આજે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ : ‘સ્કિલ ઇન્ડિયા’ના દાવાઓ સામે વાસ્તવિકતા
કુલ 519 મંજૂર મહેકમ સામે માત્ર 332 જગ્યા જ ભરેલી છે, જ્યારે 187 જગ્યા ખાલી પડી છે
- Advertisement -
મોરબી રોડ ઈંઝઈંમાં છેલ્લા 26 વર્ષથી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યા ભરાઈ નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દર વર્ષે 11મી મેના રોજ દેશભરમાં ‘રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ’ની ઉજવણી કરીને વૈજ્ઞાનિક પ્રગતિ અને ટેક્નિકલ વિકાસનું ગૌરવ ગવાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ‘સ્કિલ ઇન્ડિયા’, ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વાઈબ્રન્ટ ગુજરાત’ જેવા અભિયાનો દ્વારા યુવાનોને વિશ્વસ્તરીય કૌશલ્ય આપવાના દાવા કરી રહી છે. પરંતુ રાજકોટ જિલ્લાની સરકારી આઈટીઆઈઓની હાલત જોતા આ દાવાઓ અને ધરાતળની વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ આવે છે.
રાજકોટ જિલ્લાની 14 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)માં હાલ 36 ટકા જેટલી મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું છે. કુલ 519 મંજૂર મહેકમ સામે માત્ર 332 જગ્યાઓ જ ભરેલી છે, જ્યારે 187 જગ્યાઓ ખાલી પડી છે. આ ખાલી જગ્યાઓમાં સૌથી વધુ અસરકારક બાબત એ છે કે તેમાં મોટી સંખ્યામાં ઇન્સ્ટ્રક્ટર અને ટેક્નિકલ પ્રશિક્ષકોની જગ્યાઓનો સમાવેશ થાય છે, જે સીધી રીતે વિદ્યાર્થીઓના તાલીમ અને ભવિષ્ય સાથે જોડાયેલ છે.
સૌથી ચિંતાજનક સ્થિતિ રાજકોટ (મુખ્ય) સરકારી આઈટીઆઈની સામે આવી છે. અહીં 183 મંજૂર જગ્યાઓ સામે 64 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 30 જગ્યાઓ માત્ર ઇન્સ્ટ્રક્ટરોની છે. એટલે કે વિદ્યાર્થીઓ માટે જરૂરી ટેક્નિકલ માર્ગદર્શન પૂરું પાડનાર જ શિક્ષકોની ભારે અછત છે. પરિણામે પ્રેક્ટિકલ આધારિત શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે.
ટેક્નિકલ શિક્ષણ માત્ર પુસ્તકોના જ્ઞાનથી પૂરું થતું નથી. મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઓટોમેશન, સોલર ટેક્નોલોજી અને અન્ય આધુનિક ટ્રેડમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ અને અનુભવી માર્ગદર્શકની સતત જરૂર રહે છે. પરંતુ જ્યારે પ્રશિક્ષકો જ ઉપલબ્ધ ન હોય ત્યારે વિદ્યાર્થીઓને માત્ર સાધનો અને મશીનો બતાવી દેવામાં આવે, તેનાથી કૌશલ્ય વિકસતું નથી.
આ સમગ્ર સ્થિતિમાં સૌથી આશ્ચર્યજનક બાબત મોરબી રોડ આઈટીઆઈની સામે આવી છે, જ્યાં છેલ્લા 26 વર્ષથી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યા ભરાઈ જ નથી. બે દાયકાથી વધુ સમયથી એક મહત્વપૂર્ણ પદ ખાલી રહેવું એ માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ ટેક્નિકલ શિક્ષણ પ્રત્યેની નિષ્ક્રિયતા પણ દર્શાવે છે.
સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક ઈમારતો, વર્કશોપ અને મશીનરી ઉભી કરવામાં આવી છે, પરંતુ તેમાં જ્ઞાન અને કૌશલ્યનું સંચાલન કરનાર માનવબળની જ ગંભીર અછત છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે કાયમી ભરતી લાંબા સમયથી કરવામાં આવી નથી અને કરાર આધારિત અથવા આઉટસોર્સિંગ દ્વારા પણ પૂરતી નિમણૂકો કરવામાં આવી નથી. પરિણામે અનેક કોર્સો કાગળ પર તો ચાલુ છે, પરંતુ વાસ્તવિક તાલીમ અધૂરી રહી રહી છે.
વિરોધાભાસ એ છે કે જે રાજકોટ જિલ્લાથી રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા આવે છે, તે જ જિલ્લામાં ટેક્નિકલ શિક્ષણની આવી દયનીય સ્થિતિ સામે આવી રહી છે. સરકાર યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવાની વાત કરે છે, પરંતુ મૂળભૂત માળખામાં જ માનવસંસાધનની અછત હોય ત્યારે આ દાવાઓ વિશ્વસનીય રહેતા નથી.
રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણીનો સાચો અર્થ ત્યારે જ સાકાર થશે જ્યારે સરકાર ટેક્નોલોજીના ભવ્ય કાર્યક્રમો અને જાહેરાતોથી આગળ વધી ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં પૂરતા પ્રમાણમાં પ્રશિક્ષકોની ભરતી કરશે. નહીં તો કરોડોની ઈમારતો વચ્ચે બેઠેલો યુવા માત્ર પ્રમાણપત્રો લઈને રોજગાર માટે ભટકતો રહેશે અને ‘સ્કિલ ડેવલપમેન્ટ’ માત્ર કાગળ પરનો સૂત્ર બનીને રહી જશે.
- Advertisement -
તાલીમાર્થીઓને રોજગારીના આંકડા માત્ર માયાજાળ
સરકારી તંત્ર દ્વારા ગર્વભેર કહેવામાં આવે છે કે વર્ષ 2025-26માં 993 યુવાનને પ્લેસમેન્ટ મળ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, પૂરતી પ્રાયોગિક તાલીમ અને ક્વોલિફાઈડ ઇન્સ્ટ્રક્ટરના અભાવે તૈયાર થયેલા આ યુવાનો ઉદ્યોગોમાં માત્ર ’ઓફર લેટર’ મેળવીને સંતોષ માને છે. પૂરતા કૌશલ્ય વગર આ યુવાનો ખાનગી કંપનીઓમાં શોષણનો ભોગ બને છે અથવા તો ઓછા પગારની મજૂરી કરવા મજબૂર બને છે. પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લેનાર 1536 ઉમેદવારોમાંથી પસંદ થયેલા યુવાનો ખરેખર સ્કિલ્ડ છે કે માત્ર સર્ટિફાઈડ, એ મોટો પ્રશ્ર્ન છે.
ઉદ્યોગોને જોઈતા કુશળ કારીગરો ક્યાંથી આવશે ?
રાજકોટ એન્જિનિયરિંગ હબ ગણાય છે. અહીંના ઉદ્યોગોને સી.એન.સી. ઓપરેટર, ટેક્નિશિયન અને મિકેનિક્સની સતત જરૂર રહે છે. જો સરકારી આઈ.ટી.આઈ.માં જ મહેકમ ખાલી હશે, તો આત્મનિર્ભેર ગુજરાતનું સપનું કેવી રીતે સાકાર થશે? એક તરફ નવા સત્રની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને 2300થી વધુ યુવાનો આશા સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે શું આ વર્ષે પણ તેમને માત્ર ખાલી ખુરશીઓ જ જોવા મળશે? એવો વેધક સવાલ જાગૃતજનોમાં ઉઠી રહ્યો છે.



