રાજકોટમાં જનકલ્યાણ ટ્રસ્ટની અનોખી સેવા
1 માર્ચે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ચક્ષુ, દેહ અને સ્કિન ડોનેશન કરનાર પરિવારો અને સ્વીકારનાર એક મંચ પર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમાજસેવામાં અનોખું અને પ્રેરણાદાયી કાર્ય કરતી જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતભરમાં રક્તદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન અને અંગદાન અંગે સતત જાગૃતિ ફેલાવવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલી રહી છે. ટ્રસ્ટ દ્વારા સમાજના દરેક વર્ગના લોકો સુધી પહોંચીને જીવનદાયી દાન અંગે સકારાત્મક વિચારસરણી વિકસાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 53 રક્તદાન કેમ્પ યોજીને કુલ 2124 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે 820 ચક્ષુદાન, 65 દેહદાન અને 48 સ્કીન ડોનેશન જેવી મહત્વપૂર્ણ સેવાઓ શક્ય બની છે. ચક્ષુદાન અને દેહદાન કરનાર પરિવારોનો ઉત્સાહ વધારવા માટે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી ચાર વિશેષ સત્કાર સમારંભ યોજવામાં આવ્યા છે. કુલ 580 ચક્ષુદાતા, 56 દેહદાતા અને 20 સ્કીન ડોનેશન કરનાર પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ સમારંભોમાં ચક્ષુદાન સ્વીકારનાર વ્યક્તિઓ પણ હાજર રહી દાતાના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, જે પ્રસંગને ભાવનાત્મક બનાવે છે.
આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 01-03-2026, રવિવારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે વિશાળ સન્માન સમારંભ યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 581 થી 750 ચક્ષુદાતાઓ, 50 થી 61 દેહદાતાઓ તથા 21 થી 38 સ્કીન ડોનેશન કરનાર પરિવારોને સન્માનિત કરવામાં આવશે. દરેક દાતાના પરિવારજનોને સ્વર્ગસ્થના ફોટા, નામ અને સ્વર્ગવાસ તારીખ સાથેની વિશેષ શીલ્ડ અર્પણ કરી તેમનો ઋણ સ્વીકાર કરવામાં આવશે.
આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ પહેલાં ચક્ષુદાન શક્ય બને તે માટે ટ્રસ્ટ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને પોલીસ કમિશનર પાસેથી ખાસ મંજૂરી મેળવી સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યું છે. આ પગલાંથી ચક્ષુદાનની પ્રક્રિયા વધુ સરળ બનશે અને વધુ લોકોને જીવનમાં પ્રકાશ આપવાની તક મળશે. ભૂતકાળમાં ટ્રસ્ટે રાજકોટના જુદા જુદા સ્મશાનોમાં છ દિવસ સુધી સતત નવ કલાક ઉભા રહીને એક અનોખી પહેલ કરી. અગ્નિદાહ વેળાએ જ સાત પરિવારોને ચક્ષુદાન માટે પ્રેરિત કરી, જરૂરિયાતમંદોને આંખો અર્પણ કરવાની માનવતાભરી સેવા આપી. સ્મશાન જેવી સંવેદનશીલ જગ્યાએ જઈ જાગૃતિ ફેલાવવાનું કાર્ય સમાજમાં દાનપ્રેરણાનું શક્તિશાળી ઉદાહરણ બની રહ્યું છે.
શૈક્ષણિક સેવા તરફ ટ્રસ્ટનો વધુ એક પગલું: ધો. 5થી 12 માટે બુક બૅંક શરૂ
- Advertisement -
શૈક્ષણિક ક્ષેત્રે પણ સેવાનો પગરવ કરતા આ ટ્રસ્ટે ધોરણ પાંચ થી બાર ધોરણનાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી બુક બેંક શરૂ કરી છે જેનો અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ લાલ લીધો છે. ગત વર્ષે દાતાઓના સહયોગથી એક મજૂરીકામ કરતી વ્યક્તિને તેના હાથના કપાઈ ગયેલા આગળાની જગ્યાએ કૃત્રિમ આંગળીઓ બેસાડીને તે કામ કરી શકે તે માટે મદદ કરેલી, થેલેસેમિયા ગ્રસ્ત દીકરીને પણ તેની જરૂરિયાત મુજબના ઇન્જેક્શનનો ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટની આવી સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને રાજકોટના આર.કે બિલ્ડર્સના તરલાબેન મહેતા દ્વારા આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓના સુયોગ્ય સંચાલન માટે ઢેબર રોડ ઉપર એક ઓફિસ પણ આપવામાં આવી છે. ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા જ સંસ્થાની ઓફિસે – 10, કાંતિ પ્રકાશ, પૂનમ ફર્નિયર, ઢેબર રોડ ખાતે એક્યુપ્રેશનર સારવાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે.



