જેતપુર જેલમાં પરિચય થયા બાદ ‘કંપનીમાં એજન્ટ છું 200 કરોડનું કામ છે’ કહી શીશામાં ઉતાર્યો
રૂપીયા માંગતા યુવકને ‘ખોટા ગુનામાં ફિટ કરી ફરી તારીખ ભરવા તૈયાર રહેજે’ કહી ધમકી આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલના રાજકારણને સાંકળીને વારંવાર વિવાદિત વિડીયો વાયરલ કરવાની ટેવ ધરાવતા યુટ્યુબર બન્ની ગજેરા સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે રાજકોટ રહેતા યુવક સાથે જેતપુર જેલમાં પરિચય થયા બાદ કંપનીમાં 200 કરોડનું કામ અપાવી દેવાનું કહી 3.60 લાખ પડાવી લીધા હોય જે પૈસા પરત માંગતા ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ રાજકોટના લીલી સાજડીયાળીના વતની અને હાલ કોઠારીયા ગામમાં આશિર્વાદ સોસાયટીમાં રહેતા કશ્યપભાઈ કિશોરભાઈ રામાણી ઉ.33એ વિવાદિત યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગોરધન ગજેરા સામે જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અગાઉ ગોંડલ-જેતપુર રોડ સાંઢીયા પુલ પાસે આવકાર રેસીડેન્સીમાં પરીવાર સાથે રહેતો હતો પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોય જેથી મકાન 2024માં વેચી તે ઈમીટેશન જવેલરીના કામ અર્થે રાજકોટ રહેવા આવી ગયા હતા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે કમઢીયા ગામે મામાદેવના મંદીરે દોરા-ધાગા કરાવવા જતો હતો જયા ભાવીન ઉર્ફે બન્ની ગજેરા પણ આવતો હોય જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી અને અવાર નવાર મળતા હોય જેથી તેની સાથે મિત્રતા થઇ હતી.
ચારેક મહિના પહેલા તે જેતપુર જેલમાં હતો ત્યારે બન્ની ગજેરા પણ કોઇ ગુનામા જેતપુર જેલમાં આવ્યો હતો ત્યારે બન્ની સાથે વાતચીત દરમ્યાન પરીવારની આર્થિક સ્થિતિ નબળી છે અને ગોંડલ ખાતે મકાન હતુ તે પણ વેચાઇ ગયું છે તેવી વાત કરી હતી ત્યારે બન્ની ગજેરાએ કહેલ કે, મારી પાસે એક કંપનીના 200 કરોડનું કામ છે તે કંપનીમાં હું એજન્ટ છુ અને તેમાં કીટ વિતરણનું કામ કરવાનુ છે તેમાં તું રોકાણ કર તો સારૂ એવુ વળતર મળશે તારે મકાન લેવાના પૈસાનુ સેટિંગ થઈ જશે તેવુ કહ્યું હતું બાદ જુન મહિનામાં જેલમાંથી છૂટ્યો હતો તે પછી બન્ની ગજેરાને તે જે કંપનીમાં એજન્ટ છે તે કંપનીમાં રોકાણ કરવા માટે કટકે કટકે 3.60 લાખ આપ્યા હતા બાદ ભાવીન ઉર્ફે બન્ની ગજેરાને આપેલા 3.60 લાખ બાબતે પુછતા તે સરખો જવાબ આપતો નહીં અને છેલ્લે એકાદ મહીના પહેલા તેણે મને વોટસએપ મેસેજમાં ગાળો આપી તારી પાસે પ્રુફ હોય તો લઈને આવજે, મારી પાસે તારા બધા રેકોર્ડિંગ અને ચેટ છે.
એટલે મજા મજા કર, નવી તારીખ ભરવા તૈયાર રે તેવુ કહી મને કોઈ ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. બન્ની ગજેરાએ 3.60 લાખ મેળવી લીધા બાદ પરત નહિ આપતાં અંતે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.



