યુનિટી માર્ચ અંતર્ગત તાલાલા વિધાનસભા વિસ્તારમાં બીજા ચરણની પદયાત્રા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષમાં ’એકતા મંત્ર’ને જન-જન સુધી પહોંચાડવા રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા વિધાનસભામાં બીજા ચરણની પદયાત્રા યોજાઈ હતી. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ના સંદેશને મજબૂત બનાવ્યો હતો.
સરદાર પટેલનાં અદ્વિતીય રાષ્ટ્રીય યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરિચાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં યોજાઈ રહેલી આ યુનિટી માર્ચનો હેતુ જન-જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવાનો છે. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પાડોશી દેશના કાંકરીચાળા સામે સરદારે પોતાનું અડગ મનોબળ દર્શાવ્યું હતું. જ્યારે-જ્યારે જૂનાગઢ અને સોમનાથનો ઉલ્લેખ થાય ત્યારે સરદારનું સ્મરણ અચૂક કરવું જ પડે. રજવાડાના એકત્રીકરણ ઉપરાંત જૂનાગઢ અને હૈદરાબાદને જે રીતે સરદારે ભારતમાં જ વિલીનીકરણ કર્યું તે સરદારની ઉત્તમ કૂનેહનું પરિણામ છે. જે સમાજ પોતાનો ઇતિહાસ ભૂલે છે એ સમાજની અવદશા થાય છે એટલા માટે જ આપણે અભૂતપૂર્વ ઇતિહાસને યાદ કરતા આજે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓ અને ક્રાંતિકારીઓને યાદ કરવા જરૂરી છે. આમ કહી એમણે ઉમેર્યુ હતું કે, આ એકતા પદયાત્રા એ સરદાર સાહેબને સાચી અંજલી છે.



