ હરેશ ડોબરિયાએ કેટલાંક સભ્યોને આપેલા ચેક બાઉન્સ થયા હતા, પરત ફર્યા હતા. આમ છતાં હરેશ ડોબરિયા વારંવાર સભ્યોને જણાવી રહ્યો હતો કે, તમારા પૈસા તમને પરત મળી જશે પરંતુ મહિનાઓ અને એક-બે વર્ષ વીત્યા છતાં સભ્યોએ રોકેલા 25 હજાર રૂપિયાના 1 લાખ તો દૂરની વાત છે, મૂળ રકમ પણ પરત મળી નહતી. એટલું ઓછું હોય તેમ જે સભ્યોએ તેમની મૂળ રકમ પરત માંગી હતી તેમને હરેશ ડોબરિયાએ ધાક-ધમકીઓ આપી હતી. કાયદાકીય પગલાં ભરવા જણાવ્યું હતું. આમ, મૂળ જૂનાગઢના હરેશ ડોબરિયાની સંસ્થા રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનમાં 25 હજાર ભરો અને 1 લાખની લગ્ન સહાય મેળવોની લોભામણી સ્કીમમાં રાજકોટ, જૂનાગઢ, સાણંદ, ભરૂચથી લઈ છેક સુરત સુધીના હજારો લોકો છેતરાયા હતા, રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના હરેશ ડોબરિયા દ્વારા લગ્ન સહાય યોજનાના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે જેની વધુ વિગત હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- Advertisement -
રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન દ્વારા લગ્ન સહાયના નામે આપવામાં આવેલાં તમામ ચેક ત્રણથી વધુ વાર રિટર્ન થયા.
હરેશ ડોબરિયા સમૂહ લગ્નમાં પહોંચી શિકાર શોધે છે
રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનનો પ્રમુખ હરેશ ડોબરિયા વિવિધ જ્ઞાતિ-સમાજના સમૂહ લગ્નમાં પહોંચી લગ્ન સહાય યોજનાની જાહેરાત કરે છે. સમૂહલગ્નમાં આવેલા હજારો લોકોમાંથી અમુકતમુક લોકો હરેશ ડોબરિયાની લોભામણી જાહેરાતમાં ફસાઈ જાય છે અને 25-25 હજાર રૂપિયા આપી રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની લગ્ન સહાય યોજનામાં નામ નોંધાવી સભ્ય બની જાય છે. એકના ચાર ગણા રૂપિયા મળવાની લાલચે ઘણા લોકો હરેશ ડોબરિયાનો શિકાર બન્યા છે.
રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની રાજકોટ ઓફિસે તાળાં લાગી ગયા
હરેશ ડોબરિયાની રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની રાજકોટના મોરબી રોડ પર પર નાગબાઈ મંદિર સામે સેટેલાઈટ ચોકમાં આવેલા શાંતિ એવન્યુમાં પહેલાં માળે ઓફિસ આવેલી છે. રાજકોટમાં રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની ઓફિસનું સંચાલન જીજ્ઞા પટેલ દ્વારા કરવામાં આવતું હતું. જીજ્ઞા પટેલ પણ હરેશ ડોબરિયાની અંગત માનવામાં આવે છે અને લગ્ન સહાય યોજનાના નામે હજારો લોકોને છેતરવામાં તે પણ હરેશ ડોબરિયાની સાથે છે એવું કહેવાય છે. લગ્ન સહાય યોજનામાં છેતરપીંડીનો ભોગ બનનાર કેટલાંક લોકોએ હરેશ ડોબરિયા સાથે જીજ્ઞા પટેલને પણ નોટિસ પાઠવી છે.
શરૂઆતમાં અમુકને 25 હજારનાં 1 લાખ આપ્યા અને વિશ્ર્વાસ કેળવ્યો, પછી બાકીનાંને બૂચ માર્યાં
‘રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની લગ્ન સહાય યોજનામાં 25 હજાર ભરો અને લગ્ન સમયે 1 લાખની સહાય મેળવો..’ હરેશ ડોબરિયાની આ લોભામણી જાહેરાત પર પહેલીવારમાં જ કોઈ મોટી છેતરપિંડીની શંકા ઊપજાવે તેવી છે. જોકે હરેશ ડોબરિયા ખૂબ ચાલાક હોય તેણે લગ્ન સહાય યોજના બહાર પાડી શરૂઆતમાં આ યોજનાના ગણ્યાગાંઠ્યા સભ્યને લગ્ન સમયે 25 હજારનાં 1 લાખ આપ્યા હતા. હરેશ ડોબરિયાની રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન સંસ્થામાં 25 હજાર ભરનારને લગ્ન સમયે 1 લાખ રૂપિયા આપે છે એવી વાતો અને પુરાવાઓ ફરતા થતા હરેશ ડોબરિયાની સંસ્થા રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન પર લોકોનો વિશ્ર્વાસ કેળવાઈ ચૂક્યો હતો. આ રીતે વધુમાં વધુ લોકો રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનમાં લગ્ન સમયે 1-1 લાખ મળવાની આશાએ 25-25 હજાર રૂપિયા ભરતા ગયા હતા. જોકે પાછળથી હરેશ ડોબરિયાની સંસ્થા રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન હકીકતમાં રિયલ ફ્રોડ ફાઉન્ડેશન નીકળી હતી. લગ્ન સહાય યોજના શરૂ થયાના થોડા સમયમાં અમુક સભ્યને 25 હજારનાં 1 લાખ આપ્યા અને વિશ્વાસ કેળવ્યો, પછી બાકીનાં જે સભ્યો જોડાયા તેમને પૈસા આપવાની જગ્યાએ બૂચ માર્યા હતા.
હરેશ ડોબરિયાની લગ્ન સહાય યોજનામાં ફસાયેલાં ‘ખાસ-ખબર’નો મો. નં. 76982 11111 પર સંપર્ક કરે, અમે ભોગગ્રસ્તોના પ્રશ્ર્નોને વાચા આપશું અને કાનૂની માર્ગદર્શન આપશું.