જૂનાગઢ શહેરની અંતહિન સમસ્યાનો ઉકેલ
જમીન સંપાદન વિના એલિવેટેડ રેલવે ટ્રેક બનાવવાની નવીન યોજના વિકાસને ગતિ આપવા માટે એલિવેટેડ રેલવે પ્રોજેક્ટ અનિવાર્ય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.18
જૂનાગઢ મહાનગરના રહેવાસી અરવિંદભાઈ વજસીભાઈ સોલંકી દ્વારા શહેરની મધ્યમાં આવેલા રેલવે ટ્રેકને કારણે સર્જાતી ટ્રાફિક અને જનજીવનની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે મંત્રાલય સમક્ષ એક દૂરંદેશીભર્યો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સોલંકીએ રજૂઆત કરી છે કે, વસ્તી, રહેણાંક, ઔદ્યોગિક અને કોમર્શિયલ વિસ્તારના વધારાને કારણે જે રેલવે ટ્રેક એક સમયે શહેરની બહાર હતો, તે આજે શહેરના એકદમ મધ્યમાં આવી ગયો છે. રાજકોટ-જેતલસરથી આવતા અને સોમનાથ-વિસાવદર તરફ જતાં આ ટ્રેકને લીધે શહેરના લાખો નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને, જીવન-મરણની હાલતમાં રહેલા દર્દીઓને લઈને સિવિલ હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સને પણ રેલવે ફાટક પર રોકાવું પડે છે, જેનાથી માનવજીવન જોખમાય છે. સોલંકીએ જણાવ્યું છે કે, ગીચ વિસ્તારમાં એક કે બે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની શક્યતાઓ ઓછી છે, તે ખર્ચાળ પણ છે અને શહેરના 8 થી 10 જેટલા અલગ-અલગ રેલવે ફાટકની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકતી નથી. તેમણે સૂચવ્યું છે કે, સાબલપુર પાસેના નવા બાયપાસથી શરૂ કરીને રેલવે મંત્રાલયને અનુકૂળ હોય તેટલા વિસ્તારમાં એલિવેટેડ રેલવે ટ્રેક બનાવી શકાય. આ સાથે જ, જૂનાગઢ રેલવે સ્ટેશનને પણ એલિવેટેડ પ્લેટફોર્મ સ્ટેશન બનાવી શકાય. જેમાં એક જ ખર્ચમાં શહેરના તમામ નડતરરૂપ ફાટકોની સમસ્યાઓનો એકસાથે નિકાલ થઈ શકે છે. હાલના રેલવે ટ્રેકની જગ્યા પર જ લોખંડના પુલ પર એલિવેટેડ ટ્રેક બનાવવાનો હોવાથી જમીન સંપાદનની જરૂરિયાત રહેશે નહીં. એલિવેટેડ ટ્રેકની નીચેની જગ્યાનો ઉપયોગ કરીને સિંગલ રોડ બનાવી શકાય છે, જે ટ્રાફિકને હળવો કરશે. આ એલિવેટેડ ટ્રેક એક બાજુ ગ્રોફેડ પછીના વિસ્તારમાં અને બીજી બાજુ ચોબારી-વંથલી રોડ પછીના વિસ્તારમાં રાબેતા મુજબ જમીન સ્તરે (લેન્ડ લેવલમાં) લાવી શકાય છે. સોલંકીએ આ પ્રોજેક્ટને વિકસિત ભારતના કાર્યમાં એક પ્રયોગશીલ પ્રોજેક્ટ તરીકે ગણવા વિનંતી કરી છે, જેનાથી જૂનાગઢ શહેરના વિકાસને ગતિ મળશે. તેમણે ઉમેર્યું કે, રેલવે ફાટકોને કારણે જનજીવન, ઉદ્યોગ-ધંધા અને વેપાર-વાણિજ્યમાં જે અટકાવ આવે છે, તે દૂર થશે અને નિરંતર અવરજવરથી શહેરના વિકાસને નવો વેગ મળશે.



