રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માત્ર 4-5 બેઠક જીતીને પણ હારની બાજી જીતમાં અને જીતની બાજી હારમાં પલટાવી શકે
ભવ્ય રાવલ
કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે મળી રાજકોટ કોર્પોરેશન ‘કમળમુક્ત’ કરી શકે છે!
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દિવાળી પછી યોજાશે એવું ચિત્ર સ્પષ્ટ થતું જણાય રહ્યું છે ત્યારે પાનનાં ગલ્લા, ચાની કિટલી, સોસાયટીનાં ચોક, શેરીના નાકેથી લઈ સરકારી-ખાનગી કાર્યાલયો-ઓફિસોમાં આમ આદમી પાર્ટી ચર્ચાનું કેન્દ્રબિંદુ બની ગઈ છે. કેમ કે, હાલનાં તબક્કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે કિંગ મેકર સાબિત થઈ શકે છે એવું લાગે છે. મતલબ કે, દોઢ દસક બાદ કોંગ્રેસને કોર્પોરેશનમાં સત્તાસ્થાને બિરાજમાન થવા માટે આમ આદમી પાર્ટી સીઢી બની શકે છે. હાલની પરિસ્થિતિ જોતા અગામી મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કિ રોલમાં હશે જે કોંગ્રેસ માટે કિંગ મેકર સાબિત થઈ શકે છે. તેથી જ ગુજરાતનાં રાજકારણનું કેન્દ્રબિંદુ ગણાતા રાજકોટમાં 2015નાં કોર્પોરેશન ઈલેક્શન બાદ 2020નાં કોર્પોરેશન ઈલેક્શનમાં બહુમતી મેળવી જીત હાંસલ કરવામાં ભાજપને કપરા ચઢાણ ચડવા પડશે એવું વર્તાય રહ્યું છે અને આ વખતે ભાજપે એક નહીં પરંતુ એક જેવા જ બે-બે વિરોધ પક્ષ કોંગ્રેસ – આમ આદમી પાર્ટી સામે બમણા બળથી જંગ છેડવી પડશે.
જો ગત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો પર નજર નાખીએ તો 2015ની રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડ પૈકી 17 વોર્ડની 68 બેઠકોની મત ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ બંને 34-34 બેઠકો જીત્યા હતા. અંતમાં વોર્ડ નં.6ની ચારેય બેઠકો પર ભાજપનાં ઉમેદવાર જીતતા કોર્પોરેશન ભાજપે કબજે કરી લીધું હતું અને આમ, 2015 રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 38 બેઠકો તો કોંગ્રેસે 34 બેઠકો મેળવી હતી. વળી, કોંગ્રેસ કરતા ભાજપને માત્ર 6થી 10 ટકા જ જેટલો વોટ શેર વધુ મળેલો. 2015 મનપા ચૂંટણી ભાજપ પાતળી બહુમતી સાથે માંડમાંડ જીત્યું હતું. આમ, 2015ની રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામની જેમ જ 2020 રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામમાં પણ વધુ ઉલટફેર જોવા ન મળે અને ભાજપને 34 અને કોંગ્રેસને 34 અને આમ આદમી પાર્ટીને ફક્ત 4 બેઠકો આવે તો પણ રાજકોટ મનપાની ચૂંટણીનાં પરિણામ બાદ આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાઈને કોંગ્રેસ માટે કિંગ મેકર સાબિત થઈ શકે છે. આનો એક સીધો અર્થ એવો છે કે, ભાજપે કોર્પોરેશનમાં સત્તા જાળવી રાખવા માટે 38થી ઓછી એકપણ બેઠકનું નુકસાન થવા દેવું જોઈશે નહીં અને 40થી વધુ બેઠકો તો જીતવી જ પડશે.
રાજકોટમાં હાલ સ્થાનિક કક્ષાએ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક નિહાળી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પૂરજોશમાં ભાજપનો વિરોધ કરી રહ્યાં છે અને આ ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ વિરોધનો સૂર હજુ પણ કરશે. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય.. બંને પક્ષને વાંધો-વિરોધ રાજકોટ મનપાનાં સત્તા પક્ષ ભાજપ સામે છે. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસનાં વિપક્ષ તરીકે નબળા પ્રદર્શનનો આમ આદમી પાર્ટી ક્યાય ઉલ્લેખ કરી નથી રહી તો કોંગ્રેસ પણ ભાજપ જેમ જ આમ આદમી પાર્ટીને પોતાના વિરોધી પક્ષ તરીકે લઈ રહી નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે માત્ર ભાજપને નિશાનો બનાવી રહી છે. એટલે જો આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માત્ર 4થી 5 બેઠકો જીતી લેશે તો પણ કોંગ્રેસની હારેલી બાજીને જીતમાં અને ભાજપની જીતેલી બાજીને હારમાં પલટાવી શકશે. આગામી રાજકોટ મનપાની ચૂંટણીમાં કાંટે કી ટક્કર નિશ્ચિત છે ત્યારે આમ આદમી પાર્ટી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસને ટેકો આપી મહત્વનું સ્થાન ભજવી શકે છે અને મહત્વનું સ્થાન મેળવી પણ શકે છે.
બીજી તરફ જોઈએ તો વર્તમાનમાં ભાજપથી નાખુશ અને કોંગ્રેસથી નફરત કરતા મતદારો પણ આમ આદમી પાર્ટીને મત આપવાના મુડમાં જોવા મળી રહ્યાં છે એટલે એક એ રીતે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થતું હોવાનું જણાય રહ્યું છે અને ભાજપને થનારા આ નુકસાનનો સીધો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકે તેમ છે. તેથી ગયા વખતની જેમ આ વખત પણ રાજકોટ મનપાની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળશે. જેમાં અત્યારથી જ કોણ વિજેતા જાહેર થશે એ કહેવું થોડું અતિશ્યોક્તિ ગણાશે પણ હા, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા તમામ શક્યતાઓ અને અટકળો, તારણો અને તર્ક પરથી હાલનાં તબ્બકે એટલું કહી શકાય છે કે, રાજકોટ મનપાની ચૂંટણીનાં પરિણામ બાદ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે મળી કોર્પોરેશનને કમળમુક્ત બનાવી શકે છે. આમ આદમી પાર્ટીને નવી-ઓછી સમજવી ભાજપ અને કોંગ્રેસ બંને માટે નુકસાનકર્તા સાબિત થશે.


