સૌરાષ્ટ્રમાં સોની વેપારીઓને નિશાન બનાવતી ‘ઈરાની ગેંગ’ જેવી ઠગ ટોળકી સક્રિય
જૂનાગઢમાં 3.10 લાખ અને કેશોદમાં 2.85 લાખની સોની વેપારી સાથે ઠગાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ અને કેશોદ પંથકની સોની બજારમાં ગ્રાહક બનીને આવતા એક પુરુષ અને એક સ્ત્રીએ નકલી અથવા ભેળસેળિયા સોનાના દાગીના પધરાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ઘટનાઓ સામે આવી છે. આ ગંભીર મામલે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ અને ચોક્સી બજાર એસોસિએશને પોલીસ સમક્ષ રજૂઆત કરતા પોલીસે ગુનો દાખલ કરી જેની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જૂનાગઢની ન્યૂ ગિરિરાજ જ્વેલર્સમાં રૂપિયા 3.10 લાખની ઠગાઈ
જૂનાગઢની સોની બજારમાં આવેલ ‘ન્યૂ ગીરીરાજ’ જ્વેલર્સના માલિક જમનભાઈ છગનભાઈ પાલા (ઉ.વ. 60) એ ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 10 જાન્યુઆરીના રોજ બપોરે 1:30 થી 3:30 વાગ્યા દરમિયાન આશરે 40 થી 45 વર્ષની ઉંમરના એક અજાણ્યા સ્ત્રી-પુરુષ તેમની દુકાને આવ્યા હતા. આ ઠગ જોડીએ પોતાની પાસે રહેલી સોનાની ‘હાંસડી’ વેચવાની વાત કરી હતી અને બદલામાં સોનાના ચેઈન તથા વીંટીની ખરીદી કરવાની ઈચ્છા દર્શાવી હતી. વેપારીએ વિશ્ર્વાસમાં આવી આશરે 15.690 ગ્રામનો સોનાનો ચેઈન અને 2.530 ગ્રામની વીંટી (જેની કુલ કિંમત રૂ. 2,66,152) તેમને આપી હતી. આ ઉપરાંત, હાંસડીની કિંમત વધુ ગણી વેપારીએ રૂ. 44,000 રોકડા પણ આપ્યા હતા. આમ, કુલ રૂ. 3.10 લાખની મતા લઈને આ શખ્સો રવાના થયા હતા. પાછળથી ચકાસણી કરતા માલુમ પડ્યું હતું કે શખ્સોએ આપેલી હાંસડી સોનાની નહોતી પરંતુ ભેળસેળ વાળી (બંધાર) હતી.
કેશોદની પાલા પ્રીમિયમ જ્વેલર્સમાં રૂપિયા 2.85 લાખની ઠગાઈ
બરાબર એ જ દિવસે એટલે કે 10 જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં આ જ મોડસ ઓપરેન્ડીથી કેશોદની સોની બજારમાં આવેલ ‘પાલા પ્રીમિયમ’ જ્વેલર્સમાં ઠગાઈ આચરવામાં આવી હતી. અહીં 50 થી 55 વર્ષની ઉંમરના જણાતા એક અજાણ્યા ભાઈ અને બહેને વેપારી નરેન્દ્રભાઈ ખીમજીભાઈ પાલાને વિશ્ર્વાસમાં લીધા હતા. તેઓએ પીળી ધાતુનો (જેમાં અમુક ટકા જ સોનું હોય તેવો) હાર ગીરવે મૂકી બે દિવસમાં પરત લઈ જવાની વાત કરી હતી. બદલામાં તેઓએ દુકાનમાંથી આશરે 16.450 ગ્રામ વજનના બે સોનાના ચેઈન કિંમત રૂ. 2,62,996 અને રૂ. 22,000 રોકડા મેળવ્યા હતા. આમ, કેશોદમાં પણ અંદાજે રૂ. 2.85 લાખની છેતરપિંડી આચરી આ જોડી પલાયન થઈ ગઈ હતી. આ પ્રકારની ઘટનાઓ માત્ર જૂનાગઢ કે કેશોદ જ નહીં, પણ જેતપુરમાં પણ બની હોવાનું સામે આવ્યું છે. સતત વધતા બનાવોને પગલે જૂનાગઢ ચોક્સી બજાર એસોસિએશન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને ભોગ બનનાર વેપારીઓએ જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને તાત્કાલિક ધોરણે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરા સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને આ નવી ‘મોડસ ઓપરેન્ડી’ (ગુનો કરવાની રીત) ધરાવતી ગેંગને પકડવા માટે એલસીબી પીઆઇ કુણાલ પટેલને સૂચના આપી હતી. વેપારીઓની હાજરીમાં જ પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની ત્વરિત કાર્યવાહી અને વેપારીઓને ન્યાય અપાવવાની ખાતરી બદલ જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ અને ચોક્સી બજાર એસોસિએશને એસપી અને ડીવાયએસપીનો આભાર વ્યક્ત કર્યો છે. પોલીસ દ્વારા સોની બજારના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને અન્ય જિલ્લાની પોલીસ સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે. પોલીસ અને એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અજાણ્યા શખ્સ સોનું વેચવા કે ગીરવે મૂકવા આવે તો તેની પૂરેપૂરી ખરાઈ કરવી, ઓળખના દસ્તાવેજો લેવા અને શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.



