છેલ્લા 3 વર્ષથી પાણી ન મળતા શનાળા રોડની સોસાયટીના રહીશોનો વિરોધ: અધિકારીઓની નિયમિત પાણી આપવાની ખાતરી બાદ આંદોલન સમેટાયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
મોરબીના સનાળા રોડ પર આવેલી ઋષભનગર સોસાયટીના રહીશોને છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને નિયમિત ન મળતા આખરે તેમણે મહાપાલિકા કચેરી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
- Advertisement -
મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના સ્થાનિકો સવારે 11 વાગ્યે વાજતે ગાજતે રેલી સ્વરૂપે મહાપાલિકા કચેરી પહોંચ્યા હતા. કમિશનર કે ડેપ્યુટી કમિશનર હાજર ન હોવાથી મહિલાઓએ ત્યાં જ બેસીને રામધૂન શરૂ કરી દીધી હતી. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ શરૂઆતમાં એકાંતરા પાણી આપવાની ખાતરી આપી હતી, પરંતુ આ ખાતરીથી સંતોષ ન થતાં મહિલાઓએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું હતું. મહિલાઓએ બપોરનું ભોજન પણ કચેરીના પટાંગણમાં જ લીધું હતું અને સાંજના 7 વાગ્યા સુધી, એટલે કે સતત 9 કલાક સુધી, રામધૂન ચાલુ રાખી હતી.
આખરે, મહાપાલિકાના અધિકારીઓએ નિયમિત અને સમયસર પાણી આપવાની તેમજ આ પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે ઝડપથી કામગીરી કરવાની લેખિત ખાતરી આપતા, સ્થાનિક લોકોએ આંદોલન સમેટી લીધું હતું અને વિજયી બનીને ઘરે પરત ફર્યા હતા.



