સૌપ્રથમ ઓલ ઇન્ડિયા હોકી ટૂર્નામેન્ટનું યજમાનપદ રાજકોટ શહેરને મળ્યું
ગુજરાત ઉપરાંત વિવિધ રાજ્યના પોલીસ, પેરા મિલિટરી ફોર્સ સહિત 32 ટીમ વચ્ચે જંગ જામશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પૈકીની એક ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું 74મું સંસ્કરણ આગામી તા.4થી 14 ડિસેમ્બર સુધી રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ગુજરાત ઉપરાંત વિવિધ રાજ્યના પોલીસ અને પેરા મિલિટરી ફોર્સ સહિત 32 ટીમ વચ્ચે રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીના મેચનો જંગ જામશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે, આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન રાજ્યના પોલીસવડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં થશે, તેમજ તા.14ના સમાપન સમારોહ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થશે. તા.3ના હોકી ચેમ્પિયનશિપનું રિહર્સલ થશે.
આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પોલીસ હોકી ટૂર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર
- Advertisement -
રાજકોટમાં રમાનારી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભારતીય હોકી ટીમના ખેલાડીઓ પણ રમવાના હોય હોકી રમતના પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચેમ્પિયનશિપમાં ઉત્તરપ્રદેશ પોલીસ ફોર્સની ટીમના ખેલાડી લલિતકુમાર ઉપાધ્યાય ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી છે. તેઓને 2021માં અર્જુન પુરસ્કારથી સ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આકાશદીપ સિંઘ ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી છે, જે હોકી ઈન્ડિયા લીગ અને ઈન્ડિયા હોકી ટીમમાં ઉત્તરપ્રદેશ વિઝાર્ડસ માટે ફોરવર્ડ તરીકે રમે છે. આકાશદીપ સિંઘ યુવા ભારત હોકી ટીમના કેપ્ટન હતા અને ભારતની સિનિયર ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. રિયોમાં 2016માં ઓલિમ્પિક રમ્યા હતા. 2018માં સિંઘે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત પંજાબ પોલીસમાં ફરજ બજાવતાં શમશેરસિંહ પણ રાજકોટમાં રમતા જોવા મળશે, શમશેરસિંહ ખેલાડી ફોરવર્ડ તરીકે શમશેરસિંહે ઓલિમ્પિક ગેમ્સમાં પેરિસમાં 2024માં બ્રોન્ઝ મેડલ તેમજ ટોક્યોમાં 2020માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. તેમજ 2022માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ તેમજ હીરો એશિયન ચેમ્પિયનશિપમાં 2021માં ઢાકામાં બ્રોન્ઝ અને 2023માં ચેન્નાઈમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.



