વાહકજન્ય અને પાણીજન્ય રોગ અંગે વર્કશોપ કમ તાલીમ યોજાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીનો વર્કશોપ કમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગ અંગે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મચ્છરજન્ય રોગ નાબુદ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અનેક પગલા લેવામાં આવે છે. મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે વાહકજન્ય તથા પાણીજન્ય રોગ નિયંત્રણ વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા સુપરવાઇઝર, પીએચસી મલ્ટીપર્પઝ સુપરવાઇઝર, હેલ્થ વર્કર સહિત પીએચસી, સીએચસીના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જેમાં વાહકની ઓળખ, તેના કારણે થતા રોગની ઓળખ, મચ્છરની લાઇફ સાઇકલ, મચ્છરના કારણે થતા રોગની સારવાર, લોહી કલેકશન પધ્ધતિ, વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ફિઝીકલ અને કેમીકલ કામગીરી, બાયોજીક કંટ્રોલ, રોગચાળા માપવા માટેનું પેરામીટર, ક્લોરીનેશન કામગીરી સહિતની તાલીમ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા દ્વારા મચ્છરથી થતા રોગ અને તેના અટકાયતી પગલા તેમજ આરોગ્ય વિભાગની કામગીરી અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપ કમ તાલીમમાં વિભાગીય નાયબ નિયામક ડો.મનીષ ફેન્સી, જિલ્લા મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા, મનપા મેડિકલ ઓફિસર ડો.રવિ ડેડાણિયા, જિલ્લા ક્ષય અધિકારી ડો.વ્યાસ, આરસીએચઓ ડો.સુતરિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જાવીયા, જિલ્લા એપેડેમીક ઓફિસર ડો.લાખાણી, ભાગનગર વિભાગીય ઝોનના એપેડેમીક ઓફિસર ડો.ધોળિયા સહિત 300 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના 300 જેટલા આરોગ્ય કર્મીને તાલીમ અપાઇ



