રાજકોટ, અમરેલી, ગાંધીનગર પણ 44 ડિગ્રી પાર સાથે ગરમાગરમ : લોકો ભયંકર ગરમીથી તોબા
ખાસ-ખબર સંવાદદાતા
હિટવેવ અને સિવિયર હિટવેવની અસર હેઠળ ગઇકાલે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતના એક ડઝન શહેરોમાં 40 થી 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા લોકો કાળઝાળ તાપથી બેબાકળા બની ગયા હતા. ગઇકાલે સતત બીજા દિવસે પણ 46 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લાનું તાપમાન સતત વધતુ જઈ રહ્યુ છે ત્યારે ગઇકાલે શહેરી વિસ્તારમાં તાપમાન 46 ડિગ્રીને પહોંચ્યું હતું. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ના રણમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે બે ડિગ્રી તાપમાન નીચું જવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં સુરેન્દ્રનગરના તાપમાન 51 ડિગ્રીએ પહોંચી ગયું હતું પરંતુ હાલ રણ માં થોડી રાહત નો અહેસાસ અગરીઆઓએ કર્યો છે. પરંતુ સુરેન્દ્રનગર શાયરી વિસ્તારનું તાપમાન એક ડિગ્રી વધીને કુલ 46 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. જેને લઈને તંત્ર દ્વારા પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છેબપોરના સમયે બહાર ન નીકળવા પણ શહેરીજનોને અપીલ કરવામાં આવી રહી છે જિલ્લાનું તાપમાન વધતું રહે છે હજી પણ આગામી 3 દિવસનું તાપમાન વધતું રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ક્યારે ગરમીના પગલે લોકો પણ કાળઝાળ બની ચૂક્યા છે અને જિલ્લાના મુખ્ય રોડ રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત ગઇકાલે રાજકોટ-અમદાવાદ અને ગાંધીનગર પણ ઉકળતા રહ્યા હતા.
ગઇકાલે રાજકોટમાં 44.3, અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.9, ડિસામાં 43.2 અને વલ્લભવિદ્યાનગર ખાતે 42.1, ભુજમાં 42.3, કંડલા એરપોર્ટ ઉપર 42.8 તથા વડોદરા ખાતે 41.8 ડિગ્રી, મહતમ તાપમાન નોંધાયું હતું. દરમ્યાન સામાન્ય રીતે ભૌગોલિક પરિસ્થિતિને લઈ અમરેલી જિલ્લામાં સૌથી વધુ ગરમી પડે છે. ત્યારે ચાલું વર્ષે વૈશાખ મહિનાની બપોર લોકોને અગનવર્ષાને લઈ ભારે પરેશાન કરે છે. ત્યારે અમરેલીમાં આજે બપોરે 44.6 ડીગ્રી તાપમાન થઈ જતાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. અમરેલીમાં છેલ્લા બે દિવસથી આકરો તડકો પડતો હોય 44 ડીગ્રી ઉપરાંતનું તાપમાન નોંધાયુ છે. ત્યારે સવારે 10 વાગ્યાથી જ વાતાવરણમાં હીટ પકડાતી હોય બપોર સુધીમાં તો લોકો સહન ન કરી શકે તેવું આકરૂ વાતાવરણ થઈ જાય છે.