ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (ૠજઇઝખ) દ્વારા જૂનાગઢ ખાતે આયોજિત બે દિવસીય સેમિનારના પ્રથમ દિવસે વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોએ બાયોટેકનોલોજીના નવા આયામો પર ચર્ચા કરી હતી. મુખ્ય સૂર એ હતો કે, માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુઓ અને લોકોમાં નવા રોગો ઉદ્ભવે છે, જેના નિવારણ માટે સંશોધનની જરૂર છે. ૠજઇઝખના ડાયરેક્ટર ડી.ડી. જાડેજાએ વન્યજીવનના સંરક્ષણ માટે નવા સંશોધનો હાથ ધરવાની તત્પરતા વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓ-યુનિવર્સિટીઓ સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સંશોધન માટે ૠજઇઝખ તરફથી પૂરતું ફંડ આપવાની ખાતરી આપી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ વિદ્યાર્થીઓને ઇનોવેશનના અભિગમ સાથે અભ્યાસ અને સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય વન સંરક્ષક રામ રતન નાલાએ જણાવ્યું કે વન્યજીવોની સંખ્યા વધતા માનવ-સંઘર્ષ સાથે નવીન રોગો પણ જોવા મળે છે, જેના પ્રીવેન્શન માટે તૈયારી જરૂરી છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે બાયોટેકનોલોજી અને વન્યજીવ સંરક્ષણમાં યુનિવર્સિટીનો સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પશુપાલન વિભાગના સંયુક્ત નિયામક શ્રી અમિત કાનાણીએ બાયોટેકનોલોજીની મદદથી દુધાળા પશુઓમાં રોગ નિયંત્રણ અને દૂધ ઉત્પાદન વધારવા તેમજ ઓલાદ સુધારણાની વાત કરી હતી. ડો. નિશિથ ધારૈયાએ પ્રાણીઓની રોગ પ્રતિકારક શક્તિમાં આવતા પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. ડો. એસ. કે. ગુપ્તાએ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વન્યજીવ સંરક્ષણ અભ્યાસ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને હુમલો કરનાર પ્રાણીના નમૂનાના પૃથ્થકરણ દ્વારા સચોટ જવાબો મેળવવાની વાત કરી હતી. આ સેમિનારમાં જુદી જુદી યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક મહાનુભાવો સહભાગી થયા હતા.



