ઉતરાખંડ-મણીપુરમાં ભાજપનો ગઢ જળવાશે
- ઉતરાખંડમાં ફરી ભાજપ સરકાર : શરૂઆતમાં કોંગ્રેસે જોર બતાવ્યા બાદ હવે કેસરિયા બહુમતીના સંકેત : મણીપુરમાં ભાજપ આગળ પરંતુ સ્થાનિક નાના પક્ષો અને કોંગ્રેસ જોડાઈ તો ચિત્ર બદલાઇ શકે
- પાંચ રાજ્યોની ચૂંટણીની મતગણનાના પ્રારંભીક સંકેતો મુજબ યુપીમાં ભાજપ 2017ના પ્રદર્શનને રિપીટ કરી શકે તેવી શક્યતા નહીવત : અખિલેશ યાદવ જોરદાર લડત આપી રહ્યા છે
- પંજાબમાં 117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 90 બેઠકો પર આગળ : અકાલી દળ, ભાજપ,કોંગ્રેસ તમામ પક્ષો સિંગલ ડીજીટમાં સમાઇ જાય તેવી શક્યતા :કેજરીવાલ અને સીસોદીયા દિલ્હીથી અમૃતસર પહોંચવાની તૈયારીમાં
- ગોવામાં ફરી એક વખત પક્ષાંતરની સરકારના સંકેત : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક-એક બેઠકની લડાઈ : મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષ અને અન્ય નાના પક્ષો પાસે સત્તાની ચાવી
ગોવામાં જબરદસ્ત ટક્કરની સ્થિતિ છે અને ભાજપ તથા કોંગ્રેસ એકબીજાને એક-એક બેઠકની લડાઈ આપી રહ્યા છે તે વચ્ચે સ્થાનિક પક્ષોનું મહત્વ વધી જશે તે નિશ્ચિત છે. ઉતરાખંડ અને મણીપુરમાં ભાજપ સતા જાળવી રાખવામાં સફળ થાય તેવા સંકેત છે. અને આ સાથે જ પરિણામોના અંતે દેશના રાજકીય નકશામાં પંજાબ અને ગોવા સિવાય કોઇ મોટો ફેરફાર થશે નહીં. દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં આજ સવારથી આવી રહેલા પરિણામોમાં ઉતરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથની ડબલ એન્જીન સરકાર ફરી એક વખત સત્તા પર આવે તેવા સંકેત છે. જ્યારે બીજી તરફ પંજાબમાં પ્રથમ વખત રેકર્ડ્રબ્રેક બહુમતીથી આમ આદમી પાર્ટી જીતી જશે. ઉતરપ્રદેશમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેલી અને 2024ની લોકસભા ચૂંટણી પૂર્વેના આ રાજ્યની અંતિમ ટકક્રમાં ભાજપ અને તેના સાથી પક્ષો હાલ 239 બેઠકો પર આગળ છે.
રાજ્યની 403 વિધાનસભા બેઠકમાં જો કે હવે સૌની નજર ભાજપ 2017નાં 325 બેઠકોનો સ્કોરને પહોંચી શકે છે કેમ તેના પર છે. જ્યારે સમાજવાદી પક્ષ કે જેણે આ ચૂંટણીમાં ભાજપને સૌથી મજબૂત ટક્કર આપી હતી તે 108 બેઠકો પર આગળ છે અને આ રીતે 2017માં તેણે 47 બેઠકો મેળવી હતી અને તેનું પ્રદર્શન જબરદ્સ્ત રહ્યું છે.
- Advertisement -
ઉતરપ્રદેશ પછી નંબર ટુમાં મહત્વના બની ગયેલા પંજાબમાં 117 બેઠકોની વિધાનસભા બેઠકોમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ દિલ્હી સ્ટાઇલથી ફરી વળ્યું છે. આપ સતત આગળ ધસમસી રહ્યું છે અને 90 બેઠકો પર તેના ઉમેદવાર આગળ છે.ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 20 બેઠકો મળી હતી અને આજની સરસાઇ સાથે આપની છાવણીમાં જબરદસ્ત માહોલ છવાઇ ગયો છે અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા બંને અમૃતસર પહોંચી રહ્યા છે. જ્યારે બહુજન સમાજ પક્ષ પાંચ બેઠકો પર, કોંગ્રેસ છ બેઠકો પર આગળ છે, બસપાને જો કે ગત ચૂંટણીની 19 બેઠકો જેટલો વિજય આ ચૂંટણીમાં નહીં મળે તેવા સંકેત છે.જ્યારે ઉતરપ્રદેશમાં લડકી હું લડ શકતી હુંના સુત્ર સાથે મેદાનમાં આવેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગત ચૂંટણીની સાત બેઠકો જાળવી રાખશે તેવું હાલના શરુઆતના રુઝાન દર્શાવે છે. ઉતરપ્રદેશમાં જો કે ભાજપને 2017 જેવી બહુમતી નહીં મળે તેવું માનવામાં આવે છે.
પંજાબમાં જો કે ભાજપ અને કેપ્ટન અમરીન્દરસિંહના સાથને મતદારોએ ફગાવ્યો છે અને ફક્ત ચાર બેઠકો પર તે આગળ છે. અકાલી દળ કે જે રાજ્યમાં સતા મેળવવા માટે બસપા સાથે મેદાનમાં હતો તેને પણ 9 બેઠકો પર સરસાઇ મળી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિધ્ધુ, અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલ પરાજીત થઇ રહ્યા છે. બીજી તરફ ઉતરાખંડમાં કોંગ્રેસની પ્રારંભીક ટકક્ર બાદભાજપે સરકાર રચવાની બહુમતીની સરસાઈ મેળવી લીધી છે. 70 બેઠકોની વિધાનસભામાં ભાજપને 42 બેઠકો પર લીડ છે. કોંગ્રેસે પ્રારંભમાં તાકાત બતાવી હતી પરંતુ હવે તે મુખ્ય વિપક્ષ તરીકે 20 બેઠકો પર આગળ વધી રહ્યું છે અને આમ આદમી પાર્ટીને હજુ અહીં ખાતુ ખોલવાની તક મળી નથી. અન્ય ચાર બેઠકો પર આગળ વધી રહ્યા છે.
મણીપુરમાં પણ ફરી ભાજપ સરકાર સત્તા પર આવશે તેવા સંકેત છે. 2017માં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો પરંતુ ભાજપે પક્ષાંતરના ખેલથી કોંગ્રેસને સરકાર બનાવવા દીધી ન હતી.હાલની ચૂંટણીમાં 60 બેઠકોમાંથી ભાજપને 23 બેઠકો પર સરસાઇ છે. કોંગ્રેસ 13 બેઠકો પર આગળ વધી રહી છે. પરંતુ મહત્વનું એ છે કે મણીપુરમાં સ્થાનિક પક્ષ એનપીએફને 6, એનપીપીને 10 અને અપક્ષ 7 બેઠકો પર આગળ વધી રહ્યા છે અને તેથી જો નવા ગઠબંધન બને તો ભાજપને માટે ચિંતાની સ્થિતિ બની શકે છે. સૌથી રસપ્રદ ટકકર ગોવામાં જોવાઇ રહી છે. 40 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસ 15 અને ભાજપ 16 બેઠકો પર આગળ છે.મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી 6 અને અપક્ષ 3 બેઠકો પર આગળ છે.
- Advertisement -
અહીં પળેપળે પાસા પલટાઈ રહ્યા છે. 21 બેઠકોની બહુમતીમાં પહોંચવા માટે હજુ સુધી કોઇ પક્ષને સફળતા મળી નથી અને ગોવામાં ફરી તડજોડનું રાજકારણ શરુ થાય અને સરકાર બનાવવા માટે મોટાપાયે પક્ષાંતર થાય તેવી શક્યતા પણ નકારાતી નથી. આજના ચૂંટણી પરિણામોમાં મોટા ભાગે એક્ઝીટ પોલના અનુમાનો મુજબ જ પરિણામો આવી રહ્યા છે અને હવે સાંજ સુધીમાં આખરી પરિણામો આવી જશે. તે બાદ આવતીકાલથી સરકાર રચવાના પ્રયત્નો શરુ થશે.


