- દરેક ધર્મના રિવાજોનું સન્માન જાળવી દેશમાં અમન ફેલાવીએ
- સોશિયલ મીડિયાની અંધેરી નગરીના ગંડુ રાજા’ બનતા અટકો: સાંપ્રદાયિક ખટરાગ પેદા કરતી બાબતોને ટાળી એકતાની મિશાલ બનો
– પ્રિયંકા પરમાર
દિનકર જોષીએ મહમદ અલી ઝીણા પર લખેલા પ્રતિનાયક પુસ્તકમાંનો એક પ્રસંગ યાદ આવે છે. માણસની ધર્મજનૂની સોચ કેટલી હદે ખતરનાક હોય છે તેનું ધારદાર ઉદાહરણ દિનકર જોષીએ પ્રતિનાયક પુસ્તકમાં આપ્યું છે. એકવાર મહમદ અલી ઝીણા ગાંધીજીની મુલાકાતે ગયા હતા અને તે સમયે ઝીણાના પગમાં કોઈ કારણોસર ઈજા કે પીડા થઈ હોવાથી સરળતાથી ચાલી શકતા નહોતા. જેની નોંધ ગાંધીજીએ લીધી અને મુલાકાત પૂર્ણ થતાં ઝીણાને લેપ વિશે વાત કરતાં કહ્યું કે,તમારી પગની પીડાનો ખાતમો કરવાનું રામબાણ ઈલાજ છે. રામથી શરૂ થતો રામબાણ શબ્દ સાંભળતાની સાથે જ ઝીણાનું મોઢું બગડી જાય છે અને ગાંધીજીની વાતને બે-ધ્યાન કરીને ઝડપથી વિદાય લઈ લે છે. આ પ્રસંગ એટલે અહીં ટાંકવા માટે યોગ્ય લાગ્યો કે શાહરૂખની શ્રદ્ધાંજલી આપવાની રીતને હિન્દુ-મુસ્લિમનો મુદ્દો કરનારાઓ કદાચ ઝીણા જેવી જ સોચ ધરાવનારા હશે.
ઘણાં સમય પહેલા કર્મનો સિદ્ધાંત નામનું પુસ્તક વાંચ્યું હતું. જેમાં લખેલું હતું કે જો તમે કોઈને મનથી પણ પીડા આપી હોય તો તમારે પણ મનથી પીડા ભોગવવી પડે છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે કોઈને શારિરીક પીડા આપવી એ જ હિંસા કહેવાય ? નહીં, કોઈને મનથી પીડા આપવી તે પણ હિંસા કરી જ કહેવાય.
- Advertisement -
વિવિધતામાં એકતાની ઝાંખી કરાવતો ભારત દેશ ખરેખર મહાન છે. પરંતુ સાંપ્રદાયિક ખટરાગના છીટાં એકતાની ઝાંખીને ગંદી કરે છે. દરેક ધર્મ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે. અમે જ સર્વ શ્રેષ્ઠની ઘેલછાં રાખીને કોઈપણ ધર્મનું અપમાન કરવું એ ક્યાંની સમજદારી છે. ધંધૂકામાં થયેલા કિશન ભરવાડના હત્યાકાંડમાંથી આપણે લગીરે કોઈ શીખ ન મેળવી હોય એ રીતે સાંપ્રદાયિક ઝઘડાને ઉત્તેજન મળે તેવી શાહરૂખ ખાનની શ્રદ્ધાંજલીની તસ્વીરને સોશિયલ મીડિયામાં મારી મચકોડીને વાયરલ થઈ હતી. હજુ શાહરૂખની તસ્વીરની વાત શમી નથી, ત્યાં કર્ણાટકની કોલેજમાં છોકરીઓની હિજાબ પહેરવાની બાબતે સાંપ્રદાયિક તનાવની સ્થિતિ સર્જાઈ છે. કોલેજના છોકરાઓ ભગવો ખેસ ધારણ કરીને હિજાબનો પ્રતિકાર કરી રહ્યા છે. હવે તો વાત કોલેજ પૂરતી ન રહેતા કર્ણાટકની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ધાર્મિક કટ્ટરતાના બીજ સાથે ધર્મ પરિવેશનો વિવાદ કંઈ રીતે યોગ્ય છે? જો કે ભારતના બંધારણમાં પણ ઉલ્લેખ છે કે દરેક વ્યક્તિ પોતાના ધર્મ-રીતિરિવાજોનું પાલન કરી શકે છે. પરંતુ હવે જોવું રહ્યું કે હિજાબનો વિવાદ દેશમાં અને કર્ણાટકમાં શું નવા રંગ દેખાડે છે.
શું આ રીતે સાંપ્રદાયિક ઝઘડાને પ્રોત્સાહન આપવું હિંસાને ઉત્તેજન આપવાનું કર્મ નથી ? શું કોઈના રિવાજોનું માન ન જાળવવું એ મહાનતાની નિશાની છે ? કદાચ આવા સુક્ષ્મ રોષજનક કાર્યો જ વિશાળ સ્વરૂપ ધારણ કરીને નિર્દોષ લોકોનો ભોગ લે છે. લોકો ધર્મના નામે હિંસાના માર્ગે પણ ઉતરી જાય છે. પછી એ શાબ્દિક હિંસા ફેસબુક, ટ્વીટર અને ઈન્સટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર રજુ થાય છે અને અવિશ્વાસનું વાતાવરણ સર્જે છે.
જો કે સાંપ્રદાયિક ઝઘડાઓમાં આનંલ લેતા કહેવાતા બુદ્ધિજીવીઓને એ વિચાર તો આવતો જ નહીં હોય કે માણસ જે વાતાવરણમાં મોટો થયો હોય, જે ધર્મ સાથે સંકળાયેલો હોય એ જ રીતે રોજીંદા જીવનમાં વ્યવહાર કરતો હોય છે. સ્વાભાવિક ટેવો અનુસાર દરગાહમાં હાથ જોડીને દર્શન કરનારાઓની સંખ્યા ઓછી નથી. પરંતુ ભારત દેશમાં લોકોની લાગણી બહુ જલ્દી દુભાય જાય છે.
- Advertisement -
જો કે સારી વાત એ પણ છે કે સોશિયલ મીડિયામાં સહિષ્ણુતા ફેલાવનારા માણસોની કમી નથી. ઘણા લોકોએ શાહરૂખની તસ્વીરની પ્રશંસા કરીને ભારતની એકતાનું પ્રમાણ ગણાવ્યું હતું. 21મી સદીમાં જીવતાં શિક્ષિત માણસના જીવનમાં સાંપ્રદાયિક ભેદભાવનું કોઈ સ્થાન ન હોવું જોઈએ. પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ. સમભાવ સાથે અતુલ્ય ભારતની ગરિમાને જાળવી હિન્દૃ-મુસ્લિમની ગણતરીને સાઈડમાં રાખવી જોઈએ. જેનું પાલન કરવાની જવાબદારી દરેક ધર્મના વ્યક્તિની છે. ભારતમાં રહેતા દરેક ભારતીયએ ધર્મ પહેલાં ભારત દેશ અને તેના હિતને સમર્પિત થવું જોઈએ. સાથો સાથ દરેક ધર્મ, તેના રિવાજો અને તેમની માન્યતાઓનું સન્માન કરવું જોઈએ. વિશાળ હદયમાં એકમેકનો સ્વીકાર કરી દેશમાં અમન ફેલાવીએ.


