સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનાં મૃત શરીરને તદ્દન સામાન્ય અવસ્થામાં સાચવીને રખાયું છે, કોઇ વિશેષ ટ્રીટમેન્ટ એને નથી મળી રહી. વિજ્ઞાને આટલી પ્રગતિ સાધી લીધી હોવા છતાં વૈજ્ઞાનિકો આ રહસ્ય જાણવામાં અસફળ રહ્યા છે
મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ
- Advertisement -
કેથલિક સંપ્રદાયનાં લોકો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું નામ આદરભાવપૂર્વક લે છે, એમનો જન્મ સ્પેનનાં રાજવી પરિવારમાં થયો હતો…
આજદિન સુધીમાં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ઘણી વખત છિન્ન-ભિન્ન કરવામાં આવ્યું છે
કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ એના મૃત શરીરનો શક્ય એટલી ત્વરાથી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે, જેથી શરીર સડવાની પ્રક્રિયાનો આરંભ ન થાય અને એમાંથી ખરાબ વાસ ન આવે! પહેલાની કેટલીક સભ્યતાઓમાં શરીરમાં સડો ન પેસે એ માટે શબને સંરક્ષિત કરીને એનું ‘મમી’ બનાવી દેવામાં આવતું હતું, જેથી સદીઓ સુધી એનું અસ્તિત્વ જળવાઈ રહે. પરંતુ શું એ સંભવ છે કે કોઇ પ્રકારક્ષજ્ઞ મસાલા ભર્યા વગર અથવા એનું સંરક્ષણ કર્યા વિના સદીઓ સુધી મૃત શરીર તાજુ રહે? એમાંથી કોઇ દુર્ગંધ ન આવે? એમાં સડો ન પેસે? વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવા જઈએ તો, આ તદ્દન અસંભવ જણાતી બાબત છે, પરંતુ આ સંસારમાં એવી ઘણી ઘટનાઓ છે, જ્યાં માણસનો તર્ક નાકામયાબ નીવડે છે.
ઓલ્ડ ગોવાનાં ‘બેસિલિકા ઓફ બોમ જીસસ’ ચર્ચમાં રાખવામાં આવેલા સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું મૃત શરીર સાડા ચારસો કરતા પણ વધુ વર્ષોથી કોઇ લેપ કે ઔષધિ વગર આજની તારીખે પણ એકદમ તરોતાજા જોવા મળે છે! આશ્ચર્ય થાય એવી વાત છે કે, સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનાં મૃત શરીરને તદ્દન સામાન્ય અવસ્થામાં સાચવીને રખાયું છે, કોઇ વિશેષ ટ્રીટમેન્ટ એને નથી મળી રહી. વિજ્ઞાને આટલી પ્રગતિ સાધી લીધી હોવા છતાં વૈજ્ઞાનિકો આ રહસ્ય જાણવામાં અસફળ રહ્યા છે કે શા માટે સેન્ટ ફ્રાંસિસના શરીરમાં આજસુધી કોઇ સડો નથી પેઠો! સંતના શરીરનું યથાવત રહેવું એ આધુનિક વિજ્ઞાન માટે કોઇ પડકારથી કમ નથી.
- Advertisement -
કેથલિક સંપ્રદાયનાં લોકો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું નામ અત્યંત આદરભાવપૂર્વક લે છે. એમનો જન્મ સ્પેનનાં એક રાજવી પરિવારમાં થયો હતો. એમનું વાસ્તવિક નામ હતું : ફ્રાંસિસ્કો દ’ ઝેવિયર જાસૂસ! એમણે પોતાના ઘરનો ત્યાગ કરીને કેથલિક ધર્મનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો. ધર્મ-પ્રચારક હોવાને કારણે એમનું નામ પડી ગયું, સેન્ટ ફ્રાંસિસ. તેઓ એમની અલૌકિક શક્તિઓને કારણે ખૂબ પ્રખ્યાત થયા. ગોવાની રાજધાની પણજીથી લગભગ 10 કિલોમીટર દૂર જૂનું ગોવા આવેલું છે. પહેલાનાં સમયમાં એને ‘પૂર્વનું વેનિસ’ ગણવામાં આવતું હતું.
આ નગર સાથે સેન્ટ ફ્રાંસિસને ભારે લગાવ હતો. તેઓ અહીં રોકાઈ ગયા. પોપ (રોમ)ના પ્રતિનિધિ હોવાને કારણે ધર્મપ્રચારની જવાબદારી એમણે પોતાના માથે લઈ લીધી. પૂર્વની જોખમસભર સમુદ્રી યાત્રા એમણે વર્ષ 1551માં શરૂ કરી. સફર દરમિયાન તેઓ ભોજાવિક, માલિંદી (કેન્યા), સોક્રેતા થઈને ગોવા પહોંચ્યા! ઓલ્ડ ગોવાને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી ઘણો સમય ત્યાંના આસપાસનાં ક્ષેત્રોમાં તેમણે ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. ત્યારબાદ તો એમણે ઘણા દેશોની યાત્રા કરી. 3 ડિસેમ્બર, 1552ના રોજ સાંકિયાન દ્વીપ (ચીન)માં પ્રચાર દરમિયાન સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું મૃત્યુ થયું. મૃત શરીરને કોફિનમાં રાખીને મલક્કા લઈ જવામાં આવ્યું. અંતિમ સંસ્કારના ચાર મહિના પછી એમનાં શિષ્યોએ શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું તાબૂત ખોલ્યું. સૌના આશ્ચર્યની વચ્ચે, સેન્ટના શરીરને જે અવસ્થામાં ચાર મહિના પહેલા મૂક્યું હતું, એવી જ તરોતાજગી હજુ પણ જોવા મળી રહી હતી. આ ઘટનાને દૈવીય ચમત્કાર માનીને શિષ્યો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ફરી એમના કર્મસ્થળ ગોવા લઈ આવ્યા. સર્વપ્રથમ તો એમના દેહને સેન્ટ પોલ કોલેજમાં રાખવામાં આવ્યો. અને ત્યારબાદ 1613ની સાલમાં ‘પ્રોફેસ્ડ હાઉસ ઓફ કેમ જીસસ’ ખાતે! સેન્ટનાં શરીરને ચાંદીના એક મોટા પિટારામાં રાખીને ‘બેસેલિકા ઑફ બોમ જીસસ’માં સ્થાન આપવામાં આવ્યું.
આજદિન સુધીમાં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ઘણી વખત છિન્ન-ભિન્ન કરવામાં આવ્યું છે. 1553ની સાલમાં એક સેવક જ્યારે એમના શરીરને સિંકિયાનથી મલક્કા લઈને આવતો હતો, એ દરમિયાન જહાજનાં કેપ્ટનને પ્રમાણ આપવા માટે એમના ઘૂંટણથી માંસનો ટુકડો કાઢી લેવાયો. વર્ષ 1554માં એક પોર્ટુગલ મહિલા યાત્રી એમની એડી (પગની પાની)નું માંસ કાઢીને પવિત્ર અવશેષના રૂપમાં પોતાની સાથે પોર્ટુગલ લઈ ગઈ. સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સની એડી એમના પગથી અલગ થઈ ગઈ, જેના લીધે બેસિલિકાનાં ‘એક્રાઇટી’માં ક્રિસ્ટલના એક પાત્રમાં તેને જુદી રાખવામાં આવી. ઇ.સ. 1695માં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના હાથ-બાજુ (ભુજા)ના ભાગને રોમ મોકલવામાં આવ્યો, જે ‘ચર્ચ ઓફ ગેસૂ’ ખાતે ગોઠવી દેવાયો. જમણા હાથનો કેટલોક ભાગ 1619ની સાલમાં જાપાનના ‘જેસુએટ પ્રોવિન્સ’માં રાખવામાં આવ્યો. પેટનો અમુક હિસ્સો અલગ પાડીને અલગ-અલગ સ્થળોએ સ્મૃતિ-અવશેષ તરીકે રાખવામાં આવ્યા. સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના મૃત શરીરને લોકોના દર્શનાર્થે સર્વપ્રથમ ઇ.સ. 1662ની સાલમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. વર્તમાન સમયમાં પણ સંતના શરીરને બેસિલિકા હોલના ખુલ્લા પ્લેટફોર્મ પર દર્શનાર્થીઓ માટે જાહેરમાં રાખવામાં આવે છે.