મંદિરના મુખ્ય દ્વાર પર વિશેષ ભાષામાં કશુંક લખવામાં આવ્યું છે, આ ભાષા કઈ છે, તેનાં મૂળિયા ક્યાં છે, તેને કઈ રીતે ઉકેલી શકાય વગેરે બાબતોનો ઉત્તર મેળવવા માટે કેટલાય કુશળ ભાષાવિદ્દ, પુરાતત્વવિદ્દ અને ઇતિહાસકાર કોશિશ કરી ચૂક્યા છે
મંદિરના ગર્ભગૃહમાં આઠ હાથ ધરાવતી ‘અષ્ટભુજા’ દેવીની મૂર્તિ છે
- Advertisement -
ઉત્તરપ્રદેશની રાજધાનીથી લગભગ 170 કિલોમીટરનાં અંતરે આવેલ પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત 900 વર્ષ જૂના અષ્ટભુજા ધામની તમામ મૂર્તિઓનાં શિરચ્છેદ કરી નાખવાનો આદેશ ઔરંગઝેબે પોતાની સેનાને આપ્યો હતો. આજની તારીખે પણ ખંડિત મૂર્તિઓને સદીઓ પુરાણી મૂળ અવસ્થામાં સાચવી રખાઈ છે
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
દૈવી મૂર્તિનો કોઇ નાનકડો ભાગ પણ જો તૂટી થઈ ગયો હોય અથવા એમાં તિરાડ આવી હોય તો એને ખંડિત માનીને તેની પૂજા અટકાવી દેવામાં આવે છે. જળમાં પધરાવ્યા સિવાય બાદમાં તેનો કોઇ વિકલ્પ શેષ નથી રહેતો. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ખંડિત મૂર્તિની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિ દોષમાં પડે છે, તેનું સદ્ભાગ્ય છીનવાતું જાય છે! પરંતુ ઉત્તરપ્રદેશમાં એક એવું ધર્મસ્થાન છે, જ્યાંના મોટાભાગના દેવી-દેવતાઓની મૂરત પર મસ્તક નથી! અર્થાત ફક્ત ધડ ધરાવનારી માટીની મૂર્તિઓ! વિરોધાભાસની પરાકાષ્ઠા જુઓ, છેલ્લા 900 વર્ષથી અહીં ખંડિત મૂર્તિઓનું સંરક્ષણ કરવામાં આવે છે અને એટલું જ નહીં, ભક્તિભાવપૂર્વક એમની પૂજા-આરતી પણ થાય છે!
- Advertisement -
ઉત્તરપ્રદેશની રાજધાનીથી લગભગ 170 કિલોમીટરનાં અંતરે આવેલ પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત 900 વર્ષ જૂના અષ્ટભુજા ધામની તમામ મૂર્તિઓનાં શિરચ્છેદ કરી નાખવાનો આદેશ ઔરંગઝેબે પોતાની સેનાને આપ્યો હતો. આજની તારીખે પણ ખંડિત મૂર્તિઓને સદીઓ પુરાણી મૂળ અવસ્થામાં સાચવી રખાઈ છે. ‘આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા’ (ASI) ના રેકોર્ડ્સ મુજબ, મુઘલ શાસક ઔરંગઝેબે વર્ષ 1699માં હિંદુ મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. હિંદુત્વ પરત્વેના ખુન્નસને પરિણામે તેણે આમ કર્યુ હોવાનું માનવામાં આવે છે. એ વખતે સમયસૂચકતા દાખવીને મંદિરોનો વિધ્વંશ થતો અટકાવવા અહીંયાના પૂજારીએ મંદિરનું મુખ્ય દ્વાર મસ્જિદનાં આકારમાં ફેરવી નાંખ્યું, જેથી ઔરંગઝેબના સૈનિકોના મગજમાં ભ્રમ પેદા થાય અને મંદિરનો વિધ્વંશ થતો અટકી જાય!
બન્યું એવું કે મસ્જિદ આકારનું મુખ્ય દ્વાર જોઇને મુઘલ સેનાને કોઇ પ્રકારની શંકા ન ઉપજી. મંદિરની સામેથી તેઓ નિ:શંકપણે પસાર થઈ રહ્યા હતાં, એટલામાં એક ચકોર સેનાપતિની નજર મંદિરમાં લટકી રહેલા ઘંટ પર પડી! સ્વાભાવિક રીતે પહેલો પ્રશ્ન તો એ જ જાગ્યો કે મસ્જિદમાં આ ઘંટ કોણે ટાંગ્યો? રહસ્યના મૂળ સુધી પહોંચવા માટે સેનાપતિએ પોતાના સૈનિકોને મંદિરની અંદર ઘુસણખોરી કરવાનો આદેશ આપ્યો. અંદર જઈને એમને ખબર પડી કે પૂજારીની કુશાગ્ર બુદ્ધિને પ્રતાપે તેઓ થાપ ખાઈ ગયા હતાં અને વાસ્તવમાં મંદિરના પ્રવેશદ્વારને જ મસ્જિદનું સ્વરૂપ અપાયું હતું. આક્રોશમાં આવીને સેનાપતિએ પોતાનાં સૈનિકો પાસે ત્યાંની મૂર્તિના મસ્તક ધડથી અલગ કરી નાખવાનો હુકમ કર્યો. એ સમયથી જ તમામ દેવી-દેવતાઓની મૂર્તિ ખંડિત અવસ્થામાં છે!
મંદિરની દીવાલો, નકશીકામ અને વિભિન્ન પ્રકારની આકૃતિઓનો અભ્યાસ કર્યા પછી ઇતિહાસકાર અને પુરાતત્વવિદ્દોનું માનવું છે કે ધર્મસ્થળનું નિર્માણ અગિયારમી સદીમાં થયેલું હોવું જોઇએ. ગેજેટિયરનું માનીએ તો, આ મંદિરનું નિર્માણ સોમવંશી ક્ષત્રિય કુળના રાજાએ કર્યુ હતું. મંદિરના દ્વાર પર બનેલી આકૃતિઓ મધ્યપ્રદેશના પ્રસિદ્ધ ખજુરાહો મંદિર સાથે ખાસ્સી મળતી આવે છે.
લોકો આજે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક મંદિરમાં માથું નમાવવા માટે પહોંચી જાય છે. વિદેશી સહેલાણીઓ માટે આ સ્થળ નવાઈ ઉપજાવે એવી જગ્યા પૂરવાર થઈ છે! જેમને ભારતની સંસ્કૃતિ અને અહીંના ધર્મ વિશેનો અંદાજ છે, તેઓ જાણે છે કે આ દેશમાં મૂર્તિપૂજાને કેટલા બધા અંશે મહત્વ આપવામાં આવે છે. સવાલ એ છે કે આટલી ઘટનાઓ બની હોવા છતાં હજુ પણ શા માટે લોકો આ મંદિરને પૂજનીય માને છે?
મંદિરના ગર્ભગૃહમાં આઠ હાથ ધરાવતી ‘અષ્ટભુજા’ દેવીની મૂર્તિ છે. ગામવાસીઓનું કહેવું છે કે મંદિરમાં અષ્ટભુજા દેવીની અષ્ટધાતુવાળી અતિ પ્રાચીન મૂર્તિ હતી, જે બે દાયકા પહેલા ચોરી થઈ ગઈ. રાતોરાત એ મૂર્તિ મંદિરમાંથી ગાયબ કરી દેવામાં આવી. કોઇને પણ મૂર્તિની ભાળ ન મળતાં આખરે ગામવાસીના સામૂહિક સહયોગ વડે અહીંયા અષ્ટભુજા દેવીની પથ્થરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. એ વખતથી મંદિરનું નામ પણ પડી ગયું: અષ્ટભુજા ધામ!
ધ્યાનાકર્ષક વાત તો એ છે કે, મંદિરના મુખ્ય દ્વાર પર વિશેષ ભાષામાં કશુંક લખવામાં આવ્યું છે. આ ભાષા કઈ છે, તેનાં મૂળિયા ક્યાં છે, તેને કઈ રીતે ઉકેલી શકાય વગેરે બાબતોનો ઉત્તર મેળવવા માટે કેટલાય કુશળ ભાષાવિદ્દ, પુરાતત્વવિદ્દ અને ઇતિહાસકાર કોશિશ કરી ચૂક્યા છે. આમ છતાં, આજસુધી એમને કોઇ નક્કર બાબત જાણવા નથી મળી. કેટલાક ઇતિહાસકારનું માનવું છે કે આ અપ્રચલિત ભાષાના મૂળ બ્રાહ્મી લિપિ સાથે જોડાયેલા છે, તો અન્યોનું તો એમ પણ કહેવું છે કે બ્રાહ્મી કરતાં પણ પુરાણી દૈવીય ભાષાનો ઉપયોગ આ લખાણમાં થયો છે, જેથી ભવિષ્યમાં એની પાછળનો ગુઢાર્થ કોઇ સામાન્ય મનુષ્યને ખબર ન પડી શકે! એટલું તો નક્કી છે કે અષ્ટભુજા ધામની સદીઓ જૂની મૂર્તિનું ચોરાઈ જવું અને તેનાં મુખ્ય દ્વાર પર કોતરાયેલી સાંકેતિક ભાષા ઉકેલાઈ ન શકવા પાછળ કોઇક અજ્ઞાત કારણ જવાબદાર છે, જે જાણી શકવાનું ગજુ હજુ આપણા પુરાતત્વશાસ્ત્રીઓ પાસે પણ નથી!